Explainer: હવે વાહનો રસ્તામાં એકબીજા સાથે ‘વાતચીત’ કરીને અકસ્માત નિવારશે! જાણો શું છે માર્ગ સુરક્ષાની V2V ટેક્નોલોજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

V2V Technology in India: ભારતીય રસ્તા પર મુસાફરી કરતી વખતે સામેથી કે વળાંક પરથી આવતું જોખમ ઘણીવાર નજરે પડતું નથી. હવે કલ્પના કરો કે આવા માહોલમાં કોઈ દુર્ઘટના બને એ પહેલાં જ તમારું વાહન તમને આગામી અકસ્માત કે સંભવિત જોખમ વિશે ચેતવણી આપી દે તો? ભારત સરકાર હવે ઓટોમોટિવ સેફ્ટી ક્ષેત્રે એક અતિ-આધુનિક યુગની શરૂઆત કરવા જઈ રહી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH- Ministry of Road Transport and Highways) દ્વારા સેન્ટ્રલ મોટર વાહન નિયમો, 1989 માં સુધારાનો પ્રસ્તાવ મૂકી 'વાહનથી વાહન' (Vehicle-to-Vehicle - V2V) સિસ્ટમને દેશમાં તબક્કાવાર રીતે ફરજિયાત કરવાની સૂચના આપી દેવાઈ છે, જે 2028 થી સંપૂર્ણપણે અમલી બનશે.
V2V સિસ્ટમ શું છે, તે કેવી રીતે કામ કરે છે?
V2V સિસ્ટમ સેલ્યુલર નેટવર્ક (SIM Cards) પર નિર્ભર રહેતી નથી; તે VANET (Vehicular Ad-hoc Network) ના માધ્યમથી કામ કરે છે.
- નોડ્સ (Nodes) તરીકે વાહનો: રસ્તા પર ચાલતું દરેક વાહન આ નેટવર્કમાં એક સક્રિય 'નોડ' તરીકે કામ કરે છે.
- બેઝિક સેફ્ટી મેસેજ (BSM): દરેક વાહન એક સેકન્ડમાં આશરે 10 વખત (10 Hz) તેના લોકેશન, સ્પીડ, એક્સેલરેશન (પ્રવેગ) અને ડાયરેક્શન (દિશા)નો ડેટા નજીકના વાહનોને ટ્રાન્સમિટ કરે છે.
- કવરેજ લિમિટ: આ સિગ્નલ 300 મીટર સુધીની ત્રિજ્યામાં કામ કરે છે અને મકાનો, મોટી ટ્રકો કે ગાઢ ધુમ્મસ જેવા ભૌતિક અવરોધોની આરપાર પણ પહોંચી શકે છે.
- સુરક્ષિત મુસાફરીઃ એકબીજાની નજીક ચાલતા વાહનો વાયરલેસ માધ્યમથી એકબીજા સાથે સતત રિયલ-ટાઇમ ડેટા શેર કરતા રહેતા હોવાથી ડ્રાઇવરને નહીં દેખાતા વાહનો અને સંભવિત જોખમો વિશે સમયસર ચેતવણી મળી જાય છે, જેથી અકસ્માતો અટકાવી શકાય છે અને મુસાફરી વધુ સુરક્ષિત બને છે.
ADAS અને V2V વચ્ચેનો મુખ્ય તફાવત
ઘણાં લોકોને V2V અને ADAS (Advanced Driver Assistance Systems) એક સરખા લાગે છે, પરંતુ બંનેમાં મોટો તફાવત છે.
- ADAS (પરંપરાગત સિસ્ટમ): ADAS કેમેરા, રડાર અને અલ્ટ્રાસોનિક સેન્સર પર નિર્ભર છે. તે ફક્ત ડ્રાઇવરની 'લાઇન ઓફ સાઇટ' (દૃષ્ટિ મર્યાદા) માં હોય તેવા જ જોખમો શોધી શકે છે.
- V2V (આધુનિક સિસ્ટમ): તે નોન-લાઇન-ઓફ-સાઇટ (NLOS) ટેક્નોલોજી છે. ભૌતિક અવરોધો જેમ કે મોટી ટ્રક, ધુમ્મસ કે મકાનોની આરપાર પણ આ સિગ્નલો પહોંચી શકે છે.
ઉદાહરણ: આગળ ચાલી રહેલા વાહને અચાનક બ્રેક મારી હોય, સામેથી કોઈ વાહન રોંગ સાઇડમાં આવી રહ્યું હોય કે વળાંક પર આગળનું વાહન દેખાતું ન હોય, ત્યારે V2V ડ્રાઇવરને પહેલેથી જ એલર્ટ આપી દેશે.
AIS-230 સ્ટાન્ડર્ડની ટેકનિકલ વિગતો
AIS-230 એ ભારતીય રસ્તા પર ઉપયોગમાં લેવાતી V2V ટેક્નોલોજી માટેનું નવું ટેકનિકલ માળખું છે. તે ફેક્ટરીમાં સ્થાપિત થતા 'ઓન-બોર્ડ યુનિટ્સ' (OBU) માટે સાયબર સુરક્ષા, પાવર સપ્લાય, GNSS પોઝિશનિંગ અને રેડિયો પરફોર્મન્સના ધોરણો નક્કી કરે છે.
- ફ્રિક્વન્સી અને સ્પેક્ટ્રમ: આ ટેક્નોલોજી Cellular Vehicle-to-Everything (C-V2X) પર કામ કરશે, જેના માટે 5.875 GHz થી 5.925 GHz ની ફ્રીક્વન્સી બેન્ડ નક્કી કરાઈ છે. દૂરસંચાર વિભાગે 10 જૂન 2026 ના રોજ ગઝેટ નોટિફિકેશન G.S.R. 466(E) દ્વારા આ ફ્રીક્વન્સીને લાઇસન્સ મુક્ત કરી દીધી છે.
- મુખ્ય સેફ્ટી ફીચર્સ: આમાં ઇમરજન્સી બ્રેક વોર્નિંગ, ફોરવર્ડ કોલાઇઝન (આગળની અથડામણ) વોર્નિંગ, રોંગ-વે ડ્રાઇવિંગ વોર્નિંગ અને ઇમરજન્સી વ્હીકલ વોર્નિંગનો સમાવેશ થાય છે.
અમલીકરણ માટેનો રોડમેપ
મંત્રાલય દ્વારા ટુ-વ્હીલર્સ, પેસેન્જર ગાડીઓ અને કોમર્શિયલ વાહનો (L, M, અને N શ્રેણી) માટે તબક્કાવાર યોજના તૈયાર કરવામાં આવી છે.
- 1 ઓક્ટોબર 2027થી: V2V સિસ્ટમ ધરાવતા વાહનો માટે AIS-230 ધોરણનું પાલન કરવું જરૂરી રહેશે.
- 1 ઓક્ટોબર 2028થી: ઉત્પાદિત થતા તમામ નવા વાહનોમાં AIS-230 અનુરૂપ V2V કોમ્યુનિકેશન સિસ્ટમ હોવી સંપૂર્ણપણે ફરજિયાત રહેશે.
V2V થી V2X સુધી
V2V એ ભવિષ્યમાં V2X (Vehicle-to-Everything) ના નિર્માણ તરફનું પ્રથમ પગલું છે. આગળ જતાં આ સિસ્ટમ V2I (Vehicle-to-Infrastructure) સાથે જોડાશે, જેથી ટ્રાફિક સિગ્નલ વાહનને જણાવશે કે લીલી લાઇટ થવામાં કેટલી સેકન્ડ બાકી છે, તથા V2P (Vehicle-to-Pedestrian) દ્વારા સ્માર્ટવોચ કે ફોન ધરાવતા પદયાત્રીઓની જાણકારી વાહનને આપમેળે મળી જશે.
V2X સામે રહેલા પડકાર
- સાયબર સિક્યુરિટી: વાહનોનું નેટવર્ક હેક ન થાય કે ખોટા મેસેજ (Spoofing) મોકલીને અકસ્માત ન સર્જાય તે માટે AIS-230 માં કડક એન્ક્રિપ્શન જરૂરી બનશે.
- ડેટા પ્રાઇવસી: રિયલ-ટાઇમ લોકેશન ટ્રેકિંગને કારણે વાહનચાલકોની પ્રાઇવસી જાળવવી મોટો પ્રશ્ન રહેશે.
- જૂના વાહનો (Legacy Vehicles): 2028 પછીના નવા વાહનો માટે નિયમ સ્પષ્ટ છે, પરંતુ રસ્તા પર ચાલી રહેલા કરોડો જૂના વાહનોમાં આ ટેક્નોલોજી Retrofit (પાછળથી સ્થાપિત) કરવી પડકારજનક રહેશે.
ભારતીય રસ્તા અકસ્માત-મુક્ત બનશે
સરકારના ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ (ITS) ટાસ્ક ફોર્સની ભલામણ અને 'સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ - ટેકનિકલ સ્ટેન્ડિંગ કમિટી' ની 7 મે 2026ના રોજ યોજાયેલી 56મી બેઠકમાં સ્વીકારાયેલા આ ધોરણો ભારતીય રસ્તાઓને સ્માર્ટ અને અકસ્માત-મુક્ત બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. હાલમાં 30 દિવસના જાહેર પરામર્શ બાદ મંત્રાલય આ અંગે આખરી સૂચના જારી કરશે.









