વૈજ્ઞાનિકોએ પહેલી વાર લેબમાં કોસ્મિક ડસ્ટ બનાવ્યું : જીવનની ઉત્પત્તિ સમજવા માટે નવી દિશા મળશે…
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lab Cosmic Dust: સિડની યુનિવર્સિટીની પીએચડી વિદ્યાર્થી લિન્ડા લોસુર્ડોએ લેબોરેટરીમાં સફળતાપૂર્વક પાર પાડેલા એક્સપેરિમેન્ટમાં કોસ્મિક ડસ્ટ (અંતરિક્ષની ધૂળ) બનાવી છે. સામાન્ય ગેસ અને વીજળીનો ઉપયોગ કરીને તેણે તારાઓ અને સુપરનોવા નજીક જોવા મળતી પરિસ્થિતિઓ ઊભી કરી હતી અને થોડા પ્રમાણમાં કોસ્મિક ડસ્ટ ઉત્પન્ન કર્યું હતું. આ એક્સપેરિમેન્ટ પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ વિશે નવી સમજ આપી શકે છે.
કોસ્મિક ડસ્ટ શું છે અને કેમ મહત્ત્વની છે?
કોસ્મિક ડસ્ટ બ્રહ્માંડનો અગત્યનો ભાગ છે. તારાઓની રચનામાં તે યોગદાન આપે છે અને જરૂરી ઓર્ગેનિક મોલેક્યુલ્સને પ્રોત્સાહિત કરે છે. તારાઓ વચ્ચેના વિશાળ અંતરિક્ષ જેને ઇન્ટરસ્ટેલર સ્પેસ કહેવામાં આવે છે ત્યાં એ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે જ કોમેટ્સ અને એસ્ટરોઇડમાં પણ એ જોવા મળે છે. પૃથ્વી પર તેનો અભ્યાસ કરવો મુશ્કેલ છે, કારણ કે અંતરિક્ષમાંથી આવતા મોટા ભાગના કણો અને પથ્થરો આપણા વાતાવરણમાં જ બળી જાય છે. થોડા જ મીટિયોરાઇટ્સ રૂપે બચી જાય છે જેને શોધવા અને એકત્રિત કરવા મુશ્કેલ હોય છે.
જીવનની શરૂઆત સમજવામાં કેવી રીતે મદદરૂપ થશે?
લિન્ડા લોસુર્ડો દ્વારા બનાવવામાં આવેલ લેબ-મેડ કોસ્મિક ડસ્ટ વૈજ્ઞાનિકો માટે મૂલ્યવાન બની શકે છે. જીવન કેવી રીતે શરૂ થયું એ સમજવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. આ વિશે લિન્ડા કહે છે, ‘આપણે જ્યારે જીવનની ઉત્પત્તિ જેવા મોટા પ્રશ્નો પર નજર કરીએ છીએ ત્યારે એ જાણવું જરૂરી છે કે એ શરૂઆત માટેના મૂળ ઘટકો ક્યાંથી શરૂ થયા હતા.’ આ એક્સપેરિમેન્ટ એ પ્રશ્નનો જવાબ આપી શકે છે કે એમિનો એસિડ્સ પૃથ્વી પર બન્યા કે અંતરિક્ષમાંથી આવ્યા.
કોસ્મિક ડસ્ટ કેવી રીતે બનાવ્યું?
કોસ્મિક ડસ્ટ બનાવવા માટે લિન્ડા લોસુર્ડો અને તેમના સાથી તથા સિડની યુનિવર્સિટીના મટિરિયલ્સ ફિઝિક્સના પ્રોફેસર ડેવિડ મેકેન્ઝીએ નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને એસિટિલિનનો ઉપયોગ કર્યો. તેમણે કાચની ટ્યુબમાંથી હવા બહાર કાઢી અને આ ગેસો દાખલ કર્યા. ત્યાર બાદ એક કલાક માટે 10,000 વોલ્ટ વીજળી આપી હતી. આ પ્રક્રિયાથી ‘ગ્લો ડિસ્ચાર્જ’ નામનું પ્લાઝ્મા બન્યું, જેના પરિણામે થોડા મિલિગ્રામ ડસ્ટના નાનોપાર્ટિકલ્સ ઉત્પન્ન થયા હતા.
ડસ્ટને કેવી રીતે એનલાઇઝ કરવામાં આવ્યું?
લેબમાં બનાવાયેલ કોસ્મિક ડસ્ટને સિલિકોન વેફર પર એનલાઇઝ માટે મૂકવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાનો હેતુ અંતરિક્ષ જેવી પરિસ્થિતિઓને શક્ય તેટલી નજીકથી પુનઃસર્જિત કરવાનો હતો. આ રીતે બનાવાયેલ કૃત્રિમ ડસ્ટ એ નિર્માણ બાદ જોવા મળેલા મૂલ્યવાન કોસ્મિક ડસ્ટ જેવું જ છે. એકવાર તે ઓર્ગેનિક મોલેક્યુલ્સ માટે કૅટાલિસ્ટ બને અથવા ધૂમકેતુઓ અને મીટિયોરાઇટ્સ સાથે મળ્યા બાદ પૃથ્વી પર પહોંચે ત્યાં સુધીમાં તે અનેક રસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે.
એક્સપેરિમેન્ટનું ભવિષ્ય અને તેની અસર
આ એક્સપેરિમેન્ટનું આગામી પગલું એ છે કે કોસ્મિક ડસ્ટ બનાવવાની પરિસ્થિતિઓ બદલીને વિવિધ પ્રકારોનો ડેટાબેઝ તૈયાર કરી શકાય. લિન્ડા લોસુર્ડોને આશા છે કે એક દિવસ તેમનો ડસ્ટ વાસ્તવિક કોસ્મિક ડસ્ટની નજીક આવશે અને ચોક્કસ વસ્તુઓ જેમ કે મીટિયોરાઇટ્સ સાથે મેળ ખાશે. આ અભ્યાસ ટેલિસ્કોપિક ઓબઝર્વેશન અને લેબોરેટરી એનલાઇઝ વચ્ચે એક મહત્ત્વનો પુલ બની રહેશે. અંતરિક્ષમાં ઓર્ગેનિક પદાર્થનો કેવી રીતે વિકાસ થાય છે તે અંગેના અત્યારના મોડલ દ્વારા વધુ તપાસ કરવા માટે આ કોસ્મિક ડસ્ટ એક શરૂઆત છે.









