Get The App

દુનિયાનું પ્રથમ ન્યૂક્લિયર ડસ્ટબિન તૈયાર, એક લાખ વર્ષ સુધી લીક નહીં થાય પરમાણુ કચરો

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
દુનિયાનું પ્રથમ ન્યૂક્લિયર ડસ્ટબિન તૈયાર, એક લાખ વર્ષ સુધી લીક નહીં થાય પરમાણુ કચરો 1 - image

Nuclear Waste Dust Bin: વિજ્ઞાનીઓ વિશ્વનું સૌપ્રથમ એવું અદ્ભુત ડસ્ટબિન બનાવવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છે, જ્યાં ખતરનાક પરમાણુ કચરો નાખવામાં આવશે અને ત્યારબાદ તેને આગામી એક લાખ વર્ષો માટે સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે. આ લાંબી અવધિ દરમિયાન રેડિયોએક્ટિવ પદાર્થોનું ક્ષરણ થશે અને તે લગભગ એ જ સ્થિતિમાં આવી જશે, જે સ્થિતિમાં જમીનની અંદર કુદરતી યુરેનિયમ જોવા મળે છે.

આ અનોખી પરમાણુ કચરાપેટી દક્ષિણ-પશ્ચિમ ફિનલૅન્ડના યુરાજૌકી ખાતે આવેલા ગીચ જંગલોમાં, જમીનથી 433 મીટરની ઊંડાઈએ તૈયાર કરવામાં આવી છે. અહીં અબજો વર્ષ જૂના ખડકોની અંદર વિશાળ સુરંગો બનાવીને આખો રસ્તો તૈયાર કરાયો છે. આ ડસ્ટબિનમાં વિતેલા દાયકાઓથી પરમાણુ વીજળી બનાવવાના કારણે એકઠા થયેલા ભયાનક રેડિયોએક્ટિવ કચરાને કાયમ માટે ધરબી દેવાની તૈયારીઓ ચાલી રહી છે.

ખરેખર ક્યાંથી આવે છે આ પરમાણુ કચરો?

દુનિયાભરમાં કાર્યરત દરેક પરમાણુ પાવર પ્લાન્ટમાંથી એવો કચરો નીકળે છે, જે હજારો વર્ષો સુધી અત્યંત રેડિયોએક્ટિવ રહે છે અને માનવજાત તેમજ પ્રકૃતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગયા સદીના છઠ્ઠા દાયકામાં (1950-60ના સમયગાળામાં) જ્યારે વિશ્વમાં પરમાણુ પ્લાન્ટ્સ શરૂ થયા, ત્યારથી જ તમામ દેશો આ પરમાણુ કચરાનો સુરક્ષિત નિકાલ કરવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધી આ ન્યુક્લિયર વેસ્ટના મોટાભાગના હિસ્સાને ઠંડો કરવા માટે કામચલાઉ ધોરણે પાણીના વિશાળ પૂલમાં રાખવામાં આવે છે, પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નહોતો.

ફિનલૅન્ડ લાવ્યું દુનિયાનો પ્રથમ કાયમી ઉકેલ

આ વૈશ્વિક સમસ્યા વચ્ચે ફિનલૅન્ડે વિશ્વને એક નવો રસ્તો ચીંધ્યો છે. આશરે 1.9 અબજ વર્ષ જૂના મજબૂત ખડકોમાં સુરંગો બનાવીને તૈયાર કરવામાં આવેલું 'ઓનકોલો' દુનિયાનું સૌપ્રથમ એવું કાયમી ડસ્ટબિન બનવા જઈ રહ્યું છે, જ્યાં પરમાણુ કચરો હંમેશા માટે સુરક્ષિત રહેશે. ફિનલૅન્ડની પરમાણુ સુરક્ષા એજન્સી ચાલુ મહિને જ આ પ્રોજેક્ટને આખરી મંજૂરી આપવાની છે, જે બાદ તેના સંચાલન માટેનું સત્તાવાર લાઇસન્સ પણ જાહેર કરી દેવાશે.

આ ન્યુક્લિયર પ્લાન્ટ ઓપરેટ કરતી કંપની ટીવીઓના મુખ્ય કાર્યકારી અધિકારી ફિલિપ બોર્ડારિયરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "અમને આશા છે કે અમે આ વર્ષના અંત સુધીમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં અહીં કચરો સંગ્રહિત કરવાનું કામ સત્તાવાર રીતે શરૂ કરી દઈશું."

આ રીતે કચરાને રખાશે સુરક્ષિત: અદ્ભુત ટેકનિક

આ સમગ્ર પ્રક્રિયા અત્યંત જટિલ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કરશે:

તાંબાના કન્ટેનર: સૌથી પહેલા જમીનની ઉપર પરમાણુ કચરાના સળિયાને શુદ્ધ તાંબામાંથી બનેલા જાડા અને કાટ-મુક્ત બોક્સમાં એરટાઇટ બંધ કરવામાં આવશે.

ભૂગર્ભ સુરંગો: આ ભારેખમ બોક્સને જમીનથી 433 મીટર નીચે લઈ જઈને સુરંગના તળિયે ખાસ ખોદવામાં આવેલા ખાડાઓમાં ઉતારવામાં આવશે.

બેન્ટોનાઇટ ક્લેનું પ્રોટેક્શન: કન્ટેનર અંદર મૂક્યા બાદ આ ખાડાઓને 'બેન્ટોનાઇટ' નામની ચીકણી માટીથી ભરી દેવામાં આવશે. આ એક એવું કુદરતી ખનિજ છે જે પાણીના સંપર્કમાં આવતા જ ફૂલી જાય છે અને પથ્થર જેવી અત્યંત મજબૂત સીલ તૈયાર કરે છે, જેથી કોઈ પણ લીકેજની શક્યતા ન રહે.

આ પણ વાંચો: Appleએ બહાર પાડ્યું નવું iOS અપડેટ: આઇફોન યુઝર્સની સૌથી મોટી ચાર્જિંગ સમસ્યા હવે મિનિટોમાં થશે દૂર

6500 ટન કચરો સંગ્રહવાની ક્ષમતા

આ વિશાળ ભૂગર્ભ ડસ્ટબિનમાં અંદાજે 6,500 ટન યુરેનિયમ કચરો રાખવાની ક્ષમતા છે. આ કેપેસિટી ફિનલૅન્ડના તમામ પાંચ પરમાણુ રિએક્ટરોમાંથી નીકળતા કચરાને સમાવવા માટે પૂરતી છે. વિજ્ઞાનીઓની યોજના મુજબ અહીં આગામી 100 વર્ષ સુધી ન્યુક્લિયર વેસ્ટ જમા કરવામાં આવશે અને ત્યારપછી આ ડસ્ટબિનને હંમેશા માટે કાયમી ધોરણે લોક કરી દેવામાં આવશે.