| AI Image |
AI Bubble Burst: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઈને છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયામાં જે વાતાવરણ બન્યું હતું, તે કોઈ મોટી ટેક ક્રાંતિથી ઓછું નહોતું. એવું લાગી રહ્યું હતું કે ઇન્ટરનેટની શોધ પછી આ માનવ ઇતિહાસનો સૌથી મોટો બદલાવ સાબિત થશે. નાની સ્ટાર્ટઅપ કંપનીઓથી લઈને વૈશ્વિક ટેક જાયન્ટ્સ સુધીની દરેક કંપનીઓ પોતાના નામ સાથે AI જોડવા માટે આંધળી દોટ મૂકી રહી હતી. પરંતુ વર્ષ 2026ના મધ્ય સુધી આવતા-આવતા આ વાર્તાની ચમક હવે ધીમે-ધીમે ફીકી પડી રહી છે. હાલમાં ટેક જગતનો સૌથી ગરમ મુદ્દો એ છે કે – શું AI માણસો કરતાં પણ વધુ મોંઘો સાબિત થઈ રહ્યો છે? જો AIના નામે લાખો કર્મચારીઓની છટણી કરવામાં આવી, હવે તે જ AIના અબજો ડોલરના બિલ જોઈને દિગ્ગજ ટેક CEOs ના સૂર બદલાવા લાગ્યા છે.
દરેક પ્રશ્ન પાછળ કરોડોનો ખર્ચ: AI બન્યો દુનિયાનો સૌથી મોંઘો સોદો
OpenAIનું ChatGPT અથવા ગૂગલનું Gemini જ્યારે બજારમાં આવ્યું, ત્યારે સામાન્ય યૂઝર્સને ફક્ત તેનો જાદુ દેખાતો હતો. લોકો સેકન્ડોમાં કોડ લખાવતા, તસવીરો અને વીડિયો બનાવતા હતા. જોકે પડદા પાછળ આ જાદુ ચલાવવાનો ખર્ચ કેટલો આવી રહ્યો છે, તેની ચર્ચા થઈ નહોતી.
વાસ્તવમાં, AI કોઈ સામાન્ય સોફ્ટવેર નથી. તે અત્યંત ભારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન સુપર કોમ્પ્યુટર્સ પર ચાલે છે. યૂઝર દ્વારા પૂછવામાં આવતા દરેક સવાલ પાછળ વિશાળ ડેટા સેન્ટરો કામ કરે છે અને હજારો મોંઘી પ્રીમિયમ GPU ચિપ્સ અવિરતપણે કરોડો યુનિટ વીજળી વાપરે છે. ટેક ઉદ્યોગમાં હવે એક નવો શબ્દ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે, જે છે ઇન્ફરન્સ કોસ્ટ. સરળ ભાષામાં કહીએ તો, જ્યારે પણ કોઈ યૂઝર AIને પ્રશ્ન પૂછે છે અથવા કોઈ તસવીર-વીડિયો જનરેટ કરાવે છે, ત્યારે કંપનીનો ખર્ચ થાય છે. જેટલો વધુ ઉપયોગ, એટલું કંપનીઓનું દેવાળું ફૂંકાવાનું જોખમ વધુ.
રિપોર્ટ્સ અનુસાર, માત્ર વીડિયો જનરેશન મોડલ્સ જેમ કે OpenAIનું Sora અથવા Googleનું Veo ચલાવવા માટે કંપનીઓ રોજ કરોડો ડોલર પાણીની જેમ વહાવી રહી છે. આ જ કારણ છે કે ઘણી કંપનીઓ હવે AIના મફત ફીચર્સ મર્યાદિત કરી રહી છે અને મોંઘા પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન લાવી રહી છે.
માઇક્રોસોફ્ટનું બજેટ ખૂટ્યું, ઉબર પૂછે છે- ‘પણ ફાયદો ક્યાં છે?’
ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઉબરથી લઈને અગ્રણી ટેક કંપનીઓએ સ્વીકાર્યું છે કે AIનો આંધળો ખર્ચ હવે અસહ્ય બની રહ્યો છે. માઇક્રોસોફ્ટે ખર્ચને કાબૂમાં લેવા માટે પ્રખ્યાત AI મોડલ Claudeના કેટલાક લાઇસન્સ પણ રદ કરવા પડ્યા છે. એક અહેવાલ મુજબ, એક મોટી ટેક કંપનીને તો માત્ર થોડા મહિનાના ટૂંકા ગાળામાં AI મેન્ટેનન્સ માટે $500 મિલિયન (અંદાજે ₹4,150 કરોડ)નું બિલ ચૂકવવું પડ્યું હતું. એ જ રીતે ઉબર (Uber)નું આખું વાર્ષિક AI સબ્સ્ક્રિપ્શન બજેટ સમય મર્યાદા વહેલી પૂરી થાય તે પહેલાં જ ખાલી થઈ ગયું છે.
ઉબરના સીઓઓ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડે તાજેતરમાં ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યો છે કે, કંપનીઓ AI પાછળ અબજો ડોલરનું આંધણ કરી રહી છે, પરંતુ તેની સામે આઉટપુટ અથવા ઉત્પાદકતામાં એવી કોઈ મોટી વૃદ્ધિ જોવા મળી નથી જેવી અપેક્ષા રાખવામાં આવી હતી. અર્થાત્ હવે કંપનીઓ પૂછવા લાગી છે કે – અબજોનો ખર્ચ તો કર્યો, પણ નફો ક્યાં છે?
સેમ ઓલ્ટમેનથી લઈને સુંદર પિચાઈ સુધી: બદલાયા CEOs ના નિવેદનો
નોકરીઓ ખતમ થવાના ડર પર અગાઉ જે ટેક લીડર્સ આક્રમક નિવેદનો આપતા હતા, તેમના સૂર હવે નરમ પડ્યા છે:
• સેમ ઓલ્ટમેન: ઓલ્ટમેન અગાઉ એવું કહેનારાઓમાં સૌથી મોખરે હતા કે AI લાખો વ્હાઇટ-કોલર નોકરીઓનો સફાયો કરી દેશે. પરંતુ હવે તેમણે સ્વીકાર્યું છે કે નોકરીઓના સંપૂર્ણ નાશ જેવી કોઈ સ્થિતિ હજુ સુધી આવી નથી. મશીનો માણસોની જગ્યા લેવાને બદલે હવે તેઓ કહી રહ્યા છે કે માણસ અને AI કો-પાયલોટ તરીકે સાથે મળીને કામ કરશે.
• જેન્સન હુઆંગ: આખી દુનિયાને AI ચિપ્સ વેચીને અબજોપતિ બનેલી કંપનીના હેડ જેન્સન હુઆંગે પણ એવી કંપનીઓની આકરી આલોચના કરી છે જે પોતાની આંતરિક નબળાઈઓ કે ભૂતકાળના ખરાબ વ્યાવસાયિક નિર્ણયોને છુપાવવા માટે અને છટણી કરવા માટે AIનું બહાનું આગળ ધરે છે.
• સુંદર પિચાઈ: ગૂગલના વડા સુંદર પિચાઈએ સ્વીકાર્યું કે વિવિધ કંપનીઓના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર્સ અને ટેક નિર્ણયો લેનારા ટોચના અધિકારીઓ AIના આસમાને આંબતા ખર્ચને લઈને ભારે ચિંતિત છે. કંપનીઓના વાર્ષિક બજેટ ઝડપથી સમાપ્ત થઈ રહ્યા છે અને આ સમસ્યા ભવિષ્યમાં વધુ વિકરાળ બની શકે છે.
1990ના ‘ડોટ-કોમ બબલ’ જેવો જ ભય
જે રીતે વર્તમાનમાં રોકાણકારો વધુ પ્રશ્નો પૂછ્યા વગર AI કંપનીઓમાં અબજો ડોલર લગાવી રહ્યા છે, તેવું જ વાતાવરણ 1990ના દાયકામાં ઇન્ટરનેટના આગમન વખતે જોવા મળ્યું હતું. ત્યારે પણ દરેક કંપની પોતાને ઇન્ટરનેટ કંપની ગણાવીને શેરબજારમાંથી પૈસા ઉઘરાવતી હતી. ત્યારબાદ અચાનક 'ડોટ-કોમ બબલ' ફૂટ્યો અને હજારો કંપનીઓ રાતોરાત રોડ પર આવી ગઈ હતી.
જેપી મોર્ગનના જેમી ડાઈમન અને બ્રિજવોટરના રે ડાલિયો જેવા વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે, AI ચોક્કસપણે એક વાસ્તવિક અને શક્તિશાળી ટેકનોલોજી છે, પરંતુ હાલમાં તેમાં થઈ રહેલા રોકાણનો બહુ મોટો હિસ્સો અંધાધૂંધ રીતે બરબાદ થઈ રહ્યો છે. વધુમાં, માર્કેટમાં અત્યારે 'સર્ક્યુલર ઇન્વેસ્ટમેન્ટ'નો મોટો ખેલ ચાલી રહ્યો છે—જેમાં મોટી ટેક કંપનીઓ જ એકબીજાના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે અને એ જ પૈસા ગોળ ફરીને ફરીથી તેમના જ ડેટા સેન્ટરો અને ક્લાઉડ સેવાઓ ખરીદવામાં વપરાય છે. આનાથી કંપનીઓનું માર્કેટ વેલ્યુએશન કૃત્રિમ રીતે વધી રહ્યું છે, જે લાંબો સમય ટકી શકે નહીં.
વીજળી, પર્યાવરણ અને સામાન્ય જનતાનો વિરોધ: નવું સંકટ
AI માટે માત્ર પૈસા જ નહીં, પણ સંસાધનોનું પણ મોટું સંકટ ઊભું થયું છે. અમેરિકા અને યુરોપમાં અનેક જગ્યાએ સ્થાપવામાં આવી રહેલા નવા ડેટા સેન્ટરોનો સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, કારણ કે આ સેન્ટરો અતિશય માત્રામાં વીજળી અને સર્વર્સને ઠંડા રાખવા માટે લાખો ગેલન પાણીનો વપરાશ કરે છે.
બીજી તરફ, નવી પેઢીમાં પોતાની કારકિર્દી અને ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે આક્રોશ છે. તાજેતરમાં અમેરિકાની કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓના કાર્યક્રમોમાં ગુગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટ અને વર્તમાન નેતાઓને વિદ્યાર્થીઓના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના એક તાજેતરના અહેવાલમાં ચોંકાવનારો દાવો કરાયો છે કે, 90% કંપનીઓએ સ્વીકાર્યું છે કે AIના કારણે તેમની પ્રોડક્ટિવિટી કે રોજગાર પર હજુ સુધી કોઈ જ મોટો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો નથી.
શું AI ટેકનોલોજી ફ્લોપ થઈ જશે?
ના, આનો અર્થ એવો બિલકુલ નથી કે AI ટેકનોલોજી નિષ્ફળ જશે. જ્યારે ડોટ-કોમ બબલ ફૂટ્યો ત્યારે ઇન્ટરનેટ ખતમ નહોતું થયું, પરંતુ ત્યારબાદ એમેઝોન અને ગૂગલ જેવી વાસ્તવિક અને મજબૂત બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓ જ માર્કેટમાં ટકી રહી અને વધુ શક્તિશાળી બની. AI સાથે પણ બિલકુલ આવું જ થશે. જે કંપનીઓ માત્ર હાઇપ અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સના આધારે અબજો ડોલરનું મૂલ્યાંકન લઈને બેઠી છે, તેઓ સાફ થઈ જશે; જ્યારે જેની પાસે ઓછો ખર્ચ, વ્યવહારુ ઉપયોગ અને સ્પષ્ટ રેવન્યુ મોડલ હશે તે જ આગળ વધશે.
અસલી સમસ્યા AI ટેકનોલોજી નથી, પરંતુ તેની આસપાસ ઊભી કરાયેલી અવાસ્તવિક અપેક્ષાઓ છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે કે, હાલના તબક્કે મશીનો સામે માણસ સંપૂર્ણપણે હાર્યો નથી. ઘણી બધી જગ્યાએ માનવ શ્રમ હજુ પણ AI કરતાં ઘણો સસ્તો, વધુ વિશ્વસનીય, બુદ્ધિશાળી અને વ્યવહારુ વિકલ્પ છે.


