Science & Technology

Google I/O 2026: એન્ડ્રોઇડ 17 અને એન્ડ્રોઇડ ઓટોની ધમાકેદાર જાહેરાત, બદલાઈ જશે સ્માર્ટફોન અને ડ્રાઇવિંગનો અંદાજ

By GS Team
20 May 20264 mins read
TukuTouch Logo
ગૂગલે તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ 'Google I/O 2026'માં આગામી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 17 અને નવી ડિઝાઇન કરેલું એન્ડ્રોઇડ ઓટો પરથી સત્તાવાર રીતે પડદો હટાવી દીધો છે. આ વર્ષે ગૂગલનો સંપૂર્ણ ફોકસ 'એજન્ટિક એરા' એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સિસ્ટમના મુખ્ય ભાગ તરીકે જોડીને યુઝર્સની પ્રાઇવસી અને રોજિંદા કામોને અત્યંત સરળ બનાવવા પર કેન્દ્રિત છે. આથી એન્ડ્રોઇડ 17 અને એન્ડ્રોઇડ ઓટોને નવી ડિઝાઇનની સાથે ઘણાં ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Google I/O 2026: એન્ડ્રોઇડ 17 અને એન્ડ્રોઇડ ઓટોની ધમાકેદાર જાહેરાત, બદલાઈ જશે સ્માર્ટફોન અને ડ્રાઇવિંગનો અંદાજ

Android 17 and Android Auto: ગૂગલે તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ 'Google I/O 2026'માં આગામી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 17 અને નવી ડિઝાઇન કરેલું એન્ડ્રોઇડ ઓટો પરથી સત્તાવાર રીતે પડદો હટાવી દીધો છે. આ વર્ષે ગૂગલનો સંપૂર્ણ ફોકસ 'એજન્ટિક એરા' એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સિસ્ટમના મુખ્ય ભાગ તરીકે જોડીને યુઝર્સની પ્રાઇવસી અને રોજિંદા કામોને અત્યંત સરળ બનાવવા પર કેન્દ્રિત છે. આથી એન્ડ્રોઇડ 17 અને એન્ડ્રોઇડ ઓટોને નવી ડિઝાઇનની સાથે ઘણાં ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

1. એન્ડ્રોઇડ 17: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુરક્ષાનો સમન્વય

એન્ડ્રોઇડ 17 માત્ર એક સામાન્ય અપડેટ નથી, પરંતુ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમની એક નવી ક્રાંતિ છે. ગૂગલે આ ઓપરેટિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા માટે નીચે મુજબના ખાસ ફીચર્સ રજૂ કર્યા છે:

'Gemini Intelligence' અને 'Rambler' ફીચર: ગૂગલે તેના સૌથી પાવરફુલ AI જેમિનીને સિસ્ટમની અંદર ઊંડાણપૂર્વક જોડી દીધું છે. હવે જેમિની માત્ર સવાલોના જવાબ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ યુઝરની પરવાનગીથી અલગ-અલગ એપ્સમાં જઈને ઓનલાઈન ઓર્ડર કરવા, ટૂર પ્લાનિંગ કે લાંબા ફોર્મ ભરવા જેવા કામો આપોઆપ કરી શકશે. આ સાથે જ નવું Rambler ફીચર વોઇસ ટાઇપિંગ કરનારાઓ માટે વરદાન સાબિત થશે, જે બોલેલી સ્પીચમાંથી વ્યાકરણની ભૂલો અને બિનજરૂરી અવાજોને સુધારીને એક સચોટ આર્ટિકલમાં રૂપાંતરિત કરી દેશે.

એડવાન્સ એન્ટી-થેફ્ટ પ્રોટેક્શન: યુઝર સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ડિફોલ્ટ એન્ટી-થેફ્ટ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ ચાલુ ફોન ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરશે, તો ફોન આપોઆપ લોક થઈ જશે. આવા સંજોગોમાં પિન (PIN) ના વારંવારના પ્રયાસો પણ બ્લોક થઈ જશે અને માત્ર મૂળ યુઝરના બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડી)થી જ ફોન અનલોક થઈ શકશે.

બેકગ્રાઉન્ડ લોકેશન ઇન્ડિકેટર: કેમેરા અને માઇક્રોફોનની જેમ હવે બેકગ્રાઉન્ડમાં લોકેશન ટ્રેક કરતી એપ્સ માટે સ્ક્રીન પર સ્પેશિયલ લોકેશન ઇન્ડિકેટર દેખાશે, જ્યાંથી યુઝર્સ એપ્સને ટેમ્પરરી એટલે કે થોડા સમય માટે લોકેશન એક્સેસ આપી શકશે.

આઇફોનથી એન્ડ્રોઇડમાં શિફ્ટ થવું બનશે સાવ સરળ: ગૂગલે એપલ સાથે મળીને એક નવી વાયરલેસ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી આઇફોન યુઝર્સ પોતાનો તમામ ડેટા, કોન્ટેક્ટ્સ, મેસેજીસ, એપ્સ અને eSIM પણ કોઈ પણ મુશ્કેલી વિના સીધા જ એન્ડ્રોઇડ ફોનમાં ટ્રાન્સફર કરી શકશે.

2. મલ્ટિ-ડિવાઇસ કનેક્ટિવિટી: શું છે 'Continue On' ફીચર?

એન્ડ્રોઇડ 17નું સૌથી ચર્ચિત ફીચર 'Continue On' છે, જે એપલના 'Handoff' ફીચરની જેમ કામ કરે છે. એપલનું આ ફીચર 2014માં લોન્ચ થયું હતું જે આખરે હવે એન્ડ્રોઇડમાં આવી રહ્યું છે. આ ફીચર અંતર્ગત એક જ ગૂગલ એકાઉન્ટથી લૉગ-ઇન થયેલા તમામ એન્ડ્રોઇડ ડિવાઇસ વચ્ચે અદ્ભુત તાલમેલ જોવા મળશે.

સતત કામ ચાલુ રાખી શકશો: જો તમે તમારા એન્ડ્રોઇડ ફોન પર કોઈ ઈમેલ ટાઈપ કરી રહ્યા છો કે દસ્તાવેજ એડિટ કરી રહ્યા છો, અને અધવચ્ચેથી તમે ટેબ્લેટ હાથમાં લો છો, તો ટેબ્લેટના ટાસ્કબારમાં તે એપનો આઇકોન દેખાશે. માત્ર એક ટેપ કરવાથી તમે જ્યાં અટક્યા હતા, બરાબર ત્યાંથી જ કામ આગળ વધારી શકશો.

ઓટોમેટિક ક્રોમ સપોર્ટ: જો સામેના ટેબ્લેટ કે ડિવાઇસમાં તે ચોક્કસ એપ ઇન્સ્ટોલ ન હોય, તો આ સ્માર્ટ ફીચર તે કાર્યને ગૂગલ ક્રોમ બ્રાઉઝરના વેબ વર્ઝન પર આપોઆપ ઓપન કરી દેશે, જેથી કાર્યમાં કોઈ અવરોધ ન આવે.

3. યુઝર એક્સપિરિયન્સને વધુ સારા બનાવતા અન્ય મહત્ત્વના ફીચર્સ

રીચ વિજેટ્સ: હવે હોમ સ્ક્રીન પરના વિજેટ્સ વધુ ડાયનેમિક બનશે. ફૂડ ઓર્ડર કે કેબ બુકિંગ જેવી એપ્સ ઓપન કર્યા વિના યુઝર્સ હોમ સ્ક્રીન પર જ રિયલ-ટાઇમ લાઇવ ટ્રેકિંગ જોઈ શકશે.

AI નોટિફિકેશન કંટ્રોલ: નવું AI એન્જિન દિવસભર આવતા બિનજરૂરી નોટિફિકેશન્સને આપોઆપ ફિલ્ટર કરીને એક અલગ ફોલ્ડરમાં મોકલી દેશે, જેથી સ્ક્રીન વ્યવસ્થિત રહે અને કામના મેસેજ મિસ ન થાય.

અલ્ટ્રા બેટરી સેવર 2.0: નવા અલ્ટ્રા બેટરી સેવર મોડ દ્વારા બેકગ્રાઉન્ડની તમામ બિનજરૂરી AI પ્રોસેસ સંપૂર્ણપણે બંધ થઈ જશે, જેનાથી માત્ર 10% બેટરી પણ 24 કલાક સુધી ફોનને ચાલુ રાખી શકશે.

Predictive Back Gesture: આ ફીચર બેક સ્વાઇપ કરતી વખતે પાછળના પેજનો પ્રીવ્યૂ બતાવશે, જેથી ભૂલથી આખી એપ બંધ થવાની સમસ્યા ન નડે.

આ પણ વાંચો: WhatsApp લાવ્યું જોરદાર પ્રાઇવસી ફીચર: હવે વાંચ્યા પછી મેસેજ આપોઆપ ગાયબ થશે

4. એન્ડ્રોઇડ ઓટો: ડ્રાઇવિંગ બનશે વધુ સ્માર્ટ અને સેફ

ગૂગલે સ્માર્ટફોનની સાથે ગાડીઓની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને પણ સદંતર બદલી નાખી છે. એન્ડ્રોઇડ ઓટોના નવા અપડેટ્સ ડ્રાઇવિંગને વધુ હેન્ડ્સ-ફ્રી અને મનોરંજક બનાવે છે:

જેમિની AI ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ: ડ્રાઇવિંગ દરમિયાન વૉટ્સએપ કે ઑફિસના લાંબા મેસેજીસ આવે ત્યારે જેમિની આખો મેસેજ વાંચવાને બદલે માત્ર એક-બે લીટીમાં તેનો ટૂંકો સારાંશ સંભળાવશે અને યુઝર્સ માત્ર અવાજના કમાન્ડથી જ સ્માર્ટ રિપ્લાય મોકલી શકશે.

કાસ્ટ ટૂ કાર સ્ક્રીન: ગાડી જ્યારે પાર્કિંગમાં હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં હોય, ત્યારે ટાઈમપાસ કરવા માટે યુઝર્સ ફોનમાંથી સીધા જ કારની ડિસ્પ્લે પર યુટ્યુબ કે નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ સ્ટ્રીમ કરી શકશે.

EV રૂટ પ્લાનિંગ અને મલ્ટિ-પ્રોફાઇલ સપોર્ટ: ઇલેક્ટ્રિક વાહનો માટે ગૂગલ મેપ્સ કારની બેટરી લાઇવ ટ્રેક કરશે અને રૂટ પર આવતા સુસંગત ચાર્જિંગ સ્ટેશનો આપોઆપ સજેસ્ટ કરશે. વળી, મલ્ટિ-પ્રોફાઇલ સપોર્ટને કારણે ઘરના અલગ-અલગ સભ્યો કાર કનેક્ટ કરશે ત્યારે તેમની પર્સનલ પ્લેલિસ્ટ અને નેવિગેશન હિસ્ટ્રી આપોઆપ સેટ થઈ જશે.

આ પણ વાંચો: Google I/O 2026 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું સૌથી પાવરફુલ AI જેમિની ઓમ્ની, યુનિવર્સલ કાર્ટ અને ઓડિયો ગ્લાસીસ

ગૂગલ I/O 2026ની આ જાહેરાતો સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં ટેક્નોલોજી માત્ર કમાન્ડ પર નહીં, પણ યુઝરની જરૂરિયાતોને સમજીને આપોઆપ કામ કરશે. એન્ડ્રોઇડ 17ના આ તમામ ફિચર્સ આ વર્ષના અંત સુધીમાં તબક્કાવાર રીતે તમામ સપોર્ટેડ ડિવાઇસમાં રોલઆઉટ કરવામાં આવશે.