Science & Technology

બિલ્સની ચુકવણી હવે વોટ્સએપમાંથી !

By GS Team
9 Sep 20268 mins read
TukuTouch Logo
વોટ્સએપ હવે ભારતમાં બિલ પેમેન્ટની સુવિધા લાવ્યું છે. મેટા કંપનીએ 'ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)'ના સહયોગથી આ સેવા શરૂ કરી છે. ૩૦ કેટેગરીમાં ૨૨,૭૨૨ કંપનીઓના બિલ, જેમ કે મોબાઈલ, ગેસ, પાણી, લાઈટ, ફાસ્ટેગ, ક્રેડિટ કાર્ડ વગેરે, વોટ્સએપ દ્વારા ચૂકવી શકાશે. આનાથી યુઝર્સને એક જ પ્લેટફોર્મ પરથી તમામ બિલ મેનેજ કરવાની સરળતા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિલ્સની ચુકવણી હવે વોટ્સએપમાંથી !
  • વિવિધ બિલ્સની ચુકવણી હવે વધુ સહેલી બની શકે છે

આજના લેખમાં આગળ વધતાં પહેલાં, થોડો ફ્લેશબેક જોઈએ. ‘ભીડે માસ્ટર કે જમાને મેં…’ બિલની ચુકવણીની વાત કરીએ તો, ત્યારે આપણી મુખ્ય દૈનિક જરૂરિયાત સમાન દાતણ ને શાકભાજીનો બધો વ્યવહાર રોકડિયો રહેતો. રૂપિયાની ખાસ ખેંચ રહેતી ન હોય તો દૂધ ને કરિયાણા માટે પણ રોજનો રોકડિયો વ્યવહાર. ખેંચ રહેતી હોય અને દુકાનદાર સારા હોય તો એમાં ખાતું ચલાવી શકાતું ને માસિક ધોરણે ચુકવણી થઈ શકતી. ઘરે ગેસનો બાટલો આપવા આવનાર માણસને પણ રોકડાથી ચુકવણી. કપડાંને ઇસ્ત્રી તો ઘરે જાતે જ કરવાની હોયને, એનું બિલ વળી કેવું? રહી વાત લાઇટ બિલની, એ બે મહિને એક વાર આવે. જો ઘરમાં લેન્ડલાઇન ફોનની ‘જાહોજલાલી’ હોય તો એનું માસિક બિલ ખરું. આમ દર મહિને ચૂકવવાનાં થતાં બિલની સંખ્યા આંગળી (એ પણ બધી નહીં, એક જ આંગળી)નાં વેઢાંમાં આટોપાઈ જતી.
અને હવે?
હવે લાઇટ બિલ ઉપરાંત ઘરના લગભગ તમામ સભ્યોના મોબાઇલનાં પોસ્ટપેઇડ બિલ કે રિચાર્જ, પાઇપ્ડ ગેસનાં બિલ, પાણીનાં બિલ, જેટલી કાર હોય એ બધીમાં ફાસ્ટેગના રિચાર્જ, રોજેરોજ ઘરે આવી જતા દૂધનાં સબસ્ક્રિપ્શન, ટીવી ચેનલનાં બિલ, ઇન્ટરનેટ કનેક્શનનાં બિલ, વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સનાં બિલ…
હજી વાત આગળ વધે છે… પોતાની ઓફિસના ઉપયોગ કે પર્સનલ ઉપયોગ માટે ક્લાઉડ સ્ટોરેજ, વિવિધ પેઇડ એપ્સ, એઆઇના પેઇડ પ્લાન્સ વગેરેનાં સબસ્ક્રિપ્શન (જોકે એ બધામાં માસિકને બદલે વાર્ષિક પેમેન્ટનો લાભ મળી શકે)…
આ બધું સાથે તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે આપણે દર મહિને ચૂકવવાનાં થતાં બિલ્સની સંખ્યા માટે હાથ ને પગ બંનેની બધી આંગળીનાં બધાં વેઢાં પણ હવે ઓછાં પડે તેમ છે! આ બધા ઉપરાંત, પેટ્રોલ, રેસ્ટોરાં, એન્ટરટેઇન્મેન્ટ, ફૂડ ડિલિવરી એપ્સ, રોજબરોજના કરિયાણાની ઓનલાઇન ખરીદી… આ બધાંમાં માસિક બિલ હોતું નથી, પણ બધી રકમનો કુલ સરવાળો માંડીએ તો સમજાય કે ભારત દેશની જેમ આપણું ઘર પણ રામભરોસે ચાલે છે!
જૂના સમયની સરખામણીમાં મોંઘવારી ઘણી વધી છે, સામે આપણી આવક ઘણી વધી છે, તેમ જરૂરિયાતો (કે માની લીધેલી જરૂરિયાતો) પણ ઘણી વધી છે. તે બધા માટે ફટાફટ, ઓનલાઇન પેમેન્ટ કરવાની સગવડ મળતાં, હવે આપણે દરેક ચુકવણી વખતે હાથે રૂપિયા ગણીને કોઈને આપવા પડતા નથી, એટલે કેટલા રૂપિયા જાય છે એનો હિસાબ કે થડકો પણ રહેતો નથી!
માસિક ઘરખર્ચની આ પારાયણ અહીં અટકાવીએ અને ફક્ત એની ચુકવણી ધીમે ધીમે કેવી સહેલી કે અટપટી બની છે એની વાતો પર ફોકસ કરીએ, કેમ કે હવે વોટ્સએપમાં પણ બિલ પેમેન્ટની સુવિધા આવી છે!

બરાબર સમજીએ બિલ પેમેન્ટની બધી જ આંટીઘૂંટી
યાદ છે એ દિવસો, જ્યારે આપણે લાઇટનાં બિલ ભરવા માટે વીજ કંપનીના કલેક્શન સેન્ટરના ધક્કા ખાવા પડતા હતા? તમે થોડા નસીબદાર હો, તો તમારા વિસ્તારમાં નિશ્ચિત સમયે કંપનીની બિલ કલેક્શન વાન આવતી હોય, જે કંપનીના કલેક્શન સેન્ટર કરતાં નજીક પડે. જોકે બંને વિકલ્પમાં આપણે બિલની રકમ ચૂકવવા માટે રોકડા તૈયાર રાખવા પડે અથવા ચેક લખવાની ઝંઝટ, એમાં ભૂલ કે ચેકચાક થાય તો વળી નવો ચેક લખવાનો, પછી કલેક્શન સેન્ટર કે વાનની જગ્યાએ પહોંચીને લાઇનમાં ઊભા રહેવાનું, એ પણ ઘણી વાર ભરતડકે! હવે એ દિવસો વીતી ગયા છે. આપણે આંખના પલકારે અને આંગળીના ઇશારે, ઘેરબેઠાં બિલ પેમેન્ટ કરી શકીએ છીએ.
માત્ર લાઇટનું નહીં, મોબાઇલનું, ગેસનું, પાણીનું ને બીજા કેટલાય પ્રકારનાં બિલ માટે ઓનલાઇન પેમેન્ટ સહેલું બની ગયું છે.
જોકે ઓનલાઇન બિલ પેમેન્ટમાં પણ ઝંઝટ છે - જુદી જાતની
ઓનલાઇન બિલ પેમેન્ટથી આખી વાત ઘણી સહેલી બની છે, પણ તો સાથે નવા પ્રકારની ઝંઝટો ઊભી થઈ છે.
ઘર માટેનાં બિલ પોતાના વ્યક્તિગત બચત ખાતામાંથી ચૂકવવાનાં હોય,
તમારી પોતાની ઓફિસ હોય તો એનાં બિલ તમારી કંપનીના ચાલુ ખાતામાંથી ચૂકવવાનાં હોય,
તમારાં મોટી ઉંમરનાં મમ્મી-પપ્પા કે સાસુ-સસરા તમારાથી દૂર રહેતાં હોય અને એમને ઓનલાઇન પેમેન્ટ ફાવતું ન હોય તો એમનાં બધાં જ પ્રકારનાં બિલ તમે તમારા ફોન ને ખાતામાંથી ચૂકવી આપતા હો (પછી ફુરસદે એમની સાથે રોકડ વ્યવહાર કરી લેવો પડે!).
આ બધી ઓનલાઇન લેવડ-દેવડ માટે આપણે પોતાના ફોનમાં પોતપોતાની બેંક એપ, ભીમ એપ, ગૂગલપે, ફોનપે, પેટીએમ કે બીજી કોઈ યુપીઆઇ એપ ઇન્સ્ટોલ કરી હોય. એ બધીમાં પોતાનાં અલગ અલગ બેંક એકાઉન્ટ કનેક્ટ કરવાનાં, એમાં યુપીઆઇ પિન સેટ કરવાના… જફા હજી ઓછી નથી, ફક્ત માથેથી તડકો ગયો એટલો ફાયદો ખરો!
અલબત્ત, તમે એક વાર ફુરસદે બેસીને આ બધાં બિલ પેમેન્ટ માટે ચોક્કસ બેંક ખાતાં, યુપીઆઇ એપ વગેરેનું યોગ્ય સેટઅપ કરી લો, તો વાત ઘણી સહેલી બને. આપણે ફક્ત દર મહિને કયાં કયાં બિલ ચૂકવવાનાં છે, એ દરેકના કસ્ટમર નંબર કયા છે અને દરેક માટે કઈ યુપીઆઇ એપનો ઉપયોગ કરવાનો છે એ કોઈ જગ્યાએ યોગ્ય રીતે નોંધી રાખવાનું. તમે ધારો તો મોબાઇલ કંપની, પાવર કંપની, ગેસ કંપની વગેરેની એપ કે વેબસાઇટ પર જઈને પણ ચૂકવણી કરી શકો.
વોટ્સએપમાંથી વિવિધ બિલની ચુકવણી
હવે વાત હજી વધુ સહેલી બનશે કેમ કે બિલ પેમેન્ટની આ આખી વ્યવસ્થા હવે આપણે સૌ રોજેરોજ દિવસમાં અનેક વાર ઉપયોગ કરીએ છીએ એ વોટ્સએપમાં આવી ગઈ છે!
ગયા અઠવાડિયે (સપ્ટેમ્બર ૩, ૨૦૨૬ના દિવસે) વોટ્સએપની માલિક મેટા કંપનીએ ભારતમાં ‘ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ)’ના સહયોગમાં વોટ્સએપ એપમાંથી બિલ પેમેન્ટની સુવિધા લોન્ચ કરી.
દસેક વર્ષ પહેલાં, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં બિલ પેમેન્ટના તંત્રને એકમેક સાથે સાંકળતી નવી વ્યવસ્થા ઊભી કરી છે. જે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ) નામે ઓળખાય છે. આ બીબીપીએસ એ યુપીઆઇ વ્યવસ્થાનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત બિલ પેમેન્ટ પ્લેટફોર્મ છે.
વોટ્સએપમાંથી કેવાં બિલ ચૂકવી શકાશે?
એમ કહો કે તમે માગો તે કંપનીનાં બિલ, કેમ કે વાત બીબીપીએસની છે અને આ ફાયદો માત્ર વોટ્સએપનો નથી, બધી પેમેન્ટ્સ એપમાં તેનો લાભ મળે છે.
વોટ્સએપનું ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાણ હોવાથી ૩૦ કેટેગરીમાં, કુલ ૨૨,૭૨૨ કંપનીનાં તમારાં બિલ માટે તમે વોટ્સએપમાંથી ચૂકવણી કરી શકો છો!
મતલબ કે મોબાઇલ, પાવર, ગેસ, પાણી, ઓટીટી કે ડીટીએચ પ્લેટફોર્મ, મ્યુનિસિપાલિટીનાં પેમેન્ટ, ફાસ્ટેગના રિચાર્જ, ઇન્સ્યોરન્સનાં પ્રીમિયમ,, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કે લોનનાં રીપેમેન્ટ વગેરે બધું જ વોટ્સએપ મારફત થઈ શકશે. હા, કેટલીક કંપનીનાં અમુક ચોક્કસ પ્લાનના પેમેન્ટ માટે જે તે કંપનીની એપમાં જવું પડે એવું બની શકે.
વોટ્સએપથી બિલ ચુકવણીના ફાયદા
આમ તો અત્યારે આપણી બેંક એપ અને અન્ય બધી જ યુપીઆઇ એપ્સમાં ‘ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ’ના સહયોગમાં તમામ પ્રકારનાં બિલની ચુકવણી થઈ શકે છે. આપણે એ માટે ઓટો પેમેન્ટ પણ સેટ કરી શકીએ છીએ. આમ છતાં, ગૂગલપે, ફોનપે વગેરે જેવી ખાસ્સી પોપ્યુલર યુપીઆઇ એપ્સનો તમે ઉપયોગ કરતા હો તો એવું બની શકે તેમાંથી બિલ પેમેન્ટ માટે તમારે જે તે એપ સાથે કનેક્ટેડ બેંક એકાઉન્ટનો જ ઉપયોગ કરવો પડે.
આથી આપણે જુદાં જુદાં બિલ ભરવા, જુદી જુદી એપ્સ કે વેબસાઇટમાં આંટાફેરા કરવા પડે.
જ્યારે વોટ્સએપમાં આપણે બે રીતે બિલ પેમેન્ટ્સ કરી શકીશુંઃ
૧. વોટ્સએપ પેમેન્ટ્સનો જ ઉપયોગ કરીને
૨. ફોનમાંની અન્ય યુપીઆઇ એપ્સ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને
વોટ્સએપ ચોક્કસપણે ઇચ્છશે કે આપણે પહેલી રીત - વોટ્સએપ પેમેન્ટ્સ - નો જ ઉપયોગ કરીએ, કેમ કે તેનાથી વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ વધશે અને કંપની અત્યારે આ બાબતે સૌથી આગળ ફોનપે અને ગૂગલપે સામે મોટો પડકાર ઊભો કરી શકશે.
એક રીતે જુઓ તો આપણે માટે પણ આ સારી વાત છે. વોટ્સએપ પેમેન્ટ્સ એપમાં, અન્ય યુપીઆઇ એપ્સની જેમ આપણે એકથી વધુ બેંક એકાઉન્ટ કનેક્ટ કરી શકીએ છીએ, શરત એટલી કે આપણો વોટ્સએપ (મોબાઇલ) નંબર એ બધાં બેંક એકાઉન્ટમાં રજિસ્ટર્ડ હોય. આથી આપણે ઇચ્છીએ તો પર્સનલ બિલ પેમેન્ટ્સ માટે સેવિંગ્સ એકાઉન્ટ ને ઓફિસનાં બિલ્સના પેમેન્ટ માટે ઓફિસના કરન્ટ એકાઉન્ટને કનેક્ટ કરી શકીએ.
મુખ્ય સવાલ - વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ કરાય?
ભારતમાં યુપીઆઇનો ઉપયોગ કરતી વોટ્સએપ પેમેન્ટ્સ સર્વિસને ધારી સફળતા મળી નથી એનું આ જ કારણ છે - લોકો વોટ્સએપમાં રૂપિયાની વાત સામેલ કરતાં ડરે છે! લગભગ બધા પ્રકારના ફ્રોડની શરૂઆત વોટ્સએપથી જ થાય છે એટલે આ ડર સાવ કારણ વિનાનો નથી.
પરંતુ આપણે યુપીઆઇની આંટીઘૂંટીથી સારી રીતે વાકેફ હોઈએ તો વોટ્સએપમાં યુપીઆઇ પેમેન્ટ્સનો ઉપયોગ કરવામાં ડરવાની જરૂર નથી. આ વ્યવસ્થા પોતે સલામત છે, ઠગ ટોળકીઓ આપણી ગફલતનો જ લાભ લે છે.
છતાં, તમે વોટ્સએપ પેમેન્ટ્સનો ઉપયોગ કરવા ન માગો, તો વોટ્સએપમાંથી બિલ પેમેન્ટ કરતી વખતે આપણા ફોનમાંની અન્ય બેંક એપ, યુપીઆઇ એપ કે બેંકના ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા જેવા અન્ય રસ્તાઓ ઉપયોગ કરી શકો છો.

વોટ્સએપમાંથી વિવિધ કંપનીનાં બિલની ચુકવણી કરવાનાં પગલાં
આ વિધિ ઘણી સરળ છે. લગભગ તમારા ફોનમાં વોટ્સએપ એપમાં આ ફીચર ઉમેરાઈ જ ગયું હશે, તેની મદદથી વોટ્સએપમાંથી બિલ પેમેન્ટ કરવા માટે…
વોટ્સએપ એપ ઓપન કરો.
ઉપર ‘રૂપિયા’ના આઇકન પર ક્લિક કરો.
વોટ્સએપમાંનું ‘પેમેન્ટ્સ’ પેજ ઓપન થશે.
અહીંથી તમે કોઈ પણ યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને કે કોઈ મોબાઇલ નંબર પર રકમ મોકલી શકો છો. તમારું બેંક બેલેન્સ પણ તપાસી શકો છો.
એ જ રીતે હવે વિવિધ બિલની ચુકવણી કરી શકશો.
પરંતુ બિલની ચુકવણી સિવાયના બધા મુદ્દા માટે આપણે પોતાનું બેંક એકાઉન્ટ વોટ્સએપ પેમેન્ટ્સ સાથે કનેક્ટ કરવું પડશે.
વોટ્સએપ પેમેન્ટ્સથી બિલ પેમેન્ટ માટે
જો તમે વોટ્સએપ પેમેન્ટ્સ સર્વિસનો ઉપયોગ નહીં કરતા હો, તો તમારું બેંક એકાઉન્ટ ઉમેરવા કહેવામાં આવશે.
જો તમે વોટ્સએપ પેમેન્ટ્સની યુપીઆઇ સર્વિસનો લાભ લેવા માગતા હો, તો અહીં ‘એડ બેન્ક એકાઉન્ટ’ બટન ક્લિક કરો. એ જ મોબાઇલ નંબર જેમાં આપ્યો હોય તે ખાતાવાળી બેંક પસંદ કરો. સિસ્ટમ કેટલીક વિધિ કરીને તમારું બેંક એકાઉન્ટ વોટ્સએપ પેમેન્ટ્સ સાથે કનેક્ટ કરશે. તમે એ બેંક એકાઉન્ટ માટે અલગ યુપીઆઇ પિન પસંદ કરી શકશો.
હવે પછી જ્યારે પણ કોઈ બિલ ચુકવવા આગળ વધો ત્યારે વોટ્સએપ પેમેન્ટ્સ સાથે કનેક્ટેડ બેંક ખાતામાંથી રકમ મોકલી શકશો.
વોટ્સએપ પેમેન્ટ્સ વિના બિલ પેમેન્ટ માટે
તમે ઇચ્છો તો, વોટ્સએપ પેમેન્ટ્સ સર્વિસનો ઉપયોગ કર્યા વિના, તમારા ફોનમાંની અન્ય યુપીઆઇ એપ્સની મદદથી પણ બિલ પેમેન્ટ કરી શકો છો. એ માટે તમારે વોટ્સએપમાં બેંક એકાઉન્ટ ઉમેરવાની જરૂર નથી.
બંને રીતે બિલ પેમેન્ટ માટે
વોટ્સએપ ઓપન કરીને મથાળે, રૂપિયાના આઇકન પર ક્લિક કરો.
હવે ‘પેમેન્ટ્સ’ પેજ ઓપન થશે.
અહીં નીચેની તરફ સ્ક્રોલ કરતાં ‘રિચાર્જ’, ‘બિલ પેમેન્ટ્સ’, ‘બુક ટિકિટ્સ’ વગેરે વિકલ્પો તથા ‘મેનેજ પેમેન્ટ્સનાં સેટિંગ્સ જોવા મળશે.
તમારે કોઈ કંપનીનું બિલ ચુકવવું હોય તો ‘બિલ પેમેન્ટ્સ’ સેક્શનમાં જાઓ.
અહીં તમારી કંપની સર્ચ કરો. તેમાં તમારા એકાઉન્ટની પ્રાથમિક વિગતો આપો. જેમ કે લાઇટનું બિલ ભરવાનું હોય તો પાવર કંપની, તેમાં તમારો સર્વિસ નંબર અને શહેર.
આપણે ‘કન્ટીન્યૂ’ કહીએ તો વોટ્સએપની સિસ્ટમ ‘ભારત કનેક્ટ’ની સિસ્ટમ સાથે કનેક્ટ થઈને જે તે કંપની માટેનું આપણા હાલનું બિલ શોધી લાવશે. એ પછી, ભવિષ્યનાં બિલની વિગતો અહીં ઉમેરાતી રહેશે.
આપણે વોટ્સએપ પેમેન્ટ્સ અથવા અન્ય કોઈ પણ રીતે બિલ ચુકવી શકીશું.
અહીંથી આપણે જે કંપનીનાં બિલ્સની ચુકવણી કરી હોય તે પેમેન્ટની હિસ્ટ્રી તથા આગામી બિલ્સ જોઈ શકીશું.
આપણે ઘર, ઓફિસ કે પરિવારના અન્ય કોઈ સભ્યનાં વિવિધ બિલની ચુકવણી એક જ જગ્યાએથી કરી શકીશું.