Musk On Google: ઇલોન મસ્કે દાવો કર્યો છે કે AIની રેસમાં ગૂગલ સૌથી આગળ નીકળી જશે. તેના આ સ્ટેટમેન્ટને કારણે ટેક વિશ્વમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે. તેનું માનવું છે કે ગૂગલ વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રેસમાં પોતાનું આગવું સ્થાન બનાવી સૌથી આગળ નીકળી શકે છે. તેનું આ સ્ટેટમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે મોટી ટેક કંપનીઓ વચ્ચેની સ્પર્ધા ઝડપથી વધી રહી છે.
ગૂગલને કેમ છે મોટો એડવાન્ટેજ?
ઇલોન મસ્ક મુજબ ગૂગલની સૌથી મોટી તાકાત તેનું લાંબા ગાળાનું AIમાં ઇન્વેસ્ટમેન્ટ છે. ગૂગલ છેલ્લા ઘણાં વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહ્યું છે. ખૂબ જ પાવરફુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટોપ ટેલેન્ટ અને અદ્ભુત ડેટા રિસોર્સિસ ગૂગલને અન્ય કંપનીઓથી વધુ આગવું સ્થાન અપાવે છે. તેનું રિસર્ચ યુનિટ ખાસ કરીને DeepMind દ્વારા મશીન લર્નિંગ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ બ્રેકથ્રૂ આપી ચૂકી છે. આ યુનિટ ગૂગલને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટો ટેકનોલોજીકલ સપોર્ટ આપે છે.
માર્કેટમાં છે જોરદાર સ્પર્ધા
ગૂગલની પ્રશંસા છતાં ઇલોન મસ્કે સ્વીકાર્યું કે આ રેસ હજી પૂર્ણ નથી થઈ. OpenAI, Microsoft અને Meta જેવી કંપનીઓ પણ AI ક્ષેત્રમાં આક્રમક રીતે આગળ વધી રહી છે. જોકે ઇલોન મસ્ક અનુસાર જે કંપની વધુ સ્કેલમાં ઇન્વેસ્ટમેન્ટ, કમ્પ્યુટિંગ પાવર અને સતત રિસર્ચ કરતી રહે એ જ આ રેસમાં આગળ નીકળી શકશે. મસ્કના કહેવા અનુસાર આ ક્ષેત્રમાં ગૂગલ હાલમાં ખૂબ જ આગળ છે.
મસ્કને શેની ચિંતા છે?
મસ્કનો દ્રષ્ટિકોણ માત્ર રેસમાં કોણ આગળ રહે એ પૂરતો મર્યાદિત નથી. તે સતત એડવાન્સ AIના જોખમોને લઈને ચિંતા વ્યક્ત કરતો આવ્યો છે. તેનું માનવું છે કે ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી રહે તેમ તેમ એની સલામતી, નિયમન અને એથિકલ ઉપયોગ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
આ પણ વાંચો: મંગળ ગ્રહ પર થયો સૌથી મોટો ખુલાસો: 4 અબજ વર્ષ જૂનું રહસ્ય બહાર, જીવનના સંકેત મળ્યા?
ભવિષ્યને લઈને ઘણી ચિંતા
AI રેસ ઝડપથી બદલાઈ રહી છે અને રોજ નવી નવી ઇનોવેશન સામે આવી રહી છે. મસ્ક ગૂગલને ફ્રન્ટરનર માને છે, પરંતુ આ રેસમાં કોઈ પણ સમયે કોઈ પણ આગળ નીકળી શકે છે. અત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે જે કંપની ઇનોવેશન અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવી શકશે, તે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભવિષ્ય નક્કી કરશે. મસ્કના મત મુજબ ગૂગલ હાલમાં એ કામ ખૂબ જ સારી રીતે કરી રહ્યું છે.


