Science & Technology

શ્રાવણ વીત્યા પછી, પત્તાંની વાત !

By GS Team
13 Sep 20268 mins read
TukuTouch Logo
માઇક્રોસોફ્ટે 1990માં વિન્ડોઝ 3 ઓપરેટિંગ સિસ્ટમમાં 'સોલિટેર' ગેમ ઉમેરી. કમ્પ્યુટર માઉસના ઉપયોગની ટેવ પાડવા માટે આ ગેમનો ઉપયોગ થતો હતો. વેસ ચેરી નામના ઇન્ટર્ન દ્વારા વિકસાવવામાં આવેલી આ ગેમ વિન્ડોઝ 8માં દૂર કરાઈ, પરંતુ લોકોના વિરોધ પછી વિન્ડોઝ 11માં પાછી આવી. આ ગેમ માઉસથી ક્લિક, ડ્રેગ અને ડ્રોપ શીખવવા માટેનું ઉત્તમ ટ્યુટોરિયલ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણ વીત્યા પછી, પત્તાંની વાત !
  • આપણા કમ્પ્યૂટરમાં વર્ષોથી સામેલ સોલિટેર ગેમનાં અજાણ્યાં પાસાં

પવિત્ર શ્રાવણ મહિનો વીતી ગયો છે, છતાં હજી ઘણા લોકોના દિમાગમાં પત્તાં રમતાં હશે! કોઈ ફોર્મલ મીટિંગ પછી બિઝનેસ કાર્ડની આપલે થાય ત્યારે, કાર્ડ હાથમાં લેતાં આંગળીમાં કંઈક જુદો જ સળવળાટ થવા લાગે એવા લોકો પણ હોય છે. જોકે આપણે પત્તાંંની જે ગેમની વાત કરવી છે એ બિલકુલ અલગ છે. એમાં કોઈ જુગાર નથી, એ સિંગલ પ્લેયર ગેમ છે. અલબત્ત, એમાં પણ જોરદાર આદત લાગવાની પૂરી શક્યતા છે!
એક સમયે જ્યારે કોઈના હાથમાં સ્માર્ટફોન ને એમાં ઇન્સ્ટાગ્રામ-યુટ્યૂબ નહોતાં ત્યારે પતિ નોકરીએ ને બાળકો સ્કૂલે જાય તો બપોરે એકલાં પડેલાં ઘણાં બહેનો એકલાં એકલાં પત્તાંં રમીને ટાઇમપાસ કરતાં. ગેમનું નામ જ કદાચ હિન્દીમાં ‘એકલતાશ’ ને ગુજરાતીમાં ‘એકલપત્તાંં’ હતું. બ્રિટિશર્સના સમયમાં ભારતમાં આવેલી આ ગેમ રમવામાં ખાસ્સી ધીરજ જોઈએ, એટલે એનું નામ ‘પેશન્સ’ પણ હતું. સમય જતાં ગેમ કમ્પ્યૂટરમાં ઉમેરાઈ, પણ જુદા જ હેતુથી!

સોલિટેર : ફક્ત ગેમ નહીં, માઉસના ઉપયોગનું પ્રેક્ટિકલ ટ્યુટોરિયલ
જો તમે ૨૫-૩૦ વર્ષથી કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા હશો, તો શરૂઆતના એ સમયમાં કમ્પ્યૂટર અચૂકપણે તમારી ઓફિસમાં હશે, ઘરમાં નહીં! એ જ રીતે લગભગ અચૂકપણે એ સમયે તમે કમ્પ્યૂટરમાં પેલી પત્તાંંની ગેમ પણ રમ્યા હશો - સોલિટેર!
માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના ત્રીજા વર્ઝનથી તેમાં સોલિટેર ગેમ ઉમેરી, છેક ૧૯૯૦માં! ત્યારથી વિન્ડોઝનાં જુદાં જુદાં વર્ઝનમાં આ ગેમ સામેલ રહી. પરંતુ વિન્ડોઝ ૮ના સમયથી તેને વિન્ડોઝમાંથી દૂર કરવામાં આવી હતી. લોકો ઇચ્છે તો તેને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે. હવે વિન્ડોઝ ૧૧માં આ ગેમ પહેલેથી સામેલ દેખાય છે.
વિન્ડોઝ કમ્પ્યૂટરના શરૂઆતી દિવસોથી ધીમે ધીમે આ ગેમે એટલી લોકપ્રિયતા મેળવી કે લોકો પોતાના ઓફિસ કામકાજથી કંટાળે એટલે એમની આંગળી આપોઆપ આ ગેમ તરફ વળતી. માઉસના ઇશારે અને ક્લિકે પત્તાંંને ક્રમબદ્ધ ગોઠવવાની આ ગેમની મજા તમે પણ માણી હશે.
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જેવા મુખ્યત્વે ઓફિસના કામકાજ સંબંધિત પ્રોગ્રામમાં આવી ગેમ શા માટે સામેલ કરવામાં આવી હશે એવો સવાલ કદાચ તમને ક્યારેક થયો હશે. જવાબ એ છે કે કંપનીએ લોકોને ફક્ત બે ઘડી ગમ્મત કરાવવા માટે વિન્ડોઝમાં આ ગેમ સામેલ કરી નહોતી.
કંપનીનો મૂળ હેતુ જુદો હતો! વિન્ડોઝમાં સાદી મજાની ગેમ ઉમેરવા પાછળ કંપનીનો જુદો હેતુ કેમ હતો એ પણ સમજવા જેવું છે.
વિન્ડોઝ પહેલાંના ‘ડોસ’ વર્ઝનનો ભાર
વિન્ડોઝ પહેલાંનાં કમ્પ્યૂટર ‘ડોસ’ નામના પ્રોગ્રામ આધારિત હતાં. તેમાં આપણું બધું કામકાજ ટેકસ્ટ, પ્રોમ્પ્ટ અને કીબોર્ડ કમાન્ડ આધારિત રહેતું હતું. કમ્પ્યૂટર પર કામ કરવા માટે આપણી આંગળી સતત કીબોર્ડ પર રહેવી જોઇએ. કમ્પ્યૂટર માઉસ તો છેક ૧૯૬૩માં શોધાઈ ગયાં હતાં પરંતુ વિન્ડોઝ કમ્પ્યૂટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના આગમન સાથે, ૧૯૮૫થી તેનો ઉપયોગ શરુ થયો. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના આગમન સાથે, કમ્પ્યૂટર પર કામ કરવાની રીત પણ ધરમૂળથી બદલાઈ ગઈ. કમ્પ્યૂટર પર માઉસથી જુદી જુદી જગ્યાએ ક્લિક કરીને જુદી જુદી વિન્ડો ઓપન કરીને કામ કરવાનું શરૂ થયું. કીબોર્ડનું મહત્ત્વ ઘટ્યું નહીં પરંતુ માઉસનું મહત્ત્વ ચોક્કસ વધ્યું!
લોકોને માઉસની ટેવ કેમ પાડવી?
તકલીફ એ હતી કે જૂના ડોસ કમાન્ડ્સથી પરિચિત લોકોને માઉસ સાથે પનારો પાડવાની ફાવટ નહોતી. આથી કંપની કોઈક એવો રસ્તો શોધવાની મથામણમાં હતી કે લોકો પોતાનો હાથ કીબોર્ડથી ખસેડે, માઉસ પર ગોઠવે અને તેનાથી ફટાફટ ક્લિક કરવાની ટેવ કેળવે.
કંપની કંઈક એવું શોધી રહી હતી જેને કારણે લોકો માઉસથી સ્ક્રીન પર જુદી જુદી જગ્યાએ ક્લિક કરે તથા માઉસનું ડાબું કે જમણું બટન ક્લિક કરી રાખીને જુદી જુદી બાબતો સ્ક્રીન પર ડ્રેગ અને ડ્રોપ કરતાં શીખે.
સોલિટેર ગેમ આ માટેનું પરફેક્ટ સોલ્યુશન સાબિત થઈ!
આ ગેમ કમ્પ્યૂટર સ્ક્રીન પર આવી તે પહેલાં ઘણા લોકો પોતે એકલા હોય, રમવા માટે કોઈ સાથીદાર ન હોય ત્યારે પત્તાંની અસલી કેટથી આ રમત રમવા ટેવાયેલા હતા. એમણે ગેમ કેમ રમવી એ શીખવાનું નહોતું. ફક્ત કમ્પ્યૂટરના સ્ક્રીન પર નવી રીતે ગેમ રમતાં શીખવાનું હતું!
લોકો જે કામ પહેલાં હાથેથી અસલી પત્તાંં સાથે કરતા હતા, એ જ કામ સ્ક્રીન પર કરવાનું હતું - માઉસની મદદથી!
સ્ક્રીન પર જુદાં જુદાં પત્તાંં ખુલતાં જાય એટલે તેમને વારાફરતી ક્લિક કરી, હોલ્ડ કરી, બીજી જગ્યાએ ડ્રેગ કરીને ડ્રોપ કરવામાં લોકોને મજા પડવા લાગી. જો આપણે કોઈ પત્તાંને ડ્રેગ કરીને યોગ્ય જગ્યાએ ગોઠવવા માટે માઉસથી ક્લિક, હોલ્ડ કે રીલિઝ કરવામાં ગરબડ કરીએ તો પત્તું ફટાક દઇને પોતાની મૂળ જગ્યાએ ચાલ્યું જાય. આપણે એ કામ ફરી કરવું પડે!
વિન્ડોઝ કમ્પ્યૂટરના ગ્રાફિકલ ઇન્ટરફેસ પર માઉસથી કામ કરતાં શીખવા માટે આવું કોઈ ટ્યુટોરિયલ તૈયાર કરવામાં આવ્યું હોત, તો એ લોકો માટે બોરિંગ બન્યું હોત. પણ ગેમ રમતાં રમતાં લોકો આપોઆપ એ શીખવા લાગ્યા!
જોકે આ કંપનીની કોઈ સ્ટ્રેટેજી નહોતી
એ પણ ખરું કે કંપનીએ એક કોર્પોરેટ સ્ટ્રેટેજી તરીકે આ ગેમ વિન્ડોઝમાં સામેલ કરી નહોતી. માઇક્રોસોફ્ટ કંપનીમાં ઇન્ટર્ન તરીકે જોડાયેલો વેસ ચેરી નામનો એક સ્ટુડન્ટ કંપનીમાં પોતાનું મૂળ કામ કરતાં કરતાં બોર થતો હતો ત્યારે તેને અસલી પત્તાંંથી રમાતી ફેવરિટ ગેમ કમ્પ્યૂટર સ્ક્રીન પર જીવંત કરવાનો વિચાર આવ્યો. એ સમયે વિન્ડોઝ કમ્પ્યૂટરમાં જાતભાતની ગેમ્સ રમી શકાતી નહોતી. પરંતુ એપલના મેકિન્ટોશ કમ્પ્યૂટરમાં સોલિટેર ગેમ આવી ગઈ હતી. વેસ ચેરીએ જાતે, નવેસરથી કોડિંગ કરીને તેને વિન્ડોઝ ગેમનું સ્વરૂપ આપ્યું. શરૂઆતમાં આ કોડ ‘બોગસ સોફ્ટવેર’ નામે જાણીતા માઇકોસોફ્ટના ઇન્ટર્નલ સર્વર્સ પર પડ્યો રહ્યો. કંપનીના પ્રોગ્રામર્સ ફૂરસદના સમયમાં જે જાતભાતના અખતરા કરતા હતા કે આ ફોલ્ડરમાં જમા થતા હતા.
છેવટે કોઈ અનુભવી સીનિયર મેનેજરની આ ગેમના કોડ પર નજર પડી. તેમણે સુસાન કેર નામની એક ડિઝાઇનરને વેસ ચેરીએ બનાવેલા કોડને પોલિશ્ડ કરવાનું કામ સોંપ્યું, સુસાને આ પહેલાં એપલના મેકિન્ટોશ કમ્પ્યૂટરનો ઇન્ટરફેસ તૈયાર કરીને ખ્યાતિ મેળવી લીધી હતી.
વેસ ચેરીએ પોતે ડેવલપ કરેલા ગેમના કોડમાં ‘બોસ કી’ નામે એક શોર્ટકટ પણ ઉમેર્યો હતો. લોકો ઓફિસમાં રોજિંદું કામ કરતાં કરતાં પત્તાંની ગેમ રમવાના રવાડે ચઢે અને બરાબર ત્યારે કોઈ સીનિયર ત્યાંથી પસાર થાય તો આ ‘બોસ કી’ના શોર્ટકટથી સ્ક્રીન પરની ગેમ ફટાફટ ગાયબ થતી હતી અને એક્સેલ શીટ ઓપન થઈ જતી હતી! જોકે માઇક્રોસોફ્ટે ગેમને વિન્ડોઝમાં ઓફિશિયલી સામેલ કરી ત્યારે આ શોર્ટકટ દૂર કરવાની કાળજી લીધી હતી.
વિન્ડોઝમાં સોલિટેરની આવનજાવન
મજા જુઓ કે ૧૯૯૦થી વિન્ડોઝ ૩થી શરૂ થયેલો સોલિટેરનો સીલસીલો છેક ૨૦૧૨ સુધી વણથંભ્યો ચાલુ રહ્યો. પછી થોડો અટક્યો ને પછી નવેસરથી શરૂ થયો.
માઇક્રોસોફ્ટ કંપનીએ ૨૦૦૯માં વિન્ડોઝ ૭ લોન્ચ કર્યું ત્યારે પણ તેમાં સોલિટેર ગેમ સામેલ હતી. ત્યાં સુધીમાં લોકો માઉસથી કામ કરવા પૂરેપૂરા ટેવાઇ ગયા હતા. એટલે કોઈ ગેમથી તેને પ્રેક્ટિસ કરાવવાની જરુર રહી નહોતી. પરંતુ ગેમ ટકી ગઈ.
જોકે વર્ષ ૨૦૧૨માં વિન્ડોઝ ૮ વર્ઝન લોન્ચ કર્યું ત્યારે કંપનીએ તેની ૨૨ વર્ષ જૂની પરંપરા તોડી.
વિન્ડોઝ ૮માં સોલિટેરને વિદાય આપવામાં આવી. એ સમયે કંપનીએ ‘વિન્ડોઝ સ્ટોર’ લોન્ચ કર્યો હતો. કંપની તેને પ્રમોટ કરવા માગતી હતી. આથી કંપનીએ સોલિટેર ગેમને મૂળ વિન્ડોઝ ઇન્સ્ટોલેશનમાંથી ખસેડીને સ્ટોરમાં ઉમેરી. ગેમને વધુ આકર્ષક બનાવવા તેમાં ગેમનાં જુદાં જુદાં કલેકશન ઉમેરવામાં આવ્યાં. તેમાં ડેઇલ ચેલેન્જિસ ઉમેરાઈ. આપણે ગેમ પ્રોગેસને ક્લાઉડમાં સેવ કરી શકીએ. હવે ગેમ સાવ મફત રહેવાને બદલે ‘એડ-સપોર્ટેડ’ બની. તેમાં જાહેરાતો પણ ઉમેરાઈ ગઈ અને તેને દૂર કરવી હોય તો પ્રીમિયમ મેમ્બરશિપ પણ આવી ગઈ!
જોકે લોકોએ આ નિર્ણયનો ખાસ્સો વિરોધ કર્યો. છેવટે કંપનીએ વિન્ડોઝનાં નવાં વર્ઝન્સમાં સોલિટેરને ફરી સામેલ કરી, અલબત્ત નવા કલેક્શનવાળા સ્વરૂપે.
સમય સાથે માઇક્રોસોફ્ટ કંપનીએ સોલિટેર ગેમને સ્માર્ટફોનના સ્ક્રીન પર પણ પહોંચાડી. જોકે ગેમના અસલી ડેવલપર વેસ ચેરીને આ બધી પ્રગતિ બદલ કોઈ રોયલ્ટી ક્યારેય મળી નહીં!

વિન્ડોઝ સિસ્ટમ સતત અપડેટ કરો છો ?
જો તમારી પાસે વિન્ડોઝ ઓફિશિયલ વર્ઝનવાળું લેપટોપ કે પીસી હોય તો તેમાં વિન્ડોઝના અપડેટ્સ બાબતે તમને થોડી ગૂંચવણ રહેતી હશે. કંપની અવારનવાર અપડેટ્સ ઓફર કરતી હોય છે. આમ જુઓ તો વિન્ડોઝની સિક્યોરિટી માટે અપડેટ્સ જરૂરી છે. પરંતુ કેટલીક વાર વિન્ડોઝના અપડેટ્સમાં કંઈ ગરબડ આવી જાય તો આપણા પીસી/લેપટોપના ઉપયોગમાં અણધારી મુશ્કેલી આવી શકે છે. આના ઉપાય તરીકે આપણે બેલેન્સ્ડ એપ્રોચ અપનાવી શકીએ. આપણે પાંચેક અઠવાડિયા જેટલા લાંબા સમયગાળા સુધી અપડેટ પોઝ રાખીએ અને એ પછી એક વાર અપડેટ ચેક કરી લઇએ એવું કરી શકાય.
આ કારણે આપણે કમ સે કમ પાંચ અઠવાડિયા સુધી વિન્ડોઝનો વિના કોઈ અવરોધ ઉપયોગ કરી શકીએ!

પીસી/સ્માર્ટફોનમાં થોડી સ્પેસ ખાલી રાખો છો ?
તમે જાણતા જ હશો કે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં ઉપલબ્ધ સ્પેસ ખીચોખીચ ભરી દેવાથી તેની કાર્યક્ષમતા પર ખરાબ અસર થઈ શકે છે. સ્પેસ બાબતે કમ્પ્યૂટર અને સ્માર્ટફોન થોડા જુદી જુદી રીતે કામ કરે છે. કમ્પ્યૂટરમાં આપણે પોતાના ઉપયોગના પ્રોગ્રામ્સ ‘સી’ ડ્રાઇવમાં ઇન્સ્ટોલ કરીએ અને કામકાજની ફાઇલ્સ ‘ડી’ ડ્રાઇવમાં સેવ કરીએ એવું કરી શકાય. એ કારણે ‘સી’ ડ્રાઇવ વધુ પડતી ભરાઈ જતી નથી. સ્માર્ટફોનમાં આવાં અલગ અલગ ડિવિઝન હોતાં નથી. પરંતુ બંનેમાં આપણા પ્રોગ્રામ્સ કે એપ્સ જ્યાં ઇન્સ્ટોલ્ડ હોય તે સ્પેસ ઓછામાં ઓછી ૨૦ થી ૨૫ ટકા ખાલી રહે તો આપણું સાધન સારી રીતે પર્ફોર્મ કરી શકે છે. આ સ્ટોરેજ સ્પેસ વારંવાર તપાસીને તેને પૂરતા પ્રમાણમાં ખાલી રાખશો તો લાભમાં રહેશો.

સ્માર્ટફોનમાં જુદાં જુદાં કીબોર્ડ ટ્રાય કરો છો ?
તમે સ્માર્ટફોનનો લાંબા સમયથી ઉપયોગ કરતા હો તો તેમાં ફોન ખરીદ્યો હોય તે સમયે આવેલા ડીફોલ્ટ કીબોર્ડથી તમને કદાચ સંતોષ નહીં હોય. એટલે કીબોર્ડ પર બહેતર કંટ્રોલ મેળવવા માટે તમે ફોનમાં ગૂગલનું જીબોર્ડ કીબોર્ડ ઇન્સ્ટોલ કર્યું હશે. આ કીબોર્ડ જુદી જુદી ઘણી સ્માર્ટ સુવિધાઓ આપે છે. ખાસ કરીને ભારતીય ભાષાઓમાં ટાઇપ કરવા માટે તે ઘણું વધુ સારું છે. તેમ છતાં જીબોર્ડથી પણ તમે પૂરો સંતોષ ન હોય તો દસેક વર્ષ પહેલાં, માઇક્રોસોફ્ટ કંપનીએ ખરીદી લીધેલું સ્વિફ્ટકી કીબોર્ડ ઇન્સ્ટોલ કરી જુઓ.
સ્વિફ્ટકી કીબોર્ડ જીબોર્ડ જેવી બધી જ સુવિધાઓ આપે છે. તે ઉપરાંત ખાસ કરીને તેના પર્સનલાઇઝેશનના મુદ્દે ઘણા લોકોને જીબોર્ડ કરતાં બહેતર લાગે છે. તમે પણ ટ્રાય કરી જુઓ!

તમે ગૂગલ મેપ્સ વાપરો છો કે ફાઈન્ડ હબ ?
મોટા ભાગે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપ તો હશે જ. વિવિધ લોકેશન વિશે સર્ચ કરવા માટે કે કોઈ જગ્યાએ પહોંચવું હોય તો તેના નેવિગેશન માટે તમે આ એપનો ભરપૂર ઉપયોગ કરતા પણ હશો. તેમાં લોકેશન શેરિંગ ફીચરનો પણ તમે ઉપયોગ કરતા હશો.
પરંતુ તમે નજીકના કોઈ ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર સાથે પોતાનું લાઇવ લોકેશન સતત શેર કરતા હો તો તમારે ફોનમાં ગૂગલની જ બીજી એક એપ ફાઇન્ડ હબ ઇન્સ્ટોલ કરવા જેવી છે. આ એપનું બધું ફોકસ લોકેશન ટ્રેકિંગ પર છે. તેમાં તમે નજીકના સ્વજનો ઉપરાંત તમે ગૂગલ એકાઉન્ટથી લોગ્ડઇન હો તેવા જુદા જુદા ડિવાઇસ, મહત્ત્વની ચીજવસ્તુઓને લગાવેલા ખાસ પ્રકારના ટ્રેકર ટેગ્ઝ વગેરે ટ્રેક કરવાનું કામ સહેલું બનશે.