| AI Image |
NASA Shield for Radiation : નાસા દ્વારા આર્ટેમિસ II જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે ચાર અંતરિક્ષયાત્રીઓ ચંદ્રની આસપાસ દસ દિવસની યાત્રા કરશે. પૃથ્વીના ચુંબકીય કવચની બહાર જતાં તેઓ કોસ્મિક કિરણો, સોલાર ફ્લેર અને વાન એલન રેડિયેશન બેલ્ટનો સામનો કરશે. આ હાઇ-એનર્જીના કણો ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે. અંતરિક્ષયાત્રીઓમાં કેન્સરનું જોખમ વધારી શકે છે અને મગજની કાર્યક્ષમતાને પણ અસર કરી શકે છે. એટલે કે ડીપ સ્પેસ ટ્રાવેલની સાથે રેડિયેશન પણ સૌથી મોટી મુશ્કેલીઓમાંની એક છે.
ઓરિયનની બિલ્ટ-ઇન ડિફેન્સ સિસ્ટમ+
નાસાએ ઓરિયન સ્પેસક્રાફ્ટને ખાસ મટિરિયલમાંથી બનાવ્યું છે જે જોખમી ઝોનમાંથી પસાર થતી વખતે રેડિયેશનને શોષી લે છે. સ્પેસક્રાફ્ટની રચના એ રીતે કરવામાં આવી છે કે તે પોતે જ એક પ્રોટેક્શન શિલ્ડની જેમ કામ કરે છે, જેથી અંતરિક્ષયાત્રીઓ વાન એલન બેલ્ટમાંથી અનેક વખત પસાર થાય ત્યારે તેમને રેડિયેશનનો સામનો ઓછો કરવો પડે. એન્જિનિયરો દ્વારા સપ્લાય અને સ્ટોરેજ બેગને એવી રીતે ગોઠવવાની રીત પણ અજમાવી છે કે વધારાનું રક્ષણ મળી શકે.
ઇમરજન્સી તોફાન સામે આશ્રય
સોલર સ્ટ્રોમ એટલે કે સૂર્યના તોફાનો અચાનક ખતરો બની શકે છે. જો મિશન દરમિયાન એવા તોફાન આવે, તો અંતરિક્ષયાત્રીઓ ઓરિયનના મધ્ય ભાગમાં જશે અને ત્યાં ખોરાક, પાણી અને સાધનો ગોઠવીને એક તાત્કાલિક આશ્રય બનાવશે. આ રીતે તેઓ તેમની આસપાસ વધુ એક કવચ ઊભું કરી શકશે, જેથી અચાનક વધેલા રેડિયેશનથી બચી શકે. અંતરિક્ષયાત્રીઓ માટે આ જગ્યાને સેફ ઝોન તરીકે બનાવવામાં આવશે જ્યાં તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષિત રહી શકે.
વ્યક્તિગત રક્ષણ માટે બનાવવામાં આવ્યા એસ્ટ્રોરેડ વેસ્ટ
સ્પેસક્રાફ્ટના રક્ષણ સિવાય અંતરિક્ષયાત્રીઓ ખાસ AstroRad radiation vests પહેરી શકે છે. આ વેસ્ટ ફેફસા પેટ અને બોન મેરો જેવા મહત્ત્વના અંગોને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું છે. આ વેસ્ટ વજનમાં હલકાં અને ફ્લેક્સિબલ હોવાથી અંતરિક્ષયાત્રીઓ રેડિયશનનું જોખમ ઓછું કરવાની સાથે તેમનું કામ પણ ચાલુ રાખી શકે છે. ઓરિયનના રક્ષણ અને આ વેસ્ટની મદદથી અંતરિક્ષયાત્રી પોતાને મેડિકલ દ્વારા નક્કી કરવામાં આવેલી રેડિયેશનની એક ચોક્કસ મર્યાદામાં રહી શકે છે. પૃથ્વી કરતાં ડીપ સ્પેસમાં રેડિયેશન 50થી 100 ગણું વધારે હોવા છતાં તેઓ પોતાને એક લિમિટની અંદર રાખી શકશે.
ભવિષ્ય માટેની કસોટી
આર્ટેમિસ II માત્ર ચંદ્રની આસપાસ ફરવાનો પ્રવાસ નથી. તે આર્ટેમિસ III માટેની મહત્ત્વપૂર્ણ તૈયારી છે, જેમાં માનવોને ચંદ્રની સપાટી પર ઉતારવાનું લક્ષ્ય છે. આ મિશનમાં લાઇફ-સપોર્ટ સિસ્ટમ, નેવિગેશન, કમ્યુનિકેશન અને રેડિયેશન રક્ષણની પ્રક્રિયાઓને ટેસ્ટ કરવામાં આવશે. આ મિશન દ્વારા મળવામાં આવેલા ડેટાને ભવિષ્યના ચંદ્ર મિશન સાથે સાથે મંગળ ગ્રહની યાત્રાઓ માટે પણ ઉપયોગ કરવામાં આવશે, જ્યાં રેડિયેશનનો ખતરો વધુ ગંભીર જોવા મળશે.
ડીપ સ્પેસમાં જીવતા રહેવા માટેની પહેલ
સ્પેસક્રાફ્ટનું રક્ષણ, ઇમરજન્સી શેલ્ટર અને પોતાને સુરક્ષિત રાખવા માટેનું વેસ્ટ દ્વારા નાસા માનવ અંતરિક્ષયાત્રા સામેની સૌથી મોટી મુશ્કેલીનું નિરાકરણ લાવવાની કોશિશ કરી રહ્યું છે. આર્ટેમિસ II માત્ર ચંદ્રની આસપાસ ફરવાનો પ્રવાસ નથી, પરંતુ તે સાબિત કરે છે કે અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીના રક્ષણાત્મક કવચની બહાર પણ જીવિત રહી શકે છે. આ મિશન માનવજાતને ડીપ સ્પેસમાં સુરક્ષિત રીતે જીવવા અને કામ કરવા માટેના નવા યુગ તરફ લઈ જાય છે.


