Get The App

મંગળ ગ્રહ પર થયો સૌથી મોટો ખુલાસો: 4 અબજ વર્ષ જૂના રહસ્યનો ઘટસ્ફોટ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
મંગળ ગ્રહ પર થયો સૌથી મોટો ખુલાસો: 4 અબજ વર્ષ જૂના રહસ્યનો ઘટસ્ફોટ 1 - image
AI Image

Proof Of River On Mars: પૃથ્વીના સૌથી નજીકના ગ્રહ મંગળને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં પહેલાં ક્યારેક જીવન હતું એવા પુરાવા મળી રહ્યા છે. આ ગ્રહ આજે ખૂબ જ સૂકાયેલો અને પથ્થરિયાળ છે, પરંતુ ત્યાં પહેલાં નદીઓનો પ્રવાહ અને વિશાળ તળાવો હતા. આ વાત તમને આશ્ચર્યજનક લાગી શકે, પરંતુ અબજો વર્ષ પહેલાનું આ દ્રશ્ય હવે વૈજ્ઞાનિકોની સામે હકીકત તરીકે આવી રહ્યું છે.

નાસાના પરસેવરન્સ રોવરે RIMFAX ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંગળની સપાટી નીચે દબાયેલી એવી પરતો શોધી કાઢી છે, જે કરોડો વર્ષ પહેલાંના પાણીની સિસ્ટમનો પુરાવો આપે છે. 3.7 થી 4.2 અબજ વર્ષ જૂના મળી આવેલા ડેલ્ટાની શોધથી વૈજ્ઞાનિકો તેના બાયોસિગ્નેચર સુધી પહોંચી ગયા છે, જેની શોધ દાયકાઓથી ચાલી રહી હતી.

ડેલ્ટા એટલે શું?

નદી જ્યારે સમુદ્ર, તળાવ અથવા દરિયામાં મળે છે, ત્યારે તે પોતાની સાથે લાવેલી માટી, રેતી અને અન્ય વસ્તુઓ ત્યાં જ જમા કરે છે. આ જમા થયેલી માટીથી જે નવી જમીન બને છે તેને ડેલ્ટા કહેવામાં આવે છે.

મંગળ પર મળી આવ્યા પ્રાચીન નદીના ડેલ્ટાના અવશેષ

નાસાના પરસેવરન્સ રોવરે મંગળ ગ્રહની સપાટી નીચે પ્રાચીન નદીના ડેલ્ટાના અવશેષો શોધી કાઢ્યા છે. આ શોધ એટલા માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે લગભગ 4 અબજ વર્ષ જૂની છે અને મંગળ પર પાણીના અસ્તિત્વનો અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે.

જમીનથી 115 ફૂટ નીચે છુપાયેલું રહસ્ય

આ શોધ નાસાના રોવરમાં લાગેલા RIMFAX નામના ગ્રાઉન્ડ-પેનેટ્રેટિંગ રડારની મદદથી કરવામાં આવી છે. રિસર્ચર્સના જણાવ્યા મુજબ, જ્યારે રોવર જેઝેરો ક્રેટરના લગભગ 6.1 કિલોમીટર વિસ્તારમાં ફરતું હતું, ત્યારે રડારે સપાટીથી લગભગ 115 ફૂટ (લગભગ 35 મીટર) નીચે ખાસ પ્રકારની ભૂગર્ભ રચનાઓ શોધી કાઢી હતી. આ અવશેષો અને એની રચનાઓ પૃથ્વી પર નદી અને તળાવના સંગમ સ્થાને જોવા મળતી રચનાઓ જેવી જ છે.

જીવનના સંકેતોની વધી આશા

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ડેલ્ટા આશરે 3.7 થી 4.2 અબજ વર્ષ જૂનો છે. UCLAની પ્લેનેટરી વૈજ્ઞાનિક એમિલી કાર્ડરેલીના જણાવ્યા અનુસાર, આ શોધ દર્શાવે છે કે જેઝેરો ક્રેટર ક્યારેક પાણીથી ભરેલું હતું. જ્યાં પાણી હોય ત્યાં જીવનની સંભાવના પણ હોય છે. તેથી વૈજ્ઞાનિકોને આશા છે કે આ પ્રાચીન પરતોની નીચે બાયોસિગ્નેચર એટલે કે પ્રાચીન સૂક્ષ્મજીવોના પુરાવા પણ મળી શકે.

આ પણ વાંચો: ઓઇલ બાદ હવે ઇન્ટરનેટ બ્લોક કરવાની તૈયારીમાં ઈરાન! અંડર સી કેબલ્સ કપાઈ તો દુનિયામાં સર્જાશે ડિજિટલ બ્લેકઆઉટ

મંગળનો પ્રાચીન ઈતિહાસ

આજે મંગળ ગ્રહ ઠંડો અને સૂકો દેખાય છે, પરંતુ અબજો વર્ષ પહેલા પરિસ્થિતિ અલગ હતી. ત્યારે ત્યાંનું વાતાવરણ વધુ ઘન અને તાપમાન ઊંચું હતું, જેના કારણે સપાટી પર પાણી વહેતું હતું. ગયા વર્ષે પણ પરસેવરન્સ રોવરે એક પથ્થરનો નમૂનો લીધો હતો, જેમાં સંભવિત બાયોસિગ્નેચર મળ્યા હતા. નાસાની આ નવી શોધથી એ સાબિત થયું છે કે મંગળ પર ક્યારેક નદીઓ વહેતી હતી અને તળાવો પણ હાજર હતા. હવે વૈજ્ઞાનિકો આ ડેટાનો ઉપયોગ કરીને સમજવાનો પ્રયત્ન કરશે કે મંગળ કેવી રીતે રહેવા યોગ્ય ગ્રહમાંથી સૂકા રણમાં પરિવર્તિત થયો.