Get The App

મોબાઇલ યુઝર્સ માટે ખુશખબર: દરેક સ્માર્ટફોનના સ્ટોરેજમાં કરાશે વધારો, જાણો તેની પાછળનું કારણ

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
મોબાઇલ યુઝર્સ માટે ખુશખબર: દરેક સ્માર્ટફોનના સ્ટોરેજમાં કરાશે વધારો, જાણો તેની પાછળનું કારણ 1 - image

Storage Capacity in Smartphones: સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં હવે ખૂબ જ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. દરેક કંપની હવે તેમના મોબાઇલના બેઝિક સ્ટોરેજમાં વધારો કરવા જઈ રહી છે. એક તરફ મોબાઇલના કમ્પોનેન્ટની કિંમત ખૂબ જ વધી રહી છે. આમ છતાં, તેઓ સ્ટોરેજમાં વધારો કરવા જઈ રહ્યા છે. આ માટે કંપનીના પ્રોફિટ માર્જિનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. 2026માં હવે દરેક કંપની રેમની સાથે સ્ટોરેજમાં પણ વધારો કરી રહી છે. આ માટેનું કારણ છે AI.

સ્ટોરેજનો વધુ ઉપયોગ કરી રહ્યું છે AI

સ્માર્ટફોન આજે ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ નથી રહી. આજે એ ખૂબ પાવરફૂલ AI ટૂલ તરીકે પણ કામ કરી રહ્યું છે. ઓન-ડિવાઇઝ આસિસ્ટન્ટ, રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન, ઇમેજ જનરેશન અને કોઈ પણ વસ્તુને સર્ચ કરવું હોય તો હવે એને લોકલ ડિવાઇઝ પર એટલે કે સ્માર્ટફોન પર જ કરવામાં આવી રહ્યું છે. આ માટે હવે ક્લાઉડનો ઉપયોગ કરવામાં નથી આવતો. એપલ ઇન્ટેલિજન્સ 2.0 અને HarmonyOS AI હવે સ્માર્ટફોનની કામ કરવાની ક્ષમતામાં બદલાવ લાવી રહ્યા છે.

AIનો ઉપયોગ લોકલ ડિવાઇઝ પર કરવાથી થાય છે ઘણાં ફાયદા. એના કારણે AI વધુ સારું પર્ફોર્મ કરી શકે છે. પ્રાઇવસીમાં પણ વધારો થાય છે. આ સાથે જ ઇન્ટરનેટ પર નિર્ભર રહેવાની જરૂર નથી પડતી. જોકે આ માટે યુઝરે એક કિંમત ચૂકવવી પડે છે અને એ છે સ્ટોરેજ. AI મોડલની ફાઇલ, કેશિંગ અને ટેમ્પરરી ડેટા પ્રોસેસિંગ માટે ખૂબ જ મોટી સ્ટોરેજની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર આ ફીચર ડિવાઇઝમાં 60 GB સુધીની જગ્યા રોકી શકે છે. આથી સ્ટોરેજનો ઉપયોગ હવે ફક્ત ફોટો, વીડિયો અને એપ્સને સ્ટોર અને ઇન્સ્ટોલ કરવા પૂરતું નથી રહ્યું. AI પણ હવે સ્ટોરેજનો વધુ ઉપયોગ કરે છે.

કિંમત વધી રહી હોવા છતાં સ્ટોરેજમાં વધારો

સ્માર્ટફોનમાં સ્ટોરેજનું સૌથી મહત્ત્વનું કોમ્પોનેન્ટ NAND ફ્લેશ મેમરી હોય છે. એની કિંમતમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. એના કારણે બ્રાન્ડ તેમની કિંમતમાં વધારો કરે છે અથવા તો તેમની ડિવાઇસ 64 અથવા તો 128 GB રાખે છે. જોકે એ હવે શક્ય નથી. કંપનીઓ હવે AIના વર્કલોડને પહોંચી શકવા માટે સ્ટોરેજ વધારી રહી છે. આથી કોસ્ટનું પ્રેશર હોવા છતાં 2026માં કંપનીઓ સ્ટોરેજને વધારવા જઈ રહી છે.

એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યો ટ્રેન્ડ

માર્કેટમાં આ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એને એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. એપલ દ્વારા iPhone 17માં બેઝ મોડલમાં 128ની જગ્યાએ હવે 256 GB સ્ટોરેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ સ્ટોરેજ એપલ દ્વારા બજેટ iPhone 17eમાં આપવામાં આવી છે. આથી એપલની આ પહેલને કારણે દરેક કંપની હવે એ તરફ વળી છે. આ ફક્ત માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી, પરંતુ પર્ફોર્મન્સ માટેનો પણ એક મોટો બદલાવ છે. એના દ્વારા AI ખૂબ જ સારી રીતે કામ કરશે અને મોબાઇલ પર્ફોર્મ પણ સ્મૂથ કરશે.

એન્ડ્રોઇડ પણ સ્ટોરેજ વધારી રહી છે, પરંતુ ધીમે

એપલ દ્વારા સ્ટોરેજ વધારવામાં આવતાં હવે એન્ડ્રોઇડ પણ આ ટ્રેન્ડને ફોલો કરી રહી છે. કંપનીઓ હવે બેઝ મોડલની સ્ટોરેજ વધારી રહી છે, પરંતુ સિસ્ટમેટિક રીતે. હાઇ-એન્ડ સ્માર્ટફોનમાં આ સ્ટોરેજને વધારી દેવામાં આવી છે. તેઓ વધુ કિંમત ચૂકવતા હોવાથી એ જસ્ટિફાઇ પણ થઈ શકે છે. જોકે બજેટ સ્માર્ટફોનમાં હજી પણ આ સ્ટોરેજને ધીમે-ધીમે વધારવામાં આવી રહી છે. દરેક મોબાઇલમાં એની અસર જોવા નથી મળી.

આ પણ વાંચો: ચીનનો આ રોબોટ સર્જરીમાં ડોક્ટરને પણ પાછળ છોડે છે, જાણો કેવી રીતે…

વધુ સ્ટોરેજના ફાયદા

વધુ સ્ટોરેજ હોવાથી AI વધુ સારી રીતે કામ કરી શકશે અને ખૂબ જ સારી રીતે રિસ્પોન્સ આપે છે. આ સાથે જ ઓફલાઇન AI આસિસ્ટન્ટ પણ કામ કરી શકે છે. સ્ટોરેજ વધુ હોવાથી મોબાઇલની લાઇફલાઇન પણ વધી જાય છે. આ સાથે જ 4K/8K વીડિયો પણ હવે રેકોર્ડ કરી શકશે.