Science & Technology

ઇન્સ્ટામાં AIનો સામનો, સાથે વીડિયો ક્રિએશન સહેલું

By GS Team
6 Sep 20266 mins read
TukuTouch Logo
ઇન્ટરનેટ પર AI આધારિત 'સ્લોપ' કન્ટેન્ટનો રાફડો ફાટ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર AI જનરેટેડ પ્રોફાઇલને હવે સ્પષ્ટ લેબલ મળશે, જેથી અસલી-નકલીનો ભેદ પારખી શકાય. લેબલ નહીં લગાવનાર પ્રોફાઇલની પહોંચ મર્યાદિત કરાશે. આઇફોન યુઝર્સ માટે રીલ્સ બનાવવાનું સરળ બન્યું છે. ઇન્સ્ટાગ્રામના 'ફર્સ્ટ ડ્રાફ્ટ' ફીચરથી 10 સેકન્ડમાં વીડિયોનો ડ્રાફ્ટ તૈયાર થશે, જે AIની મદદથી ક્લિપ્સને ગોઠવી બિનજરૂરી ભાગ કાપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્સ્ટામાં AIનો સામનો, સાથે વીડિયો ક્રિએશન સહેલું
  • સોશિયલ મીડિયામાં ચારે તરફ એઆઈ સ્લોપનો રાફડો ફાટ્યો છે ત્યારે…

આજકાલ ઇન્ટરનેટ પર ‘એઆઇ સ્લોપ’ અથવા ફક્ત ‘સ્લોપ’ શબ્દ બહુ ગાજી રહ્યો છે - બધી રીતે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી જનરેટ કરવામાં આવતું વિવિધ પ્રકારનું કન્ટેન્ટ - ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો વગેરે બધું જ - ‘એઆઇ સ્લોપ’ તરીકે ઓળખાય છે.
પરંપરાગત ડિક્શનરીઓ મુજબ ‘વધેલા આહાર કે કોઈ પાત્રમાં પાણી નીતર્યા પછી વધેલો કદડો એટલે સ્લોપ’!
ઇન્ટરનેટ પર એ જ અર્થમાં સ્લોપ શબ્દનો ઉપયોગ થાય છે - એવું કન્ટેન્ટ કે મીડિયા જેમાં લગભગ બકવાસ છે, જેને કોઈ મહેનત વિના, એઆઇની મદદથી ફટાફટ જનરેટ કરવામાં આવે છે, જેમાં કોઈ એફર્ટ, ક્રિએટિવિટી કે એક્સપર્ટની ઇન્સાઇટ નથી! તમે એ જુઓ કે ન જુઓ, કોઈ ફેર ન પડે, છતાં એમાં કંઈક એવું ખેંચાણ હોય કે તમે એ પ્રકારનું કન્ટેન્ટ જોતા જ રહો.
હા, એવું કોઈ કન્ટેન્ટ હોય જે જોઈને બે ઘડી મન ખુશ થઈ જાય કે કંઈક ઉપયોગી જાણવા મળે તો એનો કંઇક અર્થ સર્યો ગણાય, પણ મોટા ભાગના એઆઇ-જનરેટેડ કન્ટેન્ટમાં એવી સાર્થકતા જોવા મળતી નથી - બસ, જુઓ અને ભૂલી જાઓ.
તકલીફ એ છે કે ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં અને જુદી જુદી વેબસાઇટ્સ પર ‘એઆઇ સ્લોપ’નું પ્રમાણ તેજ ગતિએ વધી રહ્યું છે.
એનાં બે કારણ છે, એક આવું કન્ટેન્ટ જનરેટ કરવું હવે બહુ સહેલું છે (જેને વિધિ આવડે તેને માટે) - કોઈ પણ એઆઇ ટૂલ પકડો, એને પ્રોમ્પ્ટ આપો એટલે તમે કહો એવી ટેક્સ્ટ, ઇમેજ કે વીડિયો તૈયાર - આંખના પલકારામાં.
બીજું કારણ એ છે કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું આખું તંત્ર ક્વોલિટી પર ઓછું ને કવોન્ટિટી પર વધુ ચાલે છે. એઆઇ સ્લોપ જનરેટ કરવામાં અને શેર કરવામાં કોઈ મહેનત જ નથી એટલે ઇન્ટરનેટ પર બધે જ એ પ્રકારના, લગભગ અર્થહિન કન્ટેન્ટનો રાફડો ફાટ્યો છે. જોકે હવે વિવિધ સોશિયલ પ્લેટફોર્મ મને-કમને તેની સામે કેટલાંક પગલાં લઈ રહ્યાં છે.

AI ક્રિએટેડ પ્રોફાઈલ ઓળખવા હવે વધુ સહેલા બનશે
આજકાલ સૌથી વધુ પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ પર એઆઇ જનરેટેડ કન્ટેન્ટનું આક્રમણ જબરદસ્ત હદે વધી ગયું છે. હજી હમણાં સુધી કોઈ કન્ટેન્ટ એઆઇ જનરેટેડ હોય તો આપણે એ જાણી શકતા હતા, પરંતુ પાછલા કેટલાક સમયથી આ પ્રકારના કન્ટેન્ટમાં અસલી નકલીનો ભેદ પારખવો મુશ્કેલ બનવા લાગ્યો છે!
લોકો માટે એઆઇની મદદથી સોશિયલ મીડિયા કન્ટેન્ટ જનરેટ કરવાનું એટલું સહેલું બનવા લાગ્યું છે કે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર સંખ્યાબંધ પ્રોફાઇલ એવા છે જેમાં બધું જ એઆઇ જનરેટેડ હોય છે. લોકોને કોઈ કન્ટેન્ટમાં રસ પડે, પછી તેમને ખબર પડે કે તેઓ જેને જીવતાજાગતા માણસ માનતા હતા એ ખરેખર તો એઆઇ જનરેટેડ પર્સોના છે! હવે ઇન્સ્ટાગ્રામ પોતે સ્વીકારે છે કે આવી સ્થિતિ લોકોને ગમતી નથી. એ કારણે ઇન્સ્ટાગ્રામે એઆઇ જનરેટેડ પ્રોફાઇલને સ્પષ્ટપણે તે એઆઇ જનરેટેડ છે એવું લેબલ લગાવવાનું શરૂ કર્યું છે. અગાઉ આ પ્રકારના પ્રોફાઇલમાં ‘એઆઇ ક્રિએટર’ એવું લેબલ જોવા મળતું હતું પરંતુ તેનાથી બધું કન્ટેન્ટ એઆઇ જનરેટેડ છે એવી સ્પષ્ટતા થતી નહોતી.
હવે જે એકાઉન્ટમાં એઆઇ જનરેટેડ પર્સન જોવા મળશે તે એકાઉન્ટ માટે ઇન્સ્ટાગ્રામ પોતે કન્ટેન્ટ ક્રિએટરનું ધ્યાન દોરશે કે તેમણે તેમના પ્રોફાઇલમાં ‘એઆઇ લેબલ’ ઉમેરવું જરૂરી છે.
ઇન્સ્ટાગ્રામ એવી પણ સ્પષ્ટતા કરે છે કે એઆઇ જનરેટેડ પર્સન્સ ધરાવતા જે પ્રોફાઇલમાં આવું લેબલ લગાવવામાં આવશે નહીં તે પ્રોફાઇલની ઇન્સ્ટાગ્રામ પર પહોંચ મર્યાદિત કરી દેવામાં આવશે. આવા એકાઉન્ટના પ્રોફાઇલ અને કન્ટેન્ટ નોન-ફોલોઅર્સને બિલકુલ બતાવવામાં આવશે નહીં.
હા, સાથે એવી ચોખવટ છે કે કન્ટેન્ટ ક્રિએટર માનતા હોય કે તેમનો પ્રોફાઇલ એઆઇ જનરેટેડ નથી તો તેઓ ઇન્સ્ટાગ્રામને રિવ્યૂ માટે અપીલ કરી શકે છે.

રીલનો 'ફર્સ્ટ ટ્રાફટ' હવે સેકન્ડ્સમાં તૈયાર
અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ કે ફેસબુક જેવા કોઈ પ્લેટફોર્મ પર કોઈ અસલી વ્યક્તિનો વીડિયો જોઇએ ત્યારે મોટા ભાગે એ વીડિયો તૈયાર કરવા પાછળ કેટલી મહેનત લાગી હશે તેનો આપણને અંદાજ આવતો નથી.
આવો વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ કે યુટ્યૂબ શોર્ટ્સ માટેનો હોય તો તે માંડ એકાદ મીનિટ લાંબો હોય પરંતુ તેને માટે શુટિંગ એક મીનિટથી વધુ સમયનું થયું હોય. આખો વીડિયો એક સાથે શૂટ થયો હોય તો પણ કોઈને કોઈ તબક્કે વીડિયોમાંની વ્યક્તિ બોલવામાં કંઈક ગફલત કરે એટલે તેણે અટકીને ગફલતવાળો ભાગ નવેસરથી શૂટ કરવો પડે. ક્યારેક એવું પણ બને કે રીલ માટેનો આખો વીડિયો એક સાથે શૂટ કરવાને બદલે નાના નાના ભાગમાં જ શૂટ કરવામાં આવે અને પછી બધું એક સાથે જોડી દેવામાં આવે.
ટૂંકમાં વીડિયો ભલે નાનો હોય, તેનું ક્રિએશન તથા એડિટિંગ લાંબું અને કડાકૂટભર્યું કામ હોય છે, જે આપણી નજરમાં આવતું નથી.
હવે વાત સહેલી બનશે
ઇન્સ્ટાગ્રામ હવે આખી વાતને વધુ સહેલી બનાવશે - કન્ટેન્ટ ક્રિએટર્સ માટે. ઇન્સ્ટાગ્રામમાં ‘ફર્સ્ટ ડ્રાફ્ટ’ નામે એક નવું એડિટિંગ ફીચર લોન્ચ થયું છે જે વિવિધ નાની નાની વીડિયો ક્લિપ્સ એકમેક સાથે જોડીને આપોઆપ વીડિયોનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કરી આપે છે. આપણે ફક્ત સિસ્ટમને જુદી જુદી ક્લિપ્સ આપવાની. એ પછી આ બધી ક્લિપ્સનું મેન્યુઅલ એડિટિંગ કરવાની જરૂર નથી. ફીચર પોતે ક્લિપ્સમાંના બિનજરૂરી ભાગ કાપી નાખે છે, ક્લિપ્સમાંની કી મોમેન્ટ્સ પોતાની રીતે પારખી લે છે અને પછી બધું ભેગું કરીને નવો, એક ક્લિપનો ડ્રાફ્ટ તૈયાર કરી આપે છે. જેને આપણે ઇચ્છા મુજબ વધુ એડિટ કરી શકીએ. આ બધું કામ માંડ ૧૦ સેકન્ડના સમયમાં થઈ જાય છે!
અત્યારે આ સુવિધા ફક્ત આઇફોનમાંની ઇન્સ્ટાગ્રામ એપમાં ઉપલબ્ધ થઈ છે. તેનો લાભ લેવા માટે આપણે હાલના રીલ્સ ક્રિએશન ફ્લોને અનુસરવાનું રહે છે.
સૌથી પહેલાં, ઇન્સ્ટાગ્રામ એપમાં ક્રિએટ માટેના પ્લસ આઇકન પર ટેપ કરીને રીલ પર ટેપ કરવાનું રહે છે.
એ પછી આપણી ગેલેરીમાંથી એક કે વધુ ક્લિપ્સ પસંદ કરીને ‘નેક્સ્ટ’ બટન ટેપ કરવાનું.
અહીં ‘ફર્સ્ટ ડ્રાફ્ટ’નો વિકલ્પ મળશે. તેને ટેપ કર્યા પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી!
સિસ્ટમ આપમેળે દસેક સેકન્ડમાં પહેલો ડ્રાફ્ટ તૈયાર કરી આપશે.
આપણે ઇચ્છીએ તો ‘શેર’ બટન ટેપ કરીને તેને સીધેસીધો પોસ્ટ કરી શકીએ અથવા ‘નેકસ્ટ’ બટન ટેપ કરીને ફુલ એડિટર ઓપન કરીને એ પહેલા ડ્રાફ્ટને આપણી મરજી મુજબ વધુ એડિટ કરી શકીએ.
અહીં આપણે ધારીએ તે ફેરફાર કરી શકીએ. ક્લિપને ડ્રેગ અને મૂવ કરીને નવી પોઝિશન પર લઇ જઇ શકીએ.
કોઈ ક્લિપને ડિલીટ કરી શકીએ, ઓડિયો પર ટેપ કરીને નવો ઓડિયો ઉમેરી શકીએ. તેમ જ ક્લિપ્સને વધુ ટ્રીમ કરી શકીએ, ટેકસ્ટ ઉમેરી શકીએ કે વિવિધ પ્રકારની ઇફેક્ટ ઉમેરી શકીએ.
આપણે ઇચ્છીએ તો અગાઉ શૂટ કરેલી ક્લિપ્સને બદલે કેમેરા ઓપન કરીને નવી રીલ રેકોર્ડ કરી શકીએ. આપણે ફક્ત ‘રેકોર્ડ’ બટન ટેપ કરીને રેકોર્ડિંગ શરૂ કરવાનું, રેકોર્ડિંગ બંધ કરવા માટે ફરી રેકોર્ડ બટન ટેપ કરવાનું, તેમાં ઇચ્છીએ તો ગેલેરીમાંથી કોઈ વીડિયો પણ ઉમેરી શકીએ. અહીંથી આગળ વધીને ફરી ‘નેકસ્ટ’ ટેપ કરતાં ‘ફર્સ્ટ ડ્રાફ્ટ’ તૈયાર કરવાનો ઓપ્શન મળે!
એ ખાસ નોંધવા જેવું છે કે આપણી ક્લિપ્સને એકમેક સાથે યોગ્ય રીતે ગોઠવવા કે તેમાં જરૂરી ફેરફાર કરવા માટે આ ફીચર પોતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરે છે, પરંતુ આપણે આપેલા વીડિયોના પ્રોસેસિંગ પૂરતો જ એઆઇનો ઉપયોગ થાય છે. ‘ફર્સ્ટ ડ્રાફ્ટ’ ફીચર પોતે જનરેટિવ એઆઇનો ઉપયોગ કરીને નવું કોઈ વીડિયો ક્રિએશન કરતું નથી.