AI ચેટબોટને ચહેરો મળ્યો : જેમિનાઈમાં લાઈવ અવતાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એઆઈમાં હવે જીવંત વ્યક્તિ સાથે વાત કરવાનો અનુભવ
ચેટજીપીટી કે જેમિનાઇ જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટના ‘લાઇવ મોડ’ની જાહેરાતો જોઇને તમને પણ ચેટબોટ સાથે ખરા અર્થમાં વાતચીત કરવાની ચાનક ચડે છે?
લાઇવ મોડ ખરેખર ઘણી બધી રીતે ઉપયોગી છે. આ મોડમાં આપણે એઆઇ સાથે ટાઇપ કરીને વાત કરવાને બદલે બિલકુલ સાહજિક રીતે આપણી પસંદગીની ભાષામાં બોલીને વાતચીત કરી શકીએ છીએ.
આપણે કંઈ પણ બોલીએ કે પૂછીએ એ સાથે ચેટબોટ પણ બોલીને પોતાનો જવાબ આપે છે. એ જ રીતે, લાઇવ મોડની મદદથી આપણે ફોનનો કેમેરા ઓન કરીને આપણને જે દેખાઈ રહ્યું હોય તે એઆઇને બતાવીને તેના વિશે સવાલો પૂછી શકીએ. કમ્પ્યૂટર પર કોઈ પ્રોગ્રામમાં કંઈક એરર સતાવતી હોય તો લાઇવ મોડમાં એઆઇને સ્ક્રીન બતાવીને તેના વિશે સવાલો પૂછી શકાય. નવરાત્રિમાં ચણિયા-ચોળી સાથે એક્સેસરિઝનાં બેસ્ટ કોમ્બિનેશન વિશે પણ તેને પૂછી શકાય!
સ્ટુડન્ટ માટે વરદાન
તમે ચાહો તો તમારી પસંદગીના વિષયો નક્કી કરીને તેના વિશે ચેટબોટ સાથે લાઇવ કે વોઇસ મોડમાં વાતચીત કરો તો જે તે વિષયની તમારી જાણકારી તથા એ વિશે વધુ સારી રીતે બોલવાની આવડત પણ કેળવી શકાય.
કોલેજના સ્ટુડન્ટ માટે એઆઇ સાથે વોઇસ કે લાઇવ મોડમાં વાતચીત કરવાની ટેવ વરદાનરૂપ સાબિત થઈ શકે. કારકિર્દીમાં આગળ રહેવા માગતી દરેક વ્યક્તિ માટે કમ્યુનિકેશન્સ સ્કિલ્સ અને ‘આર્ટિક્યુલેશન’ (એટલે કે પોતાના વિચારો એકદમ સુવ્યવસ્થિત રીતે શબ્દોમાં ઢાળીને પ્રભાવશાળી રીતે બોલવાની આવડત) સ્કિલ બહુ મહત્ત્વની છે.
આ સ્કિલ્સ એઆઇ સાથે નિયમિત રીતે વોઇસ કે લાઇવ મોડમાં વાતચીત કરીને વધુને વધુ ધારદાર બનાવી શકાય.
હવે લગભગ બધી જાણીતી એઆઇ સર્વિસ આવા વોઇસ કે લાઇવ મોડની સગવડ આપે છે, તેની સાથોસાથ તેમાં આપણી પસંદગી અનુસાર એઆઇ માટે મેલ-ફીમેલ વોઇસ કે કોઈ સેલિબ્રિટીનો અવાજ પસંદ કરવાની સગવડ હોય છે.
તેમ આપણે ઇચ્છીએ તો ઇન્ડિયન ઇંગ્લિશ પસંદ કરીને એઆઇના ઉચ્ચારો આપણને સમજાય એવી ગોઠવણ પણ કરી શકીએ છીએ.
લાઇવ ચેટિંગમાં નવી સુવિધા
હવે ગૂગલ જેમિનાઇ આવા લાઇવ ચેટિંગમાં એક ડગલું આગળ વધી રહી છે. તેમાં ‘લાઇવ અવતાર’ની સગવડ રોલઆઉટ થઈ રહી છે.
મતલબ કે જેમિનાઇ સાથે લાઇવ ચેટિંગ કરી રહ્યા હોઇએ ત્યારે એઆઇ ‘લાઇવ અવતાર’માં આપણી સાથે વાતચીત કરે છે. એટલે કે સ્ક્રીન પર એઆઇનો એક ‘વિઝ્યુઅલ પર્સોના’ કે ‘અવતાર’ દેખાય છે!
આ ‘અવતાર’ જે કંઈ બોલે તેનું પરફેક્ટ લિપ સિંકિંગ થાય છે. આથી આપણે લગભગ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હોઇએ તેવો અનુભવ મળે છે. આવા લાઇવ અવતાર હાલમાં ૯૭ જેટલી ભાષામાં આપણી સાથે વાતચીત કરી શકે છે. જોકે હાલમાં આ સુવિધા જેમિનાઇના ફ્રી યૂઝર્સને મળશે નહીં.




