Australia Starting Probe on Meta and Google:ઓસ્ટ્રેલિયાની ઑનલાઇન સેફ્ટી ઓફિસે Meta, TikTok અને Google સહિત મોટી ટેક કંપનીઓ સામે સખત તપાસ શરૂ કરી છે. આ પગલું એક સર્વે બાદ લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવા છતાં ઘણા બાળકો પાસે હજી પણ એકાઉન્ટ્સ છે. 900 ઓસ્ટ્રેલિયન માતા-પિતાના સર્વે મુજબ આશરે 31% લોકોએ જણાવ્યું કે પ્રતિબંધ લાગુ થયા પછી પણ તેમના બાળકો પાસે એક અથવા વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે.
Instagram, Facebook, Snapchat સહિત પ્લેટફોર્મ તપાસ હેઠળ
આ તપાસ ખાસ કરીને Instagram, Facebook, Snapchat, TikTok અને YouTube પર કેન્દ્રિત છે, કારણ કે ઉંમર મર્યાદાના નિયમોનું પાલન ન થવાની કંપનીઓ પર શંકા છે. ઓસ્ટ્રેલિયાની કોમ્યુનિકેશન્સ મિનિસ્ટર Anika Wellsએ આ કંપનીઓ પર પ્રતિબંધ લાગુ કરવા છતાં તેમણે એનો અમલ ન કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. eSafety કમિશન મુજબ, ફેશિયલ એજ એસ્ટિમેશન જેવી ટેક્નોલોજી પણ 16 વર્ષથી નાના બાળકોને રોકવામાં પૂરતી અસરકારક સાબિત થઈ નથી.
કંપનીઓ પર નબળા સુરક્ષા માપદંડનો આરોપ
eSafety કમિશને કંપનીઓ પર નબળા ગાર્ડરેલ્સ હોવાના આરોપ પણ કર્યા છે. તેના કારણે ટીનેજર્સ વારંવાર એજ વેરિફિકેશનનો પ્રયાસ કરી શકે છે જ્યાં સુધી તેઓ સફળ ન થાય.
Anika Wellsએ કહ્યું કે, ‘મોટી ટેક કંપનીઓ માટે આ મુશ્કેલ નથી, કારણ કે તેઓ નવીનતા માટે જાણીતી છે.’ તેમણે ઉમેર્યું કે જો આ કંપનીઓ ઓસ્ટ્રેલિયામાં કાર્ય કરવા ઇચ્છે છે તો તેમણે અહીંના કાયદાનું પાલન કરવું જ પડશે.
સોશિયલ મીડિયા માટેની નવી ઉંમર
નવા ઉંમરના કાયદા મુજબ Snapchat, Threads, TikTok, Facebook, Instagram, Twitch, X, YouTube, Kick અને Redditને ‘એજ-રિસ્ટ્રિક્ટેડ પ્લેટફોર્મ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવાની મનાઈ છે અને કંપનીઓએ એને રોકવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. આ નિયમો ગયા ડિસેમ્બરમાં અમલમાં આવ્યા હતા અને તેના ઉલ્લંઘન માટે A$49.5 મિલિયન એટલે કે 320 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
Meta તરફથી ઉંમર ચકાસણી પર પ્રસ્તાવ
તપાસના જવાબમાં Metaએ જણાવ્યું છે કે તે સોશિયલ મીડિયા પ્રતિબંધનું પાલન કરવા અને eSafety તથા સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. કંપનીએ સ્વીકાર્યું કે ઑનલાઇન ઉંમર ચોક્કસ રીતે નક્કી કરવું સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે પડકારરૂપ છે. Metaએ સૂચન કર્યું કે એપ સ્ટોર અને ઓપરેટિંગ સિસ્ટમ સ્તરે મજબૂત એજ વેરિફિકેશન અને પેરેન્ટલ મંજૂરી લાગુ કરવી અસરકારક ઉકેલ બની શકે છે.
આ પણ વાંચો: ભારતનું સ્પેસ મિશન થશે વધુ સસ્તું, ISROના રિયુઝેબલ રૉકેટ પ્લાન વિશે જાણો…
લાખો એકાઉન્ટ્સ દૂર કરવાનો દાવો
ઓસ્ટ્રેલિયન સરકારે અગાઉ જણાવ્યું હતું કે ગયા વર્ષે 10 ડિસેમ્બરે પ્રતિબંધ લાગુ થયા બાદ પ્રથમ થોડા દિવસોમાં જ 4.7 મિલિયનથી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ, દૂર અથવા મર્યાદિત કરવામાં આવ્યા હતા. જોકે કયા પ્લેટફોર્મ પરથી કેટલા એકાઉન્ટ્સ દૂર થયા તેની વિગત આપવામાં આવી નહોતી. આ દાવાઓ છતાં ઘણા બાળકો હજી પણ ઑનલાઇન હોવાના પુરાવાઓ સામે આવતા આ નીતિની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે.


