Science & Technology

Explainer: ગૂગલ Firebaseનો દુરુપયોગ, 'God Mode' વાયરસ અને ખાલી થતા બેંક એકાઉન્ટ... જાણો સાયબર ફ્રોડના આ નવા ટ્રેન્ડની પૂરી કહાની

By GS Team
22 Aug 20265 mins read
TukuTouch Logo
સાયબર ઠગાઈની નવી રીતો સામે આવી છે, જેમાં ઠગો ગૂગલના Firebase પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ નકલી બેંક અને સરકારી એપ્સ દ્વારા લોકોના ફોનનો કંટ્રોલ લઈ સંવેદનશીલ ડેટા ચોરી રહ્યા છે. I4Cએ 57 વેબસાઇટ્સ બંધ કરાવી છે. હવે ગૂગલને શંકાસ્પદ લિંક્સ 3 કલાકમાં બ્લોક કરવાનો આદેશ છે. સાવચેત રહેવા 1930 પર જાણ કરો.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ગૂગલ Firebaseનો દુરુપયોગ, 'God Mode' વાયરસ અને ખાલી થતા બેંક એકાઉન્ટ... જાણો સાયબર ફ્રોડના આ નવા ટ્રેન્ડની પૂરી કહાની

Beware of silent digital traps: આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈ કરવાની રીતો દરરોજ બદલાઈ રહી છે. સાયબર ગુનેગારો હવે માત્ર ફોન કૉલ, ફેક SMS કે નકલી બેંક વેબસાઇટ પૂરતા સીમિત નથી રહ્યા. હવે તેઓ એવી અત્યાધુનિક ટેક્નિકોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના દ્વારા તેઓ સીધા જ પીડિતના સ્માર્ટફોનનો પૂરેપૂરો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે. તાજેતરમાં જ ગૂગલ Firebase પ્લેટફોર્મના દુરુપયોગને લગતો આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

I4Cની મોટી કાર્યવાહી અને 57 વેબસાઇટ્સ પર પ્રતિબંધ

સાયબર એટેકના આ વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ગૂગલને Firebase પર રહેલા સેંકડો શંકાસ્પદ એકાઉન્ટ્સ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયન સાયબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C)એ ઓગસ્ટ મહિનામાં જ ગૂગલને નોટિસ મોકલીને Firebase પર હોસ્ટ કરવામાં આવેલી ઓછામાં ઓછી 57 વેબસાઇટ અને ડેટાબેઝ હટાવવા માટે આદેશ આપ્યો હતો.

  • આમાંની કેટલીક વેબસાઇટ્સ SBI, ICICI Bank અને Axis Bank જેવી મોટી બેંકોની આબેહૂબ નકલ કરતા ફિશિંગ પેજ હતા.
  • I4Cના જણાવ્યા અનુસાર, સાયબર ઠગ લોકોને ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ અથવા ક્રેડિટ લિમિટ વધારવાની લાલચ આપીને નકલી એપ ડાઉનલોડ કરાવે છે. આ એપ્સ ફોનમાં રહેલી સંવેદનશીલ માહિતી સુધી પહોંચી જાય છે.
  • એક રિપોર્ટ મુજબ, સરકારે Firebaseના દુરુપયોગની એક આખી પેટર્ન પકડી છે, જેમાં નકલી બેંકિંગ અને PM-KISAN જેવી સરકારી એપ્સ દ્વારા લોકોની અંગત માહિતી ચોરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

ગૂગલ Firebase શું છે અને ઠગ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે?

ગૂગલ Firebase એ ગુગલનું એક ક્લાઉડ-બેઝ્ડ એપ અને વેબસાઇટ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ છે. દુનિયાભરના ડેવલપર્સ તેનો ઉપયોગ એપ્સ બનાવવા, બેકએન્ડ ડેટાબેઝ મેનેજ કરવા અને હોસ્ટિંગ માટે કરે છે. પરંતુ હવે સાયબર ઠગોએ આ જ પ્લેટફોર્મનો ઉપયોગ ગુનાખોરી માટે શરૂ કરી દીધો છે.

ઠગાઈની નવી પેટર્ન:

  1. ફિશિંગ પેજ: ઠગ Firebaseના ફ્રી પ્લાન અને પાવરફુલ ડેટાબેઝ ફીચર્સનો ફાયદો ઉઠાવીને SBI, ICICI કે Axis Bankના હૂબહૂ નકલી પેજ બનાવે છે.
  2. મેલવેર ઇન્સ્ટોલેશન: નકલી એપ અથવા લિંક દ્વારા લોકોના ફોનમાં મેલવેર (વાયરસ) ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે.
  3. ડેટા ટ્રાન્સફર: જેવું યુઝર પોતાના ફોનમાં એપ નાખે છે અને કોઈ માહિતી દાખલ કરે છે, તે તમામ ડેટા OTP સહિત સીધો જ સાયબર ઠગોએ Firebase પર બનાવેલા બેકએન્ડ ડેટાબેઝમાં ટ્રાન્સફર થઈ જાય છે.

નોંધનીય છે કે ઓગસ્ટમાં હટાવવા માટે ચિહ્નિત કરાયેલી 57 સાઇટ્સમાંથી 7 સંપૂર્ણપણે ભારતીય બેંકોની નકલ હતી, જ્યારે બાકીના ડેટાબેઝનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની વિગતો અને OTP મેળવવા માટે થતો હતો. અત્રે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ઠગાઈ માટે ગૂગલ કે Firebase જવાબદાર નથી, તેમના પ્લેટફોર્મનો માત્ર દુરુપયોગ થઈ રહ્યો છે.

અસલી અને નકલી વેબસાઇટ વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો?

આજના સમયમાં સાયબર ઠગ ફેક વેબસાઇટ્સને અસલી જેવી જ કલર થીમ, લોગો અને ઇન્ટરફેસ સાથે ડિઝાઇન કરે છે. છતાં કેટલીક સાવધાની રાખીને તમે તેને ઓળખી શકો છો:

URL અને ડોમેન નેમ: હંમેશા ડોમેન ચેક કરો. અસલી બેંકનું ડોમેન એકદમ સચોટ હોય છે (જેમ કે, https://www.sbi.co.in). ઠગ હંમેશા સ્પેલિંગમાં ભૂલ રાખે છે અથવા તો .xyz, .top જેવા અસામાન્ય એક્સટેન્શનનો ઉપયોગ કરે છે.

લલચામણી ઓફર: જો વેબસાઇટ પર ભારે છૂટ કે ખોટી હિન્દી-અંગ્રેજી ભાષાનો ઉપયોગ થયેલો દેખાય, તો સાવધાન થઈ જાવ.

અજાણ્યા પેજ પર રીડાયરેક્ટ: ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવા કે રિવોર્ડ પોઈન્ટ કેશ કરવાના બહાને કોઈ અજાણ્યા પેજ પર લઈ જતી લિંક ફેક હોઈ શકે છે.

થર્ડ-પાર્ટી APK: બેંકની વેબસાઇટ પર ગયા પછી જો તમને એપ ડાઉનલોડ કરવા માટે કોઈ અજાણી .apk ફાઇલની લિંક મળે, તો તેના પર ક્યારેય ક્લિક ન કરો. હંમેશા Play Store અથવા App Storeનો જ ઉપયોગ કરો.

Android God Mode મેલવેર: સૌથી મોટો ખતરો

આ વર્ષે માર્ચમાં સરકારે એડવાઇઝરી જારી કરીને Android God Mode જેવા ખતરનાક મેલવેર અંગે એલર્ટ આપ્યું હતું.

પરમિશનનો ખેલ: આ મેલવેર Androidની Accessibility Permissionsનો ખોટો ઉપયોગ કરે છે. તે બેંકિંગ કે સરકારી એપનું રૂપ ધારણ કરીને યુઝર પાસે સંવેદનશીલ પરમિશન માંગી લે છે. એકવાર પરમિશન મળી જાય, એટલે ફોન પર ઠગોનો પૂરો કંટ્રોલ આવી જાય છે.

કામ કરવાની રીત: આ મેલવેર બેંકિંગ એપ ખૂલતાં જ અસલી સ્ક્રીનની ઉપર પોતાની નકલી સ્ક્રીન લગાવી દે છે. યુઝર જે કંઈ પણ ટાઇપ કરે છે, તે બધું જ ટ્રેક થાય છે.

સાઇલેન્ટ OTP ચોરી: ફોનમાં આવતા SMS અને OTPને આ મેલવેર જાતે જ વાંચી લે છે અને ચૂપચાપ Firebase ડેટાબેઝમાં મોકલી આપે છે, જેથી ખાતામાંથી પૈસા કપાઈ જાય તો પણ યુઝરને ખબર પડતી નથી.

સરકારી યોજનાઓ (PM-KISAN)ના નામનો દુરુપયોગ શા માટે?

સાયબર ઠગ હવે બેંકને બદલે PM-KISAN જેવી સરકારી યોજનાઓના નામનો ઉપયોગ વધારે કરે છે. સરકારી યોજનાઓ લોકોનો વિશ્વાસ જીતવા માટેનું સૌથી મોટું 'સોશિયલ એન્જિનિયરિંગ હથિયાર' છે.

લોકો પેમેન્ટ મેળવવા કે સ્ટેટસ ચેક કરવા માટે સરકારી સમજીને સરળતાથી એપ ડાઉનલોડ કરી લે છે. પરંતુ અસલી ખતરો એપ ડાઉનલોડ કર્યા પછી શરૂ થાય છે. ફ્રોડ માત્ર OTP પૂરતો સીમિત નથી રહેતો; આ ફેક એપ્સ તમારા આખા ફોનને હેકર્સ માટે એક ખુલ્લો રસ્તો બનાવી દે છે.

આ નેટવર્કને રોકવું કેમ મુશ્કેલ છે અને 3 કલાકની ડેડલાઇન શું છે?

I4C દ્વારા 57 વેબસાઇટ્સ બંધ કરવાના આદેશ છતાં આ નેટવર્કને રોકવું પડકારજનક છે કારણ કે ક્લાઉડ પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ અને ડેટાબેઝ મફતમાં અને ખૂબ જ ઝડપથી બની જાય છે. એક ડોમેન બંધ થાય તો ગુનેગારો મિનિટોમાં બીજું ડોમેન તૈયાર કરી લે છે.

ગૂગલની ભૂમિકા અને ડેડલાઇન: સરકારની નોટિસ મળ્યા પછી હવે ગૂગલ પાસે આવી શંકાસ્પદ લિંક્સ કે ડેટાબેઝને બ્લોક કરવા માટે માત્ર 3 કલાકનો સમય હોય છે. જો 3 કલાકમાં કાર્યવાહી ન થાય, તો કાયદાકીય રીતે ગૂગલ ને જવાબદાર ઠેરવી શકાય છે. સામે પક્ષે ગૂગલનું કહેવું છે કે તેઓ AIની મદદથી અને I4C સાથે મળીને આવા એકાઉન્ટ્સ બ્લોક કરવા સતત કામ કરી રહ્યા છે.

I4C શું છે અને તેનું કાર્ય શું છે?

I4C એટલે કે Indian Cyber Crime Coordination Centre. તે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એક નોડલ એજન્સી છે.

  • તેની સ્થાપના 5 ઓક્ટોબર, 2018ના રોજ થઈ હતી અને 1 જુલાઈ 2024થી તે ગૃહ મંત્રાલયની 'Attached Office' બની ગઈ છે.
  • તેનો મુખ્ય હેતુ દેશમાં સાયબર ગુનાઓ સામે લડવા અને કાયદો લાગુ કરતી એજન્સીઓ વચ્ચે કોર્ડિનેશન વધારવાનો છે.
  • ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, જાન્યુઆરી 2024 સુધીમાં આ સિસ્ટમ દ્વારા 24.65 લાખથી વધુ ફરિયાદો પર કાર્યવાહી કરીને 8690 કરોડ રૂપિયાથી વધુની રકમ ફ્રોડ થતાં બચાવવામાં આવી છે.
  • કોઈપણ નાણાકીય સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત હેલ્પલાઇન નંબર 1930 પર રિપોર્ટ કરવો.