કરોડો વર્ષો બાદ પૃથ્વીને મળવા આવ્યો 'મહેમાન'! ભારતના આકાશમાં દેખાશે અજાયબી, પછી ક્યારેય પાછો નહીં ફરે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Interstellar Comet: સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળની બહારથી પૃથ્વી નજીક આવી રહેલા ઇન્ટરસ્ટેલર કોમેટની ચર્ચા બાદ હવે એક નવો મહેમાન આવી રહ્યો છે. ધૂમકેતુ C/2024 E1 જેને Wierzchos તરીકે ઓળખવામાં આવે છે એ હવે સૂર્યમંડળના કિનારેથી પૃથ્વીના આકાશમાંથી પસાર થઈ રહ્યો છે. 2024ના માર્ચમાં પોલેન્ડના ખગોળશાસ્ત્રી કાસ્પર વિયરઝખોસે માઉન્ટ લેમનના રૂટીન સર્વે દરમિયાન આ ધૂમકેતુ શોધ્યો હતો. તે સમયે તે ડ્રાકો તારામંડળમાં 20-મેગ્નિટ્યુડનો ધૂંધળો પદાર્થ હતો. સૂર્યમંડળના દૂરથી આવેલા આ પ્રાચીન ધૂમકેતુને પહેલી વાર એ સમયે મનુષ્ય દ્વારા શોધવામાં આવ્યો હતો.
ઓર્ટ ક્લાઉડમાંથી આવેલો આ હાયપરબોલિક ધૂમકેતુ કરોડો વર્ષોની યાત્રા બાદ 2026ની 20 જાન્યુઆરીએ સૂર્યથી સૌથી નજીક 0.566 AU (Astronomical Unit) એટલે કે લગભગ 85 મિલિયન કિમી દૂર પરિહેલિયન પર પહોંચ્યો હતો. ત્યારબાદ તે હવે હંમેશાં માટે ઇન્ટરસ્ટેલર સ્પેસમાં જઈ રહ્યો છે.
ધૂમકેતુ ક્યાંથી આવ્યો?
વૈજ્ઞાનિકોએ તેની કક્ષાનો અભ્યાસ કરીને નિશ્ચિત કર્યું છે કે આ ધૂમકેતુ એક જ દિશામાં ગતિ કરી રહ્યો છે અને તે હવે હંમેશાં માટે સોલર સિસ્ટમની બહાર જઈ રહ્યો છે અને ફરી ક્યારેય પરત નહીં આવે. ફેબ્રુઆરી 2024માં લેવામાં આવેલા તેના ફોટો અને તેની ઓરબિટની સ્ટડી કર્યા બાદ આ નિરીક્ષણને પુષ્ટિ મળી છે.
આ ધૂમકેતુ ઓર્ટ ક્લાઉડમાંથી આવ્યો હોવાની શક્યતા વધુ છે. આ ઓર્ટ ક્લાઉડ પ્લૂટોથી પણ દૂર બરફીલા પદાર્થોથી ભરેલો વિસ્તાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની ઓરબિટ પરથી જાણવા મળે છે કે મનુષ્ય માટે તેને જોવાનો આ છેલ્લો મોકો હોઈ શકે છે. 2026ની 1 જાન્યુઆરીએ આ ધૂમકેતુ શુક્ર ગ્રહની નજીકથી 0.191 AUના અંતરે પસાર થયો હતો. 17 ફેબ્રુઆરીએ તે પૃથ્વીની ઓરબિટની નજીકથી એટલે કે લગભગ 1 AUએ પસાર થશે. દક્ષિણ ગોળાર્ધમાં આવેલા સ્કાયવોચર્સને તેને જોવા માટે આ શ્રેષ્ઠ તક મળશે. ખાસ કરીને તે સેગેટેરિયસ તારામંડળની દિશામાં દેખાશે ત્યારે જોઈ શકાશે.
ધૂમકેતુ શેનો બનેલો છે?
વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે આ ધૂમકેતુની એક્ટિવિટી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ ગેસથી થઈ છે, જ્યારે સામાન્ય રીતે ધૂમકેતુઓમાં કાર્બન મોનોક્સાઇડ જોવા મળે છે. આ કોમેટની શરૂઆતના વર્ષોમાં કાર્બન મોનોક્સાઇડનો નાશ થઈ ગયો હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે. 2025ની શરૂઆતમાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આ ધૂમકેતુને સૂર્યથી દૂર જોયો હતો ત્યારે પણ એમાં કાર્બન મોનોક્સાઇડ જોવા નહોતો મળ્યો. આ ધૂમકેતુનું ઘન કેન્દ્ર (Nucleus)નો વ્યાસ અંદાજે 2 થી 10 કિમી હોવાનો અંદાજ છે. અગાઉ એ 13.7 કિમી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. સૂર્યની નજીક આવતા તેમાંથી ગેસ અને ધૂળનું વાદળ જોવા મળ્યું હતું જેને કોમા તરીકે ઓળખવામાં આવે છે. એ લગભગ 3 આક્રમિનિટ જેટલું પહોળું હતું. તેની પૂંછડી આકાશમાં 1 ડિગ્રી જેટલી લંબાઈએ ફેલાઈ હતી. તેની બ્રાઇટનેસ 6.5 થી 7 મેગ્નિટ્યુડ સુધી પહોંચી હતી એટલે કે તે બાઇનોક્યુલર અથવા નાનું ટેલિસ્કોપ વડે જોઈ શકાતો હતો. પહેલાના અંદાજ કરતાં તેનો પ્રકાશ ઓછો છે, પરંતુ 93 મિલિયન માઇલ્સ દૂર હોવા છતાં તે આટલો પ્રકાશિત હોવું એ વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.
કેવી રીતે જોવો?
ફેબ્રુઆરી 2026ની શરૂઆતથી આ ધૂમકેતુ સાંજના આકાશમાં મેગ્નિટ્યુડ +7 તરફ જોવા મળી રહ્યો છે. તે સૂર્યથી નજીકથી પસાર થયા બાદ તે હવે લગભગ તેનાથી 22 ડિગ્રી દૂર દેખાય છે. દક્ષિણ ગોળાર્ધમાં રહેતાં અને ભારતના પણ દક્ષિણ ભાગમાં રહેનાર વ્યક્તિ સૂર્યાસ્ત પછી દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આકાશમાં તેને જોઈ શકે છે. અંધકારમય આકાશમાં તે લીલા રંગનું માથું અને આછા વાદળી રંગની પૂંછડી સાથે જોવા મળી રહ્યો છે. આ ધૂમકેતુ સૂર્યમંડળ છોડીને જઈ રહ્યો છે અને હવે ક્યારેય પરત નહીં આવે. આથી સ્કાયવોચર્સ અને નાઇટ સ્કાયના પ્રેમીઓ માટે આ એક દુર્લભ અને થોડા સમય માટે જ મળી રહેલી તક છે.









