Get The App

યુઝર્સ પોતાની પર્સનલ આઈડી અને સેક્સ્યુઅલ ઈમેજ ગૂગલ સર્ચ પરથી કાઢી શકશે, જાણો કેવી રીતે…

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
યુઝર્સ પોતાની પર્સનલ આઈડી અને સેક્સ્યુઅલ ઈમેજ ગૂગલ સર્ચ પરથી કાઢી શકશે, જાણો કેવી રીતે… 1 - image


Google New Tool: ગૂગલે તેના ‘Results about you’ ટૂલમાં હવે વધુ કેટેગરીનો સમાવેશ કર્યો છે. ગૂગલ સર્ચમાં આવતી સેક્સ્યુઅલ ઈમેજ અને પર્સનલ આઈડીને હવે યુઝર્સ પોતે દૂર કરી શકશે. AI જ્યારથી આવ્યું છે ત્યારથી યુઝર્સના ખોટા ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. જોકે હવે આ ફોટોને કાઢવા માટે ગૂગલે નવું ટૂલ રજૂ કર્યું છે. મંગળવારે ગૂગલ દ્વારા નવી અપડેટ જાહેર કરવામાં આવી છે. એમાંથી યુઝર્સ હવે ડ્રાઈવર લાઈસન્સ નંબર, પાસપોર્ટની વિગતો અને સોશિયલ સિક્યુરિટી નંબર જેવી માહિતીને ગૂગલ સર્ચ પરથી દૂર કરી શકે છે. અગાઉ આ ટૂલ માત્ર ફોન નંબર, ઈમેઇલ સરનામું અને ઘરનું સરનામું દૂર કરવાની મંજૂરી આપતું હતું. જોકે હવે એમાં વધુ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘Results about you’ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરશો?

‘Results about you’ ટૂલનો ઉપયોગ કરવા માટે યુઝર્સે તેમના મોબાઈલ ડિવાઈસ પર ગૂગલ એપ ખોલવી પડશે. ગૂગલ એકાઉન્ટ ફોટો પર ટૅપ કરીને ’Results about you’ પસંદ કરવું પડશે. ત્યાર પછી જે-તે યુઝર જે પ્રકારની માહિતીને મોનિટર કરવા માગે છે એટલે કે કાઢવા માગે છે એ માહિતીનો સમાવેશ ત્યાં કરવાની પ્રોસેસ કરવી. આ માટે ગૂગલ જ માર્ગદર્શન આપશે. એમાં સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈ પણ ઓળખ નંબરનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે.

ગૂગલ આપમેળે સર્ચ પરિણામો મોનિટર કરશે

એકવાર યુઝર્સ તેમની વિગતોને દાખલ કરશે ત્યાર બાદ ગૂગલ આપમેળે સર્ચ પરિણામો મોનિટર કરશે. જો એમાં કોઈ પણ યુઝરની માહિતી મળી તો એ માટે તેમને જાણ પણ કરવામાં આવશે. ગૂગલ દ્વારા એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યું છે કે સર્ચમાંથી માહિતી દૂર કરવાથી તે વેબ પરથી સંપૂર્ણપણે દૂર થતી નથી, પરંતુ તે વ્યક્તિગત ડેટાને ખાનગી રાખવામાં મદદરૂપ બને છે. આ અપડેટ આગામી દિવસોમાં યુએસમાં રોલઆઉટ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં અન્ય પ્રદેશોમાં પણ એને લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: એસ્ટ્રોનોટ ચક્કર આવવા છતાં સ્પેસક્રાફ્ટને લેન્ડ કરી શકે છે કે નહીં?: નાસા કરી રહી છે એક અનોખો એક્સપેરિમેન્ટ…

સહમતિ વિના શેર કરવામાં આવેલા અશ્લીલ ફોટો પણ દૂર કરશે ગૂગલ

‘Results about you’ ટૂલની અપડેટ સાથે ગૂગલે સંમતિ વગર શેર કરવામાં આવેલા અશ્લીલ ફોટોને પણ સર્ચમાંથી દૂર કરવાની પ્રક્રિયામાં સુધારો કર્યો છે. આ માટે જે-તે યુઝર્સ માત્ર પોતાના ફોટોની બાજુમાં આવેલા ત્રણ ડોટ પર ક્લિક કરીને ‘remove result’ પસંદ કરીને એમાં ‘It shows a sexual image of me’ પર ટૅપ કરવાનું રહેશે. ગૂગલ દ્વારા યુઝર્સને એક જ સમયે એક જ ફોટોને પસંદ કરી એના પર જે એક્શન લેવામાં આવ્યો હોય એ અન્ય ફોટો પર ઓટોમેટિક લેવામાં આવશે એની પણ જાણ કરી છે. આથી યુઝરે દરેક ફોટોને કાઢવાની જરૂર નહીં પડે. એક વાર આ વિકલ્પ પસંદ કરતાં એના જેવા અન્ય ફોટો પણ દૂર થઈ જશે.