Science & Technology

દોસ્તી બદલાઈ દુશ્મનીમાં! Appleએ OpenAI પર કર્યો કેસ, સીક્રેટ્સ ચોરીનો ગંભીર આરોપ

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
ટેક જગતમાં ખળભળાટ મચાવતા, Appleએ OpenAI પર ગુપ્ત 'ટ્રેડ સિક્રેટ્સ' ચોરીનો ગંભીર આરોપ લગાવી કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં મુકદ્દમો દાખલ કર્યો છે. Appleનો દાવો છે કે OpenAIએ તેના 400 પૂર્વ કર્મચારીઓને લાલચ આપી, ગુપ્ત માહિતી મેળવી છે. OpenAIના IPO પર સંકટ તોળાઈ રહ્યું છે. 2024માં ChatGPTના ઇન્ટિગ્રેશન માટે સહયોગ કરનાર આ કંપનીઓ હવે કડવાશમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દોસ્તી બદલાઈ દુશ્મનીમાં! Appleએ OpenAI પર કર્યો કેસ, સીક્રેટ્સ ચોરીનો ગંભીર આરોપ

Tech Titans At War: ટેક જગતમાં એક બહુ મોટો ધમાકો થયો છે. દુનિયાની સૌથી મોટી પ્રીમિયમ ટેક કંપની Appleએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની દિગ્ગજ કંપની OpenAI પર ગંભીર મુકદ્દમો દાખલ કર્યો છે. Appleનો આરોપ છે કે OpenAIએ તેના કન્ઝ્યુમર હાર્ડવેર ડિવાઇસ ડેવલપમેન્ટના અતિ ગુપ્ત 'ટ્રેડ સિક્રેટ્સ' ચોરી કરવા માટે એક સુનિયોજિત ગુપ્ત અભિયાન ચલાવ્યું છે. કેલિફોર્નિયાના સેન જોસ સ્થિત ફેડરલ કોર્ટમાં આ કાનૂની લડાઈ શરૂ થઈ છે, જેના કારણે ટેક ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

રસપ્રદ વાત એ છે કે, આ એ જ બે કંપનીઓ છે જેમણે વર્ષ 2024માં Apple ના પ્રોડક્ટ્સમાં ChatGPTના ઇન્ટિગ્રેશન માટે એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ હવે આ દોસ્તી કડવાશમાં બદલાઈ ગઈ છે.

'શો એન્ડ ટેલ'નો ખતરનાક ખેલ: 400 પૂર્વ કર્મચારીઓનો ઉપયોગ કરાયાનો આરોપ

Apple દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી 41 પાનાની ફરિયાદમાં OpenAIના ચીફ હાર્ડવેર ઓફિસરથી લઈને ટેકનિકલ સ્ટાફ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. Appleના જણાવ્યા અનુસાર, OpenAIએ તેના લગભગ 400 પૂર્વ કર્મચારીઓને મોટી લાલચ આપીને પોતાની સાથે જોડ્યા છે. આ આખી વ્યૂહરચના પાછળ Appleના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ટેંગ યૂ તાનનો હાથ હોવાનું કહેવાય છે, જેઓ હાલ OpenAIમાં ચીફ હાર્ડવેર ઓફિસર તરીકે કાર્યરત છે.

આરોપ એવો પણ છે કે OpenAIના જોબ ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારો પાસેથી Appleના હજુ સુધી લોન્ચ ન થયેલા પ્રોડક્ટ્સના સિક્રેટ કોડનેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, 'શો એન્ડ ટેલ' સેશનના નામે ઇન્ટરવ્યુ આપવા આવતા કર્મચારીઓને સર્કિટ બોર્ડ અને બેટરી જેવા ફિઝિકલ કમ્પોનન્ટ્સ સાથે લાવવા માટે દબાણ કરાતું હતું, જેથી Appleની હાર્ડવેર ટેકનોલોજીની ચોરી કરી શકાય.

OpenAIના મહત્ત્વાકાંક્ષી IPO પર લાગી શકે છે બ્રેક

આ કાનૂની વિવાદના કારણે OpenAIની ભવિષ્યની યોજનાઓને મોટો ફટકો પડી શકે છે. અંદાજે 852 બિલિયન ડોલરની વેલ્યુએશન ધરાવતી OpenAI ટૂંક સમયમાં માર્કેટમાં પોતાનો બહુપ્રતીક્ષિત IPO લાવવાની તૈયારી કરી રહી હતી. રોકાણકારો પાસેથી 180 બિલિયન ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કરનાર OpenAI માટે કન્ઝ્યુમર હાર્ડવેર માર્કેટમાં પ્રવેશ કરવો એ ગ્રોથની મોટી તક હતી, પરંતુ Appleના આ કેસના કારણે તેના પર બ્રેક વાગી ગઈ છે. Apple એ કોર્ટ પાસે વળતરની માંગ કરી છે અને OpenAI પર તેની ગુપ્ત માહિતીના ઉપયોગ કરવા સામે તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે.

આ માત્ર 'આઇસબર્ગની ટોચ': Apple અને OpenAIનો પક્ષ

Appleએ આ સમગ્ર મામલાને માત્ર 'આઇસબર્ગની ટોચ' એટલે કે એક મોટી સાજિશની નાની શરૂઆત ગણાવ્યો છે. Appleનું કહેવું છે કે OpenAIનો નવો હાર્ડવેર બિઝનેસ સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચોરી કરાયેલા સિક્રેટ્સના પાયા પર ટકેલો છે.

બીજી તરફ, આ વિવાદ સામે OpenAIના પ્રવક્તાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, તેમની કંપનીને અન્ય કોઈ કંપનીના ટ્રેડ સિક્રેટ્સમાં કોઈ રસ નથી. OpenAIનું એકમાત્ર ધ્યાન એવી ઇનોવેટિવ ટેકનોલોજી બનાવવા પર છે જે વિશ્વભરના લોકોને સશક્ત કરી શકે. જોકે, નિષ્ણાતોના મતે આ મામલો કોર્ટમાં લાંબો ખેંચાઈ શકે છે અને તેની અસર સમગ્ર AI ઉદ્યોગ પર પડશે.