Science & Technology

રેન્સમવેર એટેકથી બચવા માટે તમે પૂરતાં પગલાં લો છો ?

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
રેન્સમવેર હુમલાથી કમ્પ્યુટરમાંનો ડેટા એન્ક્રિપ્ટ થઈ જાય છે. જોખમી લિંક કે ફાઇલ ડાઉનલોડ કરવાથી આ સોફ્ટવેર સક્રિય થાય છે. ડેટા પાછો મેળવવા ક્રિપ્ટોકરન્સીમાં ખંડણી ચૂકવવાની નોટિસ મળે છે. આનાથી બચવા માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો અને મહત્વના ડેટાનો નિયમિત બેકઅપ એક્સટર્નલ ડ્રાઇવ કે ક્લાઉડમાં રાખો, જેથી ડેટા સુરક્ષિત રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેન્સમવેર એટેકથી બચવા માટે તમે પૂરતાં પગલાં લો છો ?

થોડાં વર્ષ પહેલાં આપણે ત્યાં ‘રેન્સમવેર’ શબ્દ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. હજી પણ ઘણા લોકોના કમ્પ્યૂટર પર આ પ્રકારના હુમલા થતા રહે છે. મોટા ભાગે ઇમેઇલ કે અન્ય જગ્યાએ આવેલી જોખમી લિંક કે ફાઇલ ડાઉનલોડ કરવાથી આપણા કમ્પ્યૂટરમાં રેન્સમવેર ધરાવતો સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈને એક્ટિવ થાય છે.
આપણું કમ્પ્યૂટર રેન્સમવેર એટેકનો ભોગ બને તો મુખ્ય્તેવ કમ્પ્યૂટરમાંનો બધો ડેટા એન્ક્રિપ્ટ થઈ જાય છે અને આપણે સમજી કે ઉકેલી ન શકીએ તેવા જમ્બલ્ડ ડેટામાં ફેરવાઈ જાય છે. એ પછી આપણે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે નિશ્ચિત રકમ ચૂકવીએ તો જ આપણો ડેટા ફરી ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં લાવવાની ઓફર કરતી નોટિસ જોવા મળે છે. તકલીફ એ હોય છે કે આવી ખંડણી (એટલે જ ‘રેન્સમ’ શબ્દ!) ક્રિપ્ટોકરન્સીની મદદથી જ ચૂકવી શકાય છે. આપણે માટે ડેટા બહુ મહત્ત્વનો હોય અને તેને માટે આપણે ખંડણી ચૂકવવા તૈયાર હોઇએ તો પણ ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરતાં આવડતું જ ન હોય તો?
તમે પોતાના કમ્પ્યૂટરમાં મહત્ત્વની ફાઇલ્સ લોકલી સ્ટોર કરતા હો તો રેન્સમવેરથી બચાવના ફક્ત બે ઉપાય છે - એક, ક્યારેય કોઈ જોખમી લિંક પર ક્લિક ન કરવી કે જોખમી એટેચમેન્ટ ડાઉનલોડ ન કરવું. આમાં ક્યારેક ને ક્યારેક ભૂલ થવાની શક્યતા રહે છે. એટલે જ બીજો ઉપાય જરૂરી બને, જે વધુ સચોટ છે. આપણે પોતાને માટે મહત્ત્વના બધા ડેટાનો નિયમિત રીતે બેકઅપ રાખવો જરૂરી છે. મહત્ત્વની ફાઇલ્સ ક્યારેય એક જ કમ્પ્યૂટરમાં લોકલી સ્ટોર ન કરવી. કોઈ કામ પૂરું થાય તે પછી તેને સંબંધિત બધી ફાઇલ્સ એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક તથા ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરી લેવી જરૂરી છે. આ રીતે આપણે મહત્ત્વની ફાઇલ્સનો કમ્પ્યૂટર ઉપરાંત ઓછામાં ઓછી બે જગ્યાએ બેકઅપ જાળવીએ તો કમ્પ્યૂટર પર રેન્સમવેર એટેક થાય તો પણ આપણો ડેટા સલામત હોય, આપણે ખંડણી ચૂકવવાની જરૂર ન રહે. ફક્ત કમ્પ્યૂટર કોઈ જાણકાર પાસે ફોર્મેટ કરાવી લઈને નવેસરથી શરૂઆત કરી શકીએ.