'મેં મારી પત્ની સાથે દગો કર્યો', Nvidia CEO જેન્સન હુઆંગનો ચાઈનીઝ જાસૂસ સાથે અફેરનો સ્વીકાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jensen Huang Apologizes For Affair With Alleged Spy: વિશ્વની સૌથી મૂલ્યવાન સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ નિર્માતા કંપની Nvidiaના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેન્સન હુઆંગે પોતાના કર્મચારીઓને મોકલેલા એક આંતરિક ઇમેઇલમાં સ્વીકાર્યું છે કે તેમના સંબંધો અમેરિકા દ્વારા શંકાસ્પદ માનવામાં આવતી કથિત ચીની જાસૂસ મહિલા સાથે હતા. આ ઘટસ્ફોટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિદેશી ગુપ્તચર એજન્સી દ્વારા જેન્સન હુઆંગને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક સ્વતંત્ર આંતરિક તપાસ શરૂ કરી છે.
ગત 29 ઓક્ટોબરના રોજ અમેરિકાના એક જાણીતા અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેન્સન હુઆંગ ચીનની એક ગુપ્ત જાસૂસી જાળનો શિકાર બન્યા હતા. આ કાવતરું બિઝનેસવુમન એલિસ હુઆંગ (ઉર્ફે હુઆંગ લે) દ્વારા રચવામાં આવ્યું હતું, જેણે હુઆંગ સાથે ગાઢ નિકટતા કેળવીને એડવાન્સ્ડ AI ચિપ્સ અને સંવેદનશીલ માહિતી બેઇજિંગ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. એલિસ હુઆંગ ચીની નાગરિક છે અને સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'ની ટોચની એક્ઝિક્યુટિવ રહી ચૂકી છે. અમેરિકી જાસૂસી સંસ્થાઓએ તેને ચીન માટે કામ કરતી ગુપ્તચર એસેટ તરીકે ઓળખાવી છે.
કર્મચારીઓને મોકલેલા પત્રમાં હુઆંગે માંગી માફી: "મારી પાસે કોઈ બહાનું નથી"
હાલમાં સામે આવેલા આ પત્રમાં જેન્સન હુઆંગે પોતાના પરિવાર, બોર્ડ અને કર્મચારીઓની માફી માંગતાં લખ્યું હતું:
"મારે મારા પરિવાર અને આપ સૌની માફી માંગવી છે.
હું મારી પત્ની પ્રત્યે અપ્રમાણિક રહ્યો હતો. મારા આ પગલાંથી મારી પત્ની અને અમારા બાળકોને ઊંડો આઘાત પહોંચ્યો છે. મેં જે કંઈ પણ કર્યું તેનો મારી પાસે કોઈ બચાવ નથી. હું અંતઃકરણપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. સમગ્ર જીવન દરમિયાન મારા પરિવારે મને પ્રેમ અને ટેકો આપ્યો છે. તેઓ મારી પ્રામાણિકતા અને વફાદારીના હકદાર હતા. તેના બદલે મેં તેમને નીચા જોણું કરાવ્યું અને અમે સાથે મળીને બનાવેલા જીવનને નુકસાન પહોંચાડ્યું. મેં જે કર્યું અને જે વેદના આપી છે તેની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું, અને તેની સાથે આવતી તમામ ટીકાઓનો હું સ્વીકાર કરું છું.
મારી પત્ની અને પરિવારને: હું તમને પ્રેમ કરું છું. હું જાણું છું કે માત્ર એક માફીથી થયેલું નુકસાન સુધરી શકતું નથી. મને આશા છે કે સમય જતાં આપણો પરિવાર આ ઘામાંથી બહાર આવશે અને હું ફરી તમારો વિશ્વાસ જીતી શકીશ.
Nvidiaના મારા સાથીઓ, દાયકાઓથી મારી સાથે કામ કરી રહેલા સહકર્મીઓ, બોર્ડ અને વિશ્વભરના શેરધારકો: તમે મારા તરફથી આના કરતાં ઘણા સારા આચરણના હકદાર છો. Nvidiaનું નેતૃત્વ કરવું એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. મારી જવાબદારી તમારી સેવા કરવાની અને તમારા વિશ્વાસને લાયક રહેવાની હતી, જેમાં હું નિષ્ફળ રહ્યો છું. હું Nvidia પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છું અને તમારો ખોવાયેલો ભરોસો ફરી મેળવવા સખત પ્રયત્ન કરીશ.
સમાચાર અહેવાલોમાં ઉઠાવવામાં આવેલી રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ અંગે, Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. હું આ તપાસને સંપૂર્ણ સમર્થન આપું છું અને પૂર્ણ સહયોગ કરીશ. હું આપણા દેશ અને આપણી કંપનીને પ્રેમ કરું છું, અને Nvidiaની સુરક્ષા કરવા તેમજ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છું. મને એક અમેરિકન હોવાનો ગર્વ છે.
મારા નિર્ણયો માટે મારા પરિવારની કોઈ જવાબદારી નથી, તેની એકમાત્ર જવાબદારી મારી છે. કૃપા કરીને તેમની અંગતતાનું સન્માન કરશો."
Nvidiaના બોર્ડે શરૂ કરી સ્વતંત્ર તપાસ
રવિવારે Nvidiaના બોર્ડે સત્તાવાર નિવેદન બહાર પાડીને તપાસ સમિતિની જાહેરાત કરી છે:
- સ્વતંત્ર ડિરેક્ટર્સની બનેલી એક કમિટી બહારના કાનૂની સલાહકારોની મદદથી સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરશે.
- બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કંપની અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, જે કંપની અને તેના હિસ્સેદારો માટે સર્વોપરી છે.
- પ્રાથમિક સ્તરે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના વ્યાપારિક ગોપનીય રહસ્યો જોખમાયા હોવાનું માનવા માટે હાલ કોઈ પુરાવા નથી, તેમ છતાં બોર્ડ તમામ ઉપલબ્ધ ડેટાની કડક તપાસ કરશે.
- બોર્ડે જેન્સન હુઆંગ અને તેમની લીડરશીપ ટીમ પ્રત્યે પોતાનો વિશ્વાસ પુનરોચ્ચાર કર્યો છે.
- અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને જ્યારે આ અહેવાલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેને કંપનીનો "આંતરિક કોર્પોરેટ મામલો" ગણાવી સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
મેગાસ્પીડ કંપની સાથેના વ્યવહારો સામાન્ય હોવાનો દાવો
શંકાસ્પદ ચીની જાસૂસ એલિસ હુઆંગ સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડની ટોચની એક્ઝિક્યુટિવ હતી. અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે બાઇડન પ્રશાસનના અંતિમ દિવસોમાં મેગાસ્પીડ સામે તપાસ શરૂ કરી હતી, કારણ કે તેના પર પ્રતિબંધોને બાયપાસ કરીને ચીન સુધી Nvidia AI ચિપ્સ પહોંચાડવાની શંકા હતી. જ્યારે આ મામલો પહેલીવાર સામે આવ્યો ત્યારે જેન્સન હુઆંગે દાવો કર્યો હતો કે કંપનીના મેગાસ્પીડ સાથેના તમામ વ્યાપારિક વ્યવહારો નિયમ મુજબના હતા. હુઆંગે જણાવ્યું હતું કે, "અમે તમામ GPU ડિપ્લોયમેન્ટ્સની ચકાસણી કરી છે અને એક-એક ચિપની ગણતરી રાખી છે. આ વ્યવહારો અન્ય ચીની ગ્રાહકો સાથે થતી સામાન્ય વ્યાપારિક વાતચીત જેવા જ હતા.”
હુઆંગે એમ પણ ઉમેર્યું હતું કે એલિસ હુઆંગ હવે મેગાસ્પીડ સાથે સંકળાયેલી નથી અને અમેરિકી સરકારે તેમને એલિસ વિશે અગાઉ કોઈ સત્તાવાર ચેતવણી આપી નહોતી.




