Who is Aman Gottumukkala?: ઇલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI દ્વારા ભારતીય મૂળના સોફ્ટવેર એન્જિનિયર અને આંતરપ્રિન્યોર અમન ગોટ્ટુમુક્કલાને મોટી જવાબદારી સોંપાઈ છે. ટેક્સાસ સ્થિત અમન ગોટ્ટુમુક્કલા Firebender નામના સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડર તરીકે જાણીતા છે. આ જ કંપનીએ એન્ડ્રોઇડ ડેવલપર્સ માટે AI આધારિત કોડિંગ અસિસ્ટન્ટ બનાવ્યું હતું. X પર પોસ્ટ કરીને અમન ગોટ્ટુમુક્કલાએ જણાવ્યું છે કે, હવે અમે xAI અને SpaceX સાથે સંકળાયેલી ટીમો સાથે મળીને કોડિંગ કરી શકે તેવા AI ટૂલ્સ વિકસાવીશું, જેનાથી પ્રોગ્રામિંગનું કામ સરળ બનશે અને ડેવલપર્સને ઝડપથી એપ્લિકેશન બનાવવામાં મદદ મળશે.
Firebenderના કો-ફાઉન્ડર
Firebender લોન્ચ કર્યા બાદ અમન ગોટ્ટુમુક્કલાને ડેવલપરની ઇન્ડસ્ટ્રીમાં વિશેષ ઓળખ મળી હતી. આ પ્લેટફોર્મ ખાસ કરીને એન્ડ્રોઇડ ડેવલપર્સ માટે તૈયાર કરાયેલ AI કોડિંગ અસિસ્ટન્ટ છે. Firebender પ્રોગ્રામર્સને કોડ જનરેટ કરવામાં, ડેવલપમેન્ટ ટાસ્ક ઓટોમેટ કરવામાં અને Android Studio તેમજ JetBrains IDEs જેવી ટૂલ્સમાં વર્કફ્લો મેનેજ કરવામાં મદદ કરે છે. આ પ્લેટફોર્મ સાથે સીધી ઇન્ટિગ્રેશન દ્વારા ડેવલપર્સ વધુ અસરકારક રીતે કોડ લખી અને ગોઠવી શકે છે. એક રિપોર્ટ મુજબ માત્ર ત્રણ વ્યક્તિની ટીમ હોવા છતાં આ સ્ટાર્ટઅપે લાખો ડોલરનું રેવેન્યુ જનરેટ કર્યું હતું. આ કારણસર કંપનીએ ડેવલપર ઇકોસિસ્ટમમાં વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.
શિક્ષણ અને કારકિર્દીની શરૂઆત
અમન ગોટ્ટુમુક્કલાએ 2017થી 2021 દરમિયાન Texas A&M Universityમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી હતી. યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા પહેલાં તેણે Texas Academy of Mathematics and Scienceમાં અભ્યાસ કર્યો હતો, જે ઉચ્ચ સ્તરની STEM શિક્ષણ માટે જાણીતું છે. Firebender શરૂ કરતા પહેલાં તેણે Paradigm કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું, જ્યાં તે ટેકનોલોજી અને ક્રિપ્ટો સંબંધિત પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલો હતો. તે KP Fellow પણ છે, જે સિલિકોન વેલીમાં એન્જિનિયર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને વેન્ચર કેપિટલ ફર્મ્સ અને માર્ગદર્શકો સાથે જોડતું એક પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે.
xAIમાં ભૂમિકા
xAIમાં અમન ગોટ્ટુમુક્કલા સોફ્ટવેર ડેવલપમેન્ટને ઓટોમેટ કરવા માટેના AI સિસ્ટમ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે એવી શક્યતા છે. તેની કમેન્ટ પરથી લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં AI મોડેલ્સની ક્ષમતાઓ ઝડપી ગતિએ વધી રહી છે. તેણે એડવાન્સ્ડ કોડિંગ AIના વિકાસને એક મોટો ટેક્નોલોજિકલ પડકાર ગણાવ્યો છે, જેના માટે વિશાળ કમ્પ્યુટિંગ સંસાધનો અને એક્સપર્ટ એન્જિનિયરિંગ ટેલેન્ટની જરૂર છે. xAI સાથે જોડાતા તે હવે એવી ટીમનો ભાગ બન્યો છે, જે નવી પેઢીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સના સંશોધન અને વિકાસ પર કામ કરી રહી છે.


