બ્લેકબેરી ફરી કમબેક કરી શકે? ક્વાર્ટી કીબોર્ડ અને એન્ડ્રોઇડ સાથે લોન્ચ થશે...
BlackBerry ComeBack: બ્લેકબેરી ફરી કમબેક કરશે એવી ચર્ચા છે. એક સમયની સૌથી સુરક્ષિત મોબાઇલ કંપની તરીકે જાણીતી બ્લેકબેરી એન્ડ્રોઇડના આગમન બાદ ધીમે-ધીમે માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ હતી. બ્લેકબેરીની ઓપરેટિંગ સિસ્ટમ હવે એટલી ખાસ રહી નથી. છતાં, ફરી કમબેક કરશે એવી ચર્ચા ચાલી રહી છે. બ્લેકબેરીને પુનર્જીવિત કરવાની જવાબદારી ચીનની કંપની ઝિનવા ટેક્નોલોજીસે લીધી છે. આ નવા મોબાઇલને ઝિનવા Q25 નામ આપવામાં આવ્યું છે. તેમાં Q20 ક્લાસિક જેવી ક્વાર્ટી કીબોર્ડ હશે, સાથે આધુનિક હાર્ડવેર અને ફીચર્સ પણ જોવા મળશે.
બ્લેકબેરીમાં એન્ડ્રોઇડ 13
ઝિનવા Q25માં 720x720 ટચસ્ક્રીન અને ફિઝિકલ કીબોર્ડ હશે. તેમાં LED નોટિફિકેશન લાઇટ પણ ઉમેરવામાં આવશે. આ મોબાઇલમાં બ્લેકબેરીની મૂળભૂત શૈલીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં એન્ડ્રોઇડ 13 સમાવિષ્ટ છે. આથી, યુઝરને બ્લેકબેરીના અનુભવ સાથે આધુનિક ફીચર્સ અને એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવાની તક મળશે. મોબાઇલમાં મીડિયાટેક હેલિયો G99 પ્રોસેસર અને 12GB RAM અને 256GB સ્ટોરેજ હશે.
કેટલી કિંમત રાખવામાં આવશે?
ઝિનવા Q25માં 3000mAh બેટરી, 50MP મેઇન કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા હશે. 4G LTE બેન્ડ, NFC, USB-C પોર્ટ, હેડફોન જેક, અને માઇક્રો SD કાર્ડ સપોર્ટ પણ ઉપલબ્ધ હશે. જો કે, આ સિંગલ સિમ મોબાઇલ હશે. આ મોબાઇલની કીમત અંદાજે ₹35,000 આસપાસ રાખવામાં આવશે. જો ઝિનવા Q25 સફળ રહેશે, તો બ્લેકબેરીના પાસપોર્ટ અને કીવન મોડલ્સ પણ પુનઃ લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: એરપોડ્સ પ્રો 3 માટે યુઝર્સને રાહ જોવી પડશે: એપલ આવતાં વર્ષે લોન્ચ કરશે એવી શક્યતા
ઓરિજિનલ મોબાઇલ જેવું ટ્રેકપેડ
ઝિનવા Q25માં એન્ડ્રોઇડ 14 અથવા કોઈ નવાં વર્ઝન નહીં હોય. તેમ છતાં, કંપની કહે છે કે તેઓ નિયમિત અપડેટ્સ આપશે અને ઓપરેટિંગ સિસ્ટમમાં આવતી સમસ્યાઓના નિવારણ સાથે નવા ફીચર્સ પણ ઉમેરશે. આ મોબાઇલનું સૌથી રસપ્રદ ફીચર ટ્રેકપેડ છે, જે ઓરિજિનલ મોબાઇલમાં રહેલું હતું અને કર્સર તરીકે કામ કરશે. બ્લેકબેરીના ચાહકો માટે આ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.'