India

SIRનો નિર્ણય કોનો હતો? રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધને ચૂંટણી પંચને પૂછ્યા 48 સવાલ

By GS Team
16 Nov 20263 mins read
TukuTouch Logo
INDIA ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને ચૂંટણી પંચ (EC) પાસેથી 48 સવાલોના જવાબ માંગ્યા છે. રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) અને મતદાર યાદીમાં ફેરફારો અંગે ECના નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ECને પૂછ્યું છે કે SIR લાગુ કરવાનો નિર્ણય કોનો હતો અને ફોર્મ 6 માં ફેરફાર કોણે કર્યા? આ અરજી દ્વારા ECની આંતરિક કાર્યપ્રણાલી અને નિર્ણય લેવાની સત્તા પર પ્રશ્નાર્થ મુકવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIRનો નિર્ણય કોનો હતો? રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધને ચૂંટણી પંચને પૂછ્યા 48 સવાલ

INDIA Bloc Poses 48 Questions to EC : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને INDIA ગઠબંધનના અન્ય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે. આ અરજી દ્વારા વિપક્ષે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ચૂંટણી પંચની કામગીરી અંગે સોગંદનામા મારફતે 48 સવાલોના જવાબ રજૂ કરવાની માંગ કરી છે. અરજીમાં રાહુલ ગાંધી અને ગઠબંધનના નેતાઓએ પંચને સીધો સવાલ કર્યો છે કે, સમગ્ર દેશમાં SIR લાગુ કરવાનો નિર્ણય કોનો હતો? SIR શરૂ કરવાના પંચના નિર્ણયની ફાઈલ અને તારીખ શું છે? આ ઉપરાંત ફોર્મ 6માં ફેરફાર કરવાનો નિર્ણય કોણે લીધો હતો?

જવાબી સોગંદનામાની મંજૂરી પ્રક્રિયા પર સવાલ

રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાઓએ SIR મુદ્દે ચૂંટણી પંચને પ્રશ્નાવલી મોકલવાની સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. વિપક્ષ એ જાણવા માંગે છે કે, 'મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને બંને ચૂંટણી કમિશનરોએ 26 ઓક્ટોબરના જવાબી સોગંદનામાને ક્યારે અને કેવી રીતે મંજૂરી આપી હતી? શું તે કમિશનરોએ કોઈ બેઠકમાં, ફાઈલ પર કે પછી ઈલેક્ટ્રોનિક માધ્યમથી આ નિર્ણયોને મંજૂરી આપી હતી? સમગ્ર દેશમાં SIR શરૂ કરવાના પંચના નિર્ણયની ચોક્કસ ફાઈલ અને તારીખ કઈ છે?'

ચૂંટણી કમિશનરોની અસંમતિ અને અધિકારીઓના જવાબની માંગ

આ સાથે જ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે SIRની મંજૂરી, મતદાર યાદીમાંથી લોકોના નામ કમી કરવા અને ઓનલાઈન સિસ્ટમમાં કરાયેલા ફેરફારો અંગે નાયબ ચૂંટણી કમિશનર સહિતના અન્ય અધિકારીઓને સોગંદનામા દ્વારા જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવે. અરજીમાં એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, 'બંને ચૂંટણી કમિશનરો વિવેક જોશી અને એસ.એસ. સંધુએ કેટલી વખત લેખિત વાંધાઓ નોંધાવ્યા છે? શું SIR સાથે જોડાયેલો કોઈ નિર્ણય બહુમતીથી લેવામાં આવ્યો હતો, અને તેમાં કોણે અસંમતિ દર્શાવી હતી?'

વિપક્ષે ડેટાબેઝની પરવાનગી પર ઉઠાવ્યા સવાલ

INDIA ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચની ટેકનિકલ પારદર્શિતા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અરજીમાં પંચને પૂછવામાં આવ્યું છે કે, 'શું 24 જૂન 2025 પછી કોઈ વેન્ડર કે કોન્ટ્રાક્ટરના કર્મચારીને ઈલેક્ટોરલ રોલ ડેટાબેઝમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી?'

સોશિયલ મીડિયા પર કોંગ્રેસે શેર કરી 48 સવાલોની યાદી

કોંગ્રેસે સવાલોની યાદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરતા એક પોસ્ટમાં લખ્યું છે કે, 'ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં વોટ ચોરી અંગે સતત ઉઠી રહેલા સવાલોના કોઈ જવાબ આપ્યા નથી. હવે ઈન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય બે ચૂંટણી કમિશનરો અને ITના મહાનિર્દેશકને પ્રશ્નો પૂછવા માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી માંગી છે. આ સવાલો SIRમાં રહેલી તે ગંભીર ખામીઓ સાથે જોડાયેલા છે, જેણે 'વોટ ચોરી'નો રસ્તો ખોલ્યો હતો. ચૂંટણી પંચને 48 સવાલોની યાદી સોંપવામાં આવી છે, જેના જવાબ તેમણે આપવા જ પડશે. આમાંથી કેટલાક મુખ્ય સવાલો આ મુજબ છે… મુખ્ય ચૂંટણી કમિશનરના મત સાથે અન્ય બે ચૂંટણી કમિશનરોએ કેટલા નિર્ણયોમાં અસંમતિ દર્શાવી હતી? સમગ્ર દેશમાં SIR હાથ ધરવાનો નિર્ણય કોણે લીધો? ફોર્મ 6 બદલવાનો નિર્ણય કોણે લીધો? ERONET અને ECINET નું કેન્દ્રીયકરણ કરવાનો અને મતદાર યાદીને કેન્દ્રીય નિયંત્રણ હેઠળ રાખવાનો નિર્ણય કોણે લીધો? આ રહ્યા તે 48 સવાલો.'

નાયબ ચૂંટણી કમિશનર પાસે શપથપત્ર દ્વારા ખુલાસાની માંગ

વિપક્ષે પોતાની અગાઉથી પડતર અરજીમાં દાખલ કરેલી આ નવી અરજી દ્વારા ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગવાની પરવાનગી માંગી છે. રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ નાયબ ચૂંટણી કમિશનર પાસેથી શપથપત્ર દ્વારા જવાબ માંગ્યો છે, કારણ કે અગાઉ તેમણે જ ચૂંટણી પંચ વતી પક્ષ રજૂ કર્યો હતો. હવે તેમની પાસેથી SIR ની મંજૂરી, મતદારોના નામ યાદીમાંથી કથિત રીતે હટાવવા અને પંચની ઓનલાઈન મતદાર નોંધણી સિસ્ટમમાં કરાયેલા ફેરફારો જેવા ચોક્કસ મુદ્દાઓ પર જવાબ માંગવામાં આવ્યો છે.

સામૂહિક નિર્ણય લેવાયો કે CEC ની એકપક્ષીય કાર્યવાહી?

અરજીના અંતિમ ભાગમાં ચૂંટણી પંચની આંતરિક કાર્યપ્રણાલી અને નિર્ણય લેવાની સત્તા પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. અરજીમાં મુખ્યત્વે એ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, 'શું દેશભરમાં SIR સાથે જોડાયેલા નિર્ણયો ખરેખર ચૂંટણી પંચે એક સામૂહિક સંસ્થા તરીકે લીધા હતા, કે પછી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય ચૂંટણી કમિશનરોની જાણકારી, મંજૂરી કે સંમતિ વિના જ પંચની સત્તાઓનો ઉપયોગ કરી લીધો હતો?'