કલા-સ્થાપત્યની નગરી વડોદરાની યશકલગીમાં પીછું ઉમેરાયું..સાપનું રેસ્કયૂ કરવા જતાં 18મી સદીનું શિવમંદિર મળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કલા અને સ્થાપત્ય નગરી વડોદરામાં મરાઠા અને મોગલ સમયના અનેક સ્થાપત્ય નગરીના ગૌરવપૂર્ણ ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે.વડોદરાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં નવલખી કમ્પાઉન્ડની ઝાડીઓ વચ્ચે ૧૮ મી સદીનું અદ્ભૂત શિવમંદિર જોવા મળ્યું છે.
વિશ્વામિત્રી નદીને અડીને આવેલું વિશાળ નવલખી કમ્પાઉન્ડ ઝાડીઓ અને ઝાંખરાથી છવાયેલું છે અને વારંવાર મગર તેમજ જળચર જીવો આવી જવાના બનાવ બનતા હોય છે.થોડા સમય પહેલાં આવી જ રીતે એક સાપનું રેસ્ક્યૂ કરવા માટે સંજય ભાઇ સોની અને બીજા જીવદયા કાર્યકરો ગયા હતા.
આ વખતે ઝાડીઓમાં પ્રવેશતાં એક પૌરાણિક સ્ટ્રક્ચર જોવા મળ્યું હતું.જેથી યુવકોએ ઝાડીઓ ખસેડીને તપાસ કરતાં પૌરાણિક શિવમંદિર હોવાનું જણાઇ આવ્યું હતું.શિવમંદિરની ઉપરનો ઘુમટ તડબૂચ આકારનો અને ખાંચાવાળો હતો અને અંદરની દીવાલોમાં ખાંચા(ગોખલા)વળાંકવાળી કોતરેલી કમાનવાળા હતા.
પ્રથમ દ્ષ્ટિએ શિવમંદિર હોય તેમ સ્પષ્ટ દેખાઇ આવતું હતું પરંતુ શિવલિંગ અને પ્રાચીન મૂતિઓ કોઇ ઉઠાવી ગયું હોવાનું જણાઇ આવ્યું હતું.યુવકોએ આ મંદિરની થોડીઘણી સફાઇ કરી હતી અને સંજયભાઇએ પુરાતત્વ વિભાગના એક પરિચિત મિત્રનો સંપર્ક કરી તેનો અભિપ્રાય લીધો હતો.
પ્રાથમિક અભિપ્રાય મુજબ,મંદિરની બાંધણી જોતાં ૧૭ મી કે ૧૮મી સદીનું હોય તેમ જણાય છે.મંદિરનો ગુંબજ સ્થાપત્યની ભાષામાં આમલક કે ફ્લુટેડ કહેવાય છે,જે મરાઠા શૈલીની ઓળખ છે.આ ગુંબજ પર રાજસ્થાની અને મોગલ ડિઝાઇનની છાપ પણ જોવા મળે છે.જ્યારે દિવાલો અને તેના ગોખલાની કમાનવાળી કોતરણી ૧૮મી સદીમાં પ્રચલિત હોવાનું જણાઇ આવ્યું છે.
મંદિરની લાખોરી ઇંટો(પાતળી અને લાલ) થી મરાઠા અને મુગલ શાસનમાં કિલ્લા અને ગર્ભગૃહ બનતા હતા.૧૯મી સદીના મધ્યભાગ પછી તેનો વપરાશ બંધ થઇ ગયો હતો.જ્યારે ચૂનાના ગારાનું પ્લાસ્ટર ઉખડેલું જોવા મળ્યું છે.મંદિરનો હેતુ મોટી ભીડ ભેગી કરવા નહિ પણ ઘાટ પર નાહવા જતા ભક્તો અને સાધુ-સંતો માટે પુણ્ય કમાવવા માટેનો હોય તેમ જણાય છે.યુવકોએ કહ્યું છે કે નવા મંદિરો બને છે ત્યારે ઐતિહાસિક ધરોહર સમાન આવા મંદિરોનું જતન કરવું જરૃરી છે અને અમે તે દિશામાં કામ કરવાના છીએ.




