ગૂગલે ભારતમાં લોન્ચ કર્યું સેફ્ટી ચાર્ટર: જાણો, શું છે?
Google Security Center in India: ગૂગલ દ્વારા ભારતમાં સેફ્ટી ચાર્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. અમેરિકા બાદ, ગૂગલ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. તેથી, સ્કેમ અને ફ્રોડ અટકાવવા માટે ગૂગલ દ્વારા તેમની સેફ્ટીમાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં છેતરપિંડીના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. સરકારી આંકડા મુજબ, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે UPI આધારિત છેતરપિંડીના કેસોમાં 85%નો વધારો થયો છે.
ભારતમાં શરુ થયેલું સિક્યોરિટી એન્જિનિયરિંગ સેન્ટર
ગૂગલ માટે સાયબર સિક્યોરિટી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગૂગલ હવે ભારતમાં સિક્યોરિટી એન્જિનિયરિંગ સેન્ટર શરુ કરશે. અત્યાર સુધી ડબલિન, મ્યુનિક અને મલંગામાં આવા સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને હવે ભારતમાં તેનું ચોથું સેન્ટર હશે.
આ સેન્ટરની મદદથી, ગૂગલ સરકારી એજન્સીઓ, એકેડેમીક સંસ્થાઓ અને નાના બિઝનેસ સાથે મળીને કામ કરશે, જેથી તેઓ સાયબર સિક્યોરિટી પડકારો માટે ઉકેલો શોધી શકે.
ગૂગલની પાર્ટનરશિપ
ગૂગલ હાલમાં "ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર" સાથે ભાગીદારી કરી રહ્યું છે. મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સની ડિજિકવચ યોજનાની સાથે, સાયબર ક્રાઇમ સામે જાગૃતિ લાવવા માટે સરકાર અને ગૂગલ સાથે મળીને કામ કરશે.
2023માં "ડિજિકવચ" લોન્ચ થયું હતું, જે ઓનલાઇન ફ્રોડ અટકાવવા અને ખાસ કરીને લોન-આપતી નાણાકીય ઍપ્લિકેશન પર નજર રાખવા માટે રચાયેલ છે.
AIનો મહત્ત્વનો વપરાશ
ગૂગલ દ્વારા AIનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દુનિયાભરમાં લાખો જાહેરાતો અને જાહેરાત-એકાઉન્ટ ડિલીટ કરાયા છે.
ભારતમાં ફ્રોડ અટકાવવા માટે, AIનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ મેસેજિંગ સેવામાં પણ હવે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દર મહિને 500 લાખથી વધુ મેસેજ સુરક્ષિત થાય.
આ પણ વાંચો: ચેટજીપીટીના ફીચરનો ઉપયોગ કરો વોટ્સએપમાં, આ રીતે કરી શકશો ઇમેજ જનરેટ...
ગૂગલ પેમાં પ્રોટેક્શન
ગૂગલ પે, UPI આધારિત સૌથી લોકપ્રિય ઍપ્લિકેશન પૈકી એક છે. ગૂગલ પે દ્વારા 41 મિલિયન ટ્રાન્ઝેક્શન માટે ચેતવણી આપવામાં આવી છે, જેથી યુઝર્સ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા વિચાર કરી શકે. છેલ્લા એક વર્ષમાં "ગૂગલ પ્લે પ્રોટેક્ટ" દ્વારા 60 મિલિયન છેતરપિંડીની કોશિશો નિષ્ફળ બનાવવામાં આવી. 13 મિલિયન ડિવાઇસમાંથી, 2,20,000થી વધુ હાઇ-રિસ્ક ઍપ્લિકેશન દૂર કરવામાં આવી.