તમે પીસી કે લેપટોપમાં ક્યારેય 'કેરેટ બ્રાઉઝિંગ' ટ્રાય કર્યું છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપણે કોઈ પણ કમ્પ્યૂટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને તેમાં સર્ફિંગ કરતા હોઇએ તો આપણને લગભગ એક જ રીતે પેજ પર નેવિગેશન કરવાની આદત હોય છે - માઉસની મદદથી. વેબપેજ પર કોઈ પણ જગ્યાએ પહોંચીને ક્લિક કરવું હોય કે કોઈ ટેકસ્ટ કોપી કરવી હોય તો આપણે માઉસની મદદથી વેબપેજ પર કર્સરને આમતેમ દોડાવીએ.
પરંતુ આ પ્રકારે વર્ષો જૂની આદતથી વેબસર્ફિંગની ટેવ હોય તો પણ બે પ્રકારના લોકોને તે માફક આવતી નથી.
એક, જેમને કોઈક શારીરિક તકલીફ છે અને હાથેથી માઉસ ફેરવવામાંં જેમને મુશ્કેલી પડે છે. લેપટોપ હોય તો તેના ટ્રેક પેડ પર એકદમ ચોકસાઈભરી રીતે આંગળી ફેરવવામાં પણ આવા લોકોને મુશ્કેલી થઈ શકે.
બીજા પ્રકારના લોકો એવા હોય જેમને આવી કોઈ મુશ્કેલી ન હોય, પરંતુ માઉસ કે ટ્રેક પેડની મદદથી નેવિગેશન કરવું તેમને ગમતું ન હોય. ધ્યાન આપજો - ફાવતું ન હોય એવી વાત નથી, પણ ગમતું ન હોય. કારણ એટલું જ કે માઉસ કે ટ્રેક પેડની મદદથી થતું નેવિગેશન પ્રમાણમાં ધીમું હોય છે.
આપણને વર્ષોથી આ જ રીતે માઉસનો ઉપયોગ કરવાની ટેવ હોવાથી એનાથી ઝડપી કે સગવડભર્યું કંઈ હોઇ શકે એની આપણને કલ્પના આવતી નથી. ખાસ કરીને લેપટોપમાં માઉસ ન હોય ત્યારે સર્ચ પેડ કે ટ્રેક પેડ પર આંગળી ફેરવીને વેબપેજમાં નેવિગેશન કરવું થોડું કડાકૂટભર્યું બની શકે છે (અલબત્ત આપણે ‘ટેકનોવર્લ્ડ’માં અગાઉ વાત કરી છે તેમ હવે લેપટોપનાં ટચ પેડ સ્માર્ટ થઈ ગયાં છે અને એક, બે, ત્રણ કે ચાર આંગળીની મદદથી ટચ પેડ પર આપણે લેપટોપ પાસે સ્માર્ટ વર્ક કરાવી શકીએ છીએ). તેમ છતાં, ‘આદત સે મજબૂત’ લોકો લેપટોપ જ્યાં લઈ જાય ત્યાં માઉસ પણ ભેગું ફેરવતા હોય છે!
માઉસ વિના ટચ પેડ પર આંગળી ફેરવીને વેબપેજ પર નેવિગેશન કરવું તમને ફાવતું ન હોય તો તમને ‘કેરેટ બ્રાઉઝિંગ’ ઉપયોગી થઈ શકે. તમે ’કેરેટ બ્રાઉઝિંગ’ ટર્મ કદાચ ક્યારેય સાંભળી ન હોય પરંતુ ક્યારેક તેનો સામનો કર્યો હોય તેવું બની શકે. ખાસ કરીને બ્રાઉઝિંગમાં વેબ પેજિસ ફંફોસતી વખતે ભૂલથી તમે એફ૭ કી પ્રેસ કરી દો તો બ્રાઉઝરમાં ‘કેરેટ બ્રાઉઝિંગ’ ઓન થાય છે. આવે સમયે સ્ક્રીન પર આપણને એક નાની સૂચના જોવા મળે છે. જેમાં પૂછ્યું હોય છે કે ‘તમે કેરેટ બ્રાઉઝિંગ ઓન કરવા માગો છો? સાથે લખ્યું હોય છે કે આ પ્રકારના બ્રાઉઝિંગમાં આપણે પેજિસને ‘ટેકસ્ટ કર્સર’ની મદદથી નેવિગેટ કરી શકીશું. આપણે ફરી એફ૭ કી પ્રેસ કરીને ‘કેરેટ બ્રાઉઝિંગ’ બંધ કરી શકીએ છીએ.
એ પણ ધ્યાન આપવા જેવું છે કે એફ૭ કીની મદદથી આપણે ‘કેરેટ બ્રાઉઝિંગ’ ઓન કરીએ તો આપણા રોજિંદા બ્રાઉઝિંગમાં ફેર પડતો નથી. આપણે જૂની રીતે માઉસની મદદથી નેવિગેશન ચાલુ રાખી શકીએ છીએ. પરંતુ ‘કેરેટ બ્રાઉઝિંગ’ એક્ટિવેટ હોય ત્યારે વેબપેજ પર કોઈ જગ્યાએ ઊભી લીટી (|) દેખાવાનું શરૂ થાય છે. આ ઊભી લીટીને આપણે ‘કર્સર’ તરીકે પણ ઓળખીએ છીએ. ‘કેરેટ બ્રાઉઝિંગ’માં તે ‘કેરેટ’ તરીકે ઓળખાય છે.
‘કર્સર’ અને ‘કેરેટ’ બંનેમાં થોડો તફાવત છે. કર્સર એ માઉસથી ઓપરેટ થતું પોઇન્ટર છે. માઉસને આમ તેમ ચલાવીને આપણે સ્ક્રીન પર કર્સરને ગમે ત્યાં લઇ જઇ શકીએ અને તેની મદદથી વિવિધ એકશન લઈ શકીએ. જ્યારે કેરેટ ફક્ત ટેકસ્ટમાં ‘ટેક્સ્ટ કર્સર’ તરીકે કામ કરે છે. આપણે તેને કીબોર્ડની મદદથી ટેકસ્ટમાં ગમે ત્યાં લઇ જઈ શકીએ છીએ.
ફરી કેરેટ બ્રાઉઝિંગની વાત પર આવીએ તો, આપણે બ્રાઉઝરમાં સર્ફિંગ કરતા હોઈએ ત્યારે એફ૭ કીની મદદથી ‘કેરેટ બ્રાઉઝિંગ’ ઓન કરીએ એ પછી વેબપેજ પર ગમે ત્યાં કેરેટ તરીકે ઊભી લીટી ઉમેરાય છે. આપણે કેરેટ બ્રાઉઝિંગ ઓન કર્યું ન હોય ત્યારે વેબપેજ પર, કીબોર્ડમાંની અપ કે ડાઉન એરો કી પ્રેસ કરીએ તો આખું વેબપેજ ઉપર કે નીચે જાય છે. પરંતુ કેરેટ બ્રાઉઝિંગ ઓન કર્યા પછી અપ કે ડાઉન કે રાઇટ લેફ્ટ એરો કી પ્રેસ કરીએ તો વેબપેજ પર ઉમેરાયેલી આડી લીટી એટલે કે કેરેટ ઉપર-નીચે કે ડાબે-જમણે ખસે છે. બાજુના બોક્સમાં કેરેટ બ્રાઉઝિંગ સંબંધિત કેટલીક મહત્ત્વની વાતો જાણી લો, તમારી માઉસની આદત બદલાઈ જશે!









