Science & Technology

મેટાએ એઆઈ ઈમેજ ટૂલનું એક ફીચર આવતાંવેંત પાછું ખેંચ્યું

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
મેટા કંપનીએ 'મ્યુઝ ઇમેજ' નામનું નવું AI મોડેલ લોન્ચ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી આધુનિક ઇમેજ જનરેશન ટૂલ છે. આ ટૂલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને અમુક દેશોમાં વોટ્સએપ પર ઉપલબ્ધ છે. જોકે, શરૂઆતમાં જ વિવાદ થતાં કંપનીએ પબ્લિક ઇન્સ્ટાગ્રામ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને AI જનરેટેડ ઇમેજ બનાવવાનું ફીચર પાછું ખેંચ્યું છે. ભારત સરકારે પણ આ અંગે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટાએ એઆઈ ઈમેજ ટૂલનું એક ફીચર આવતાંવેંત પાછું ખેંચ્યું


હમણાં મેટા કંપનીએ મ્યુઝ ઇમેજ નામે એક નવું મીડિયા જનરેશન એઆઈ મોડેલ લોન્ચ કર્યું. કંપનીના કહેવા અનુસાર આ તેનું અત્યાર સુધીનું સૌથી વધુ આધુનિક ઇમેજ જનરેશન મોડેલ છે. આ એઆઈ ટૂલ આપણી સૂચનાનું અક્ષરશઃ પાલન કરીને ઈમેજ કે વીડિયો જનરેટ કરી આપે છે. એ પછી આપણે ઇચ્છીએ તેવા ફેરફારો પણ ગજબની ચોકસાઈ સાથે કરવામાં આવે છે.

અત્યારે આ ટૂલ મેટા એઆઈ એપ વેબસાઇટ પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં તથા અમુક દેશોમાં વોટ્સએપમાં પણ ઉપલબ્ધ થવા લાગ્યું છે. થોડા સમયમાં તે ફેસબુક પર પણ ઉપલબ્ધ થઈ જશે.

જોકે આ ટૂલ શરૂઆતથી જ ચર્ચા અને વિવાદનો મુદ્દો બન્યું અને મેટા કંપનીએ તેનું સૌથી વિવાદાસ્પદ ફીચર તરત પાછું પણ ખેંચવું પડ્યું. વિવાદનું મુખ્ય કારણ એ હતું કે મ્યુઝ ઈમેજ ટૂલની મદદથી ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ યુઝર કોઈ પણ પબ્લિક ઇન્સ્ટાગ્રામ યુઝરને ટેગ કરીને એ એકાઉન્ટમાંના પબ્લિક ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી શકે અને તેની મદદથી એઆઈ જનરેટેડ ઈમેજ ક્રિએટ કરી શકે તેવી સગવડ આપવામાં આવી હતી!

આ ટૂલની મદદથી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ત્રીસેક જેટલી એઆઈ ઇફેક્ટનો ઉપયોગ કરી શકાય અને વાત વાતમાં યુઝર ધારે તેવી ઈમેજ જનરેટ કરી શકે. વોટ્સએપમાં આ ટૂલ ઉપલબ્ધ થયા પછી તેમાં પણ ફક્ત શાબ્દિક સૂચનાઓ આપીને અવનવી ઈમેજ જનરેટ કરી શકાશે.

પરંતુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પબ્લિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફોટોગ્રાફ્સ ખેંચીને તેમાંથી નવી ઇમેજ જનરેટ કરી શકે એ ફીચરને કારણે લોકોના ભવાં ખેંચાયાં. કંપનીએ બચાવમાં કહ્યું છે કે યુઝર્સ ધારે તો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ સેટિંગ ઓફ કરી શકે. પરંતુ ઇન્સ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરતા લોકોને પણ તેનાં ઘણાં સાદાં ફીચર વિશે પણ પૂરતી સમજ હોતી નથી. એથી આ એડવાન્સ્ડ ફીચર વિશે તેઓ પૂરતું જાણતા હોય તેવી અપેક્ષા રાખવી નકામી છે. આખરે મેટાએ હાલ પૂરતું આ ફીચર પાછું ખેંચ્યું છે.

અત્યારે ભારત સરકારે પણ મ્યુઝ એઆઈ વિશે વધુ તપાસ કરવાનો નિર્ણય લીધો છે. લાગે છે કે વોટ્સએપના યુઝરનેમ પછી મેટા અને ભારત સરકાર વચ્ચે આ નવા મુદ્દે પણ ઘર્ષણ થશે.