Science & Technology

ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યા છે લાંબા અને હોરિઝોન્ટલ વીડિયો

By GS Team
1 Nov 20263 mins read
TukuTouch Logo
ઇન્સ્ટાગ્રામ હવે યુટ્યુબને સીધી ટક્કર આપવા લાંબા અને હોરિઝોન્ટલ વીડિયો લાવશે. કંપનીના સીઇઓ એડમ મોસેરીએ આ જાહેરાત કરી છે. શરૂઆતમાં બ્રાઝિલ અને યુએસમાં કેટલાક ક્રિએટર્સ સાથે 90 મિનિટ સુધીના વીડિયોનો પ્રયોગ થઈ રહ્યો છે, જેને 'ફીચર્સ' નામ અપાયું છે. ઇન્સ્ટાગ્રામ ટીવી એપ દ્વારા ઘરમાં યુટ્યુબનો દબદબો ઘટાડવાનો આ પ્રયાસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યા છે લાંબા અને હોરિઝોન્ટલ વીડિયો
  • ઇન્સ્ટા હવે યુટયૂબ સાથે સીધી હરીફાઇમાં ઊતરશે - ફોનમાં અને ટીવી પર

અત્યાર સુધી, ટૂંકી અને વર્ટિકલ રીલ્સ એ જ ઇન્સ્ટાગ્રામની ઓળખ રહી છે, પરંતુ થોડા સમયમાં સ્થિતિ બદલાય એવી શક્યતા છે. ઇન્સ્ટાગ્રામમાં હવે લાંબા અને હોરિઝોન્ટલ વીડિયો પણ જોવા મળશે. કંપનીના સીઇઓ એડમ મોસેરી અને પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટે પોતે આ વાત આશરે સાડા છ મિનિટના એનાઉન્સમેન્ટ વીડિયોમાં જણાવી છે. એક શક્યતા અનુસાર ઇન્સ્ટાગ્રામમાં નેવું મિનિટ સુધીના વીડિયો પણ જોવા મળી શકે છે!
જો આ શક્યતા વાસ્તવિકતામાં બદલાય તો ઇન્સ્ટાગ્રામ સીધેસીધી યુટ્યૂબની હરીફાઈ કરશે. ઇન્સ્ટાગ્રામમાં આવા લાંબા અને હોરિઝોન્ટલ વીડિયોને ‘ફીચર્સ’ નામ આપવામાં આવ્યું છે (નામ એકદમ જેનરિક હોવાથી કન્ફ્યૂઝન ઊભું કરશે એ નક્કી છે). જોકે શરૂઆતમાં બહુ મર્યાદિત પ્રમાણમાં માત્ર અમુક કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. થોડા સમયથી બ્રાઝિલમાં કેટલાક ક્રિએટર્સને કંપનીએ આ રીતે ઇન્સ્ટાગ્રામ માટે લાંબા અને હોરિઝોન્ટલ વીડિયો ક્રિએટ કરવા ઇન્વાઇટ કર્યા હતા. હવે આ ટેસ્ટ યુએસમાં પણ વિસ્તારવામાં આવી રહ્યો છે. કંપનીએ આ માટે ક્યા માપદંડોને આધારે કન્ટેન્ટ ક્રિએટર્સને ઇન્વાઇટ કર્યા છે તેની કોઈ ચોખવટ કરી નથી. તેમ લોંગ ફોર્મેટ વીડિયો ક્રિએટ કરનારા ક્રિએટર્સને કંપની કોઈ પેમેન્ટ કરશે કે કેમ તેની પણ કોઈ સ્પષ્ટતા નથી.
ઇન્સ્ટાગ્રામ પર ‘ફીચર્સ’ રૂપે લાંબા વીડિયો દેખાવા લાગશે તો તેમાં યુટ્યૂબની જેમ પોડકાસ્ટ, ઇન્ટરવ્યૂ, કોમેડી સ્પેશિયલ તથા વ્લોગ્સ જોવા મળે તેવી શક્યતા છે.
યુટ્યૂબ પર અત્યારે કલાકો સુધી ચાલે તેવા લાંબા લાંબા વીડિયો પણ જોઈ શકાય છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ ‘ફીચર્સ’માં વધુમાં વધુ ૯૦ મિનિટની લંબાઈ મળે તેવી શક્યતા છે. આવા લાંબા વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર પ્રમોટ કરવા માટે ‘લિંક્ડ રીલ્સ’નું ફીચર પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એ કારણે કોઈ કન્ટેન્ટ ક્રિએટર ઇન્સ્ટાગ્રામ પર કલાક-દોઢ કલાકનો વીડિયો શેર કરે તો તેના પ્રમોશન માટે માંડ ત્રીસેક સેકન્ડની રીલ બનાવીને તેને પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકશે. આવી રીલ પર ક્લિક કરવાથી સીધો ઇન્સ્ટાગ્રામમાં જ પેલો ફૂલ વીડિયો ઓપન થશે. મતલબ કે રીલ મૂવીનું ટ્રેલર બનશે અને ફીચર વીડિયોને આખેઆખી મૂવી કહી શકાય.
અત્યારે લોકો યુટ્યૂબ પર લાંબા વીડિયો શેર કરીને તેના પ્રમોશન માટે હાઇલાઇટિંગ રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. આવી રીલ્સ સાથે ‘ફૂલ એપિસોડ ઓન યુટ્યૂબ, લિંક ઇન બાયો’ જેવું કંઈક જોવા મળતું હોય છે. ઇન્સ્ટાગ્રામ ઇચ્છે છે કે આ રીતે યુટ્યૂબના વીડિયો પ્રમોટ કરવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ થાય તેમના બદલે બધું જ ઇન્સ્ટાગ્રામમાં જ કરી અને જોઈ શકાય.
આ સાથે ઇન્સ્ટાગ્રામમાં ‘સીરિઝ’ શરૂ થાય એવી પણ શક્યતા છે. તેની મદદથી કન્ટેન્ટ ક્રિએટર પોતાના પ્રોફાઇલ પર એકમેક સાથે કનેક્ટેડ રીલ્સ ક્રિએટ કરી શકશે. આવી ‘સીરિઝ’ને એક ડેડિકેટેડ હોમ મળશે. અત્યારે યુએસ, ભારત અને મેક્સિકોમાં કેટલાક પસંદગીના ક્રિએટર્સને આ સગવડ મળવા લાગી છે. અને હા, આ બધું ઇન્સ્ટાગ્રામની ટીવી એપ સાથે કનેક્ટેડ રહેશે. કંપનીએ ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામની ટીવી એપ લોન્ચ કરી હતી. એ કારણે ટીવીના હોરિઝોન્ટલ સ્ક્રીનને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટાગ્રામમાં લાંબા અને હોરિઝોન્ટલ વીડિયો ઓફર કરવામાં આવશે. અત્યારે લોકોના ટીવી મારફત યુટ્યૂબે ડ્રોઇંગ રૂમ્સમાં જબરો કબજો જમાવી દીધો છે, પરંતુ તેને ઇન્સ્ટા જબરી ટક્કર આપશે એ નક્કી છે.