Android 17 OS: Google એ તેના આગામી ઓપરેટિંગ સિસ્ટમ Android 17 સાથે આવનારા મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ જાહેરાત Android Showના ખાસ એપિસોડ દરમિયાન કરવામાં આવી હતી, જે 19 મેના રોજ શરૂ થનારી બહુચર્ચિત Google I/O ડેવલપર કોન્ફરન્સ પહેલાં રજૂ કરવામાં આવી હતી. આ સાથે નવા Android આધારિત Googlebook લેપટોપ્સ અને Android Auto માટેના અનેક અપડેટ્સની પણ ઝલક બતાવવામાં આવી હતી.
AIથી સજ્જ નવા ફીચર્સ
Android 17માં ઘણા નવા AI આધારિત ફીચર્સ ઉમેરવામાં આવશે. તેમાં Rambler નામનું ફીચર ખાસ રસપ્રદ માનવામાં આવી રહ્યું છે. આ એક રિયલ-ટાઈમ ટ્રાન્સક્રિપ્શન આસિસ્ટન્ટ છે, જે તમારી વાતચીત દરમિયાન “um” અથવા “ah” જેવા અનાવશ્યક શબ્દોને દૂર કરીને ભાષણને વધુ સ્મૂથ બનાવશે. Chromeનું auto browse ફીચર પણ જૂનના અંત સુધી Androidમાં આવવાની શક્યતા છે, જે સાથે અનેક AI સુધારાઓ પણ કરવામાં આવશે. બીજું ઇન્ટરેસ્ટિંગ ફીચર Create My Widget છે, જેના દ્વારા યુઝર્સ ફક્ત સામાન્ય ભાષામાં સૂચના આપીને કસ્ટમ હોમસ્ક્રીન વિજેટ્સ બનાવી શકશે.
Android 17માં નવા ઇમોજી ડિઝાઇન
Android 17માં ઇમોજી સેટમાં પણ મોટો બદલાવ જોવા મળશે. હાલના કાર્ટૂન જેવા ઇમોજીની જગ્યાએ હવે વધુ 3D સ્ટાઇલવાળા ઇમોજી આવશે. આ અપડેટ સૌથી પહેલા Pixel ફોનમાં આ વર્ષના અંત સુધી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત Pause Point નામનું નવું ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ કેટલીક એપ્સને ધ્યાન ભંગ કરતી તરીકે માર્ક કરી શકશે. એટલે કે યુઝર જ્યારે કોઈ એપ્લિકેશનનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરતી હોય ત્યારે એને માર્ક કરી શકશે. ઇન્સ્ટાગ્રામ અને કેન્ડી ક્રશ જેવી ગેમ્સનો આ લિસ્ટમાં સમાવેશ થઈ શકે છે. આ લિસ્ટમાં એનો સમાવેશ કર્યા બાદ આ એપને ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે યુઝરને શ્વાસ લેવાની કસરત કરવા અથવા વધુ પ્રોડક્ટિવ એપ ખોલવા માટે સૂચન આપવામાં આવશે. આથી યુઝરે બિનજરૂરી સમય બરબાદ કરવો કે નહીં એ એના દ્વારા નક્કી કરી શકાશે.
અન્ય ખાસ ફીચર્સ
Android 17માં Screen Reactions નામનું નવું ફીચર પણ આવશે, જેના દ્વારા યુઝર્સ એક સાથે સેલ્ફી કેમેરા અને સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તેનું વીડિયો રેકોર્ડિંગ કરી શકશે. ખાસ કરીને રિએક્શન વીડિયો બનાવતા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થશે. Google તેનું Quick Share ફીચર હવે વધુ સ્માર્ટફોન બ્રાન્ડ્સ સુધી વિસ્તારી રહ્યું છે, જેમાં Xiaomi, Honor અને OnePlusના ડિવાઇસિસ પણ સામેલ છે. આ ફીચર પહેલાં Pixelમાં હતું, પરંતુ હવે એને વધુ મોબાઇલ સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.
iPhoneથી Androidમાં સરળ ટ્રાન્સફર
Google અને Apple બંને પ્લેટફોર્મ વચ્ચે સ્વિચિંગ વધુ સરળ બનાવવા પર કામ કરી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે iOS 26.3માં નવી વાયરલેસ ટ્રાન્સફર સુવિધા ઉમેરવામાં આવી છે, જેના દ્વારા iPhoneમાંથી Android ડિવાઇસમાં ફાઇલો, કોન્ટેક્ટ્સ, મેસેજિસ, હોમસ્ક્રીન લેઆઉટ અને eSIM ટ્રાન્સફર કરી શકાય છે. જોકે આ ફીચર હાલમાં કાર્યરત નથી, કારણ કે ટ્રાન્સફર પ્રક્રિયા માટે Android 17 સપોર્ટ કરતું ડિવાઇસ જરૂરી રહેશે. આથી નવી ઓપરેટિંગ સિસ્ટમમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચો: હવે ફોન ખરીદવો પડશે ભારે! સ્માર્ટફોનની કિંમતો આસમાને, 40% સુધીનો વધારો થઈ શકે
સુરક્ષામાં પણ મોટા સુધારા
Android 17માં અનેક નાના પરંતુ મહત્ત્વપૂર્ણ સુરક્ષાને લઈને સુધારા પણ કરવામાં આવ્યા છે. તેમાં કેટલીક બેંકો સાથેની ભાગીદારીનો સમાવેશ થાય છે. આથી હવે બેંકના નામે થતાં નકલી કોલ્સને બ્લોક કરી શકાશે. આ માટે યુઝરના ફોનમાં એ માટેની બેંકિંગ એપ ઇન્સ્ટોલ હોવી જરૂરી છે. આ ઉપરાંત મેલવેર ડિટેક્શન સિસ્ટમ વધુ મજબૂત બનાવવામાં આવી છે, જે એપ્સના વર્તન પર નજર રાખશે. SMS ફોરવર્ડિંગ અથવા બેકગ્રાઉન્ડમાં શંકાસ્પદ રીતે એપ શરૂ થવી જેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવામાં આવશે. આ સાથે જ Chromeનું Safe Browsing મોડ હવે APK ફાઇલ ડાઉનલોડ દરમિયાન જાણીતા મેલવેર માટે સ્કેનિંગ પણ કરશે.


