Science & Technology

Apple-Googleની મોટી ચેતવણી: EU નિયમોને લીધે નવું Siri AI લોન્ચ કરવાનું ટાળ્યું

By GS Team
21 Jul 20263 mins read
TukuTouch Logo
યુરોપિયન કમિશન ગૂગલ અને એપલના સ્માર્ટફોન માર્કેટ પરના પ્રભુત્વ પર નજર રાખી રહ્યું છે. કમિશન ઈચ્છે છે કે અન્ય વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સને પણ ગૂગલના જેમિની અને એપલના સિરી જેવું જ પ્રાધાન્ય મળે. ડિજિટલ માર્કેટ્સ એક્ટના કડક નિયમોને કારણે, એપલે EUમાં સિરી AI લોન્ચ કરવાનું રોક્યું છે, જ્યારે ગૂગલને જુલાઈ 2027 સુધીમાં પ્લેટફોર્મ ખુલ્લું કરવું પડશે. બંને કંપનીઓએ સુરક્ષા અને પ્રાઇવસીના જોખમોની ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Apple-Googleની મોટી ચેતવણી: EU નિયમોને લીધે નવું Siri AI લોન્ચ કરવાનું ટાળ્યું

Tech giants clash with EU: સ્માર્ટફોન માર્કેટમાં ગૂગલ અને એપલના વર્ચસ્વ અને તેનાથી ઉભા થતા પરિણામો પર યુરોપિયન કમિશન ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. હાલમાં વૈશ્વિક સ્તરે આ બંને ટેક કંપનીઓ અંદાજે 5 અબજ સક્રિય એન્ડ્રોઇડ ફોન્સ અને આઇફોન્સ પર નિયંત્રણ ધરાવે છે. હવે, કમિશન ઈચ્છે છે કે સ્માર્ટફોન પર ગૂગલના જેમિની અને એપલના સિરીની જેમ જ અન્ય કંપનીઓના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સને પણ સમાન પ્રાધાન્ય અને સ્પેસ મળવી જોઈએ.

જુલાઈ 2027 સુધીમાં ગૂગલે પ્લેટફોર્મ ખુલ્લું કરવું પડશે

  • ડિજિટલ માર્કેટ્સ એક્ટ (DMA)ના ભાગરૂપે, યુરોપિયન કમિશને ગૂગલને જુલાઈ 2027 સુધીમાં અન્ય AI એજન્ટ્સને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર વધુ વ્યાપક એક્સેસ આપવા માટે જણાવ્યું છે.
  • આ પગલાનો મુખ્ય હેતુ AIની રેસમાં તમામ સ્પર્ધકો માટે એક સમાન તક ઊભી કરવાનો છે, કારણ કે યુરોપિયન યુનિયનના નિયમો હેઠળ અંદાજે 427 મિલિયન આઇફોન અને એન્ડ્રોઇડ ફોન્સ આવે છે.
  • જોકે, એપલ અને ગૂગલ બંનેએ પોતાના પ્લેટફોર્મને થર્ડ-પાર્ટી એપ્સ માટે ખુલ્લા મૂકવા સાથે જોડાયેલા પ્રાઇવસીના જોખમો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

એપલે યુરોપિયન યુનિયનમાં રોકી 'Siri'ની રિલીઝ

ડિજિટલ માર્કેટ્સ એક્ટના કડક નિયમોને કારણે એપલે જાહેરાત કરી છે કે તે યુરોપિયન યુનિયનના દેશોમાં આઇફોન અને આઇપેડ પર પોતાનું નવું સિરી AI આસિસ્ટન્ટ લોન્ચ કરશે નહીં. સાયબર નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે એપલ અને ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં થર્ડ-પાર્ટી એપ્સને સીધો એક્સેસ આપવાથી સુરક્ષા અને પ્રાઇવસીના મોટા જોખમો ઊભા થઈ શકે છે. જોકે, કેટલાક વિવેચકો એવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે શું યુરોપિયન યુનિયનના નિયમોનો વિરોધ કરવા પાછળ ગૂગલની મુખ્ય ચિંતા ખરેખર પ્રાઇવસી જ છે કે કંઈક બીજું.

યુઝર્સને મળશે વધુ વિકલ્પો

યુરોપિયન કમિશન ઈચ્છે છે કે યુરોપના એન્ડ્રોઇડ યુઝર્સ પાસે તેમના સ્માર્ટફોન પર AI સેવાઓ અને સર્ચ સેવાઓ બંને માટે વ્યાપક અને વધુ ફીચર્સ ધરાવતા વિકલ્પો ઉપલબ્ધ હોય. કમિશન એવું પણ ઈચ્છે છે કે ગૂગલ પોતાના સર્ચ ડેટા અન્ય સર્ચ એન્જિન્સ અને AI ચેટબોટ્સ સાથે શેર કરે, જેથી તેઓ પણ ગૂગલ સર્ચ જેવો જ સમાન અનુભવ યુઝર્સને પ્રદાન કરી શકે. નવા મેન્ડેટ હેઠળ આ ફેરફારો જાન્યુઆરી મહિનાથી શરૂ થવાના છે.

ગૂગલ અને એપલે આપી સુરક્ષા જોખમોની ચેતવણી

ગૂગલે ચેતવણી આપી છે કે એન્ડ્રોઇડમાં સૂચિત કરવામાં આવેલા ફેરફારો બહારી એપ્સને "સંવેદનશીલ અને શક્તિશાળી ડિવાઇસ પરમિશન" આપી શકે છે, જે મોટું સુરક્ષા જોખમ સાબિત થશે. ગૂગલના પ્રેસિડેન્ટ ઓફ ગ્લોબલ અફેર્સ કેન્ટ વોકરે જણાવ્યું કે, સર્ચ ડેટા શેર કરવાથી નાગરિકોની પ્રાઇવસી નબળી પડશે, બિઝનેસના ટ્રેડ સિક્રેટ્સ જોખમાશે અને રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં મુકાશે. ગૂગલ એન્ડ્રોઇડના પ્રેસિડેન્ટ સમીર સામતે દલીલ કરી હતી કે યુઝર્સ પોતાની મેળે જ અન્ય આસિસ્ટન્ટ પર સ્વિચ કરવાનો વિકલ્પ ધરાવે જ છે.

બીજી તરફ, એપલે પણ પ્રાઇવસીની ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે યુરોપિયન યુનિયનની શરતો તેમને "કોઈપણ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટને યુઝર્સના ખાનગી ડેટાનો સીધો એક્સેસ આપવા" માટે મજબૂર કરશે. કંપનીએ આ અંગે કેટલાક ઉકેલો પ્રસ્તાવિત કર્યા હતા જેને યુરોપિયન યુનિયને ફગાવી દીધા છે, પરંતુ કંપનીએ નિયમનકારો સાથે કામ ચાલુ રાખવાની વાત કહી છે. યુરોપિયન કમિશનના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ આ મામલે એપલ સાથે સતત સંપર્કમાં છે.