Nasa Experiment: નાસા એક અનોખો એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે કે અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર ચક્કર આવતી વખતે તેઓ સ્પેસક્રાફ્ટને લેન્ડ કરી શકે છે કે નહીં. આ એક્સપેરિમેન્ટ સ્પેસએક્સ ક્રૂ-12 મિશન દરમિયાન કરવામાં આવી રહ્યો છે. એના દ્વારા પાઇલટોને ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન અનુભવાતા તીવ્ર ગુરુત્વાકર્ષણનો સામનો કરવા માટે તૈયાર કરવામાં મદદ મળશે. આ એક્સપેરિમેન્ટમાં વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવી રહી છે અને એ સમયે અંતરિક્ષયાત્રીઓની પ્રતિક્રિયાને તપાસવામાં આવી રહી છે.
અંતરિક્ષયાત્રીઓને ચક્કર કેમ આવે છે?
અંતરિક્ષયાત્રીઓ લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર રહે છે. એ સમયે તેઓ વજનરહિત પરિસ્થિતિઓ સાથે ટેવાઈ જાય છે. આ ટેવ તેમના માટે પડકારરૂપ બની જાય છે જ્યારે તેઓ પૃથ્વી અથવા ચંદ્ર જેવી ગુરુત્વાકર્ષણ ધરાવતી દુનિયામાં પાછા ફરે છે. આ પરિવર્તન તેમના કાનની અંદરના ભાગને અસર કરે છે. આ કાન જ સંતુલન જાળવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને એ અસંતુલિત પણ કરી શકે છે.
મેન્યુઅલ પાઇલોટિંગ એક્સપેરિમેન્ટ
પાઇલટ ચક્કર આવતી સ્થિતિમાં પણ અબજો ડોલરનો સ્પેસક્રાફ્ટ ચલાવી શકે છે કે નહીં તે તપાસવા માટે નાસા મેન્યુઅલ પાઇલોટિંગ નામનું એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે. આ એક્સપેરિમેન્ટમાં અંતરિક્ષયાત્રીઓને હાઈ-ટેક ફ્લાઇટ સિમ્યુલેટરમાં વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરાવવામાં આવે છે. પૃથ્વીની ઓર્બિટમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ જેવા માહોલમાં રહીને ગોગલ્સ પહેરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વર્ચ્યુઅલ શિપ ઉતારવાનો પ્રયાસ કરે છે.
ચંદ્ર પર લેન્ડિંગની મુશ્કેલીઓ
એક્સપેરિમેન્ટમાં બનાવેલી કૃત્રિમ ગુરુત્વાકર્ષણ અંતરિક્ષયાત્રીઓને અત્યંત ગૂંચવણમાં મૂકી શકે છે કારણ કે સ્પેસમાં તેમનું મગજ વજનરહિત પરિસ્થિતિઓ માટે ટેવાયેલું હોય છે. વૈજ્ઞાનિકો જોવા માંગે છે કે તેઓ આ ચક્કરને અવગણીને હેન્ડ કંટ્રોલરથી માર્ગ પર રહી શકે છે કે નહીં. જો તેમનું સંતુલન બગડી જાય તો પણ તેઓ લેન્ડિંગ પેડ પર લેન્ડ કરી શકે છે કે નહીં. આ સ્ટડીથી સમજાશે કે ગૂંચવણ થવાથી પાઇલટની પ્રતિક્રિયા સમય અથવા નિર્ણય લેવાની ક્ષમતા પર કેટલો પ્રભાવ પાડે છે.
લેન્ડિંગ માટે વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ
ક્રૂ-12 સ્ટડીમાં એ પણ તપાસવામાં આવશે કે જો અંતરિક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશન છોડતા પહેલાં વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી લેન્ડિંગ માટે પ્રેક્ટિસ કરે તો તેમનું મગજ વાસ્તવિક લેન્ડિંગ માટે તૈયાર થઈ શકે છે કે નહીં. ક્રૂ ચક્કર આવતી સ્થિતિમાં કેટલું સારું નિયંત્રણ રાખી શકે છે એ જોયા બાદ નાસા વધુ સારી ટ્રેનિંગ પ્રોગ્રામ નક્કી કરી શકે છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે કારણ કે લેટેસ્ટ સ્પેસક્રાફ્ટ મોટાભાગે કમ્પ્યુટરની મદદથી લેન્ડિંગ કરે છે. ટેકનોલોજી નિષ્ફળ પણ થઈ શકે છે, આથી મેન્યુઅલ લેન્ડિંગ માટે પણ તેમને તૈયાર કરવું જરૂરી છે.
આ પણ વાંચો: માણસની જેમ લાગણી વ્યક્ત કરે છે મોયા રોબોટ, મશીનને પણ ‘લાગણીશીલ’ બનાવવાની રેસ
ચંદ્ર પરના ભવિષ્યના લેન્ડિંગ માટે તૈયારી
ક્રૂ-12 સ્ટડી માત્ર સફળતા વિશે નથી, પરંતુ માનવ ક્ષમતાની મર્યાદા ચેક કરવામાં આવી રહી છે. પાઇલટ કેટલી વખત સિમ્યુલેશનમાં તેના માર્ગ પરથી ભટકે છે એનું ટ્રેકિંગ કરીને નાસા નક્કી કરી શકે છે કે ભવિષ્યના લેન્ડિંગ સંપૂર્ણપણે સ્વચાલિત હોવા જોઈએ કે પછી એને ઓટોમેટેડ બનાવવું જોઈએ. તેમ જ એ માટે કોઈ ચોક્કસ સાધનની જરૂર હોય તો એ પણ વિકસાવવામાં આવે એ પણ તપાસવામાં આવશે. આ સ્ટડી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આર્ટેમિસ ક્રૂ જ્યારે ચંદ્રની સપાટી પર લેન્ડ કરે ત્યારે ચક્કર આવવાથી તેમને કોઈ મોટો અકસ્માત ન થાય એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે.

