After France This Countries in line: ફ્રાન્સની સરકારે હાલમાં જ એક ખૂબ જ મોટો બદલાવ કર્યો છે. આ બદલાવને કારણે અમેરિકા અને અમેરિકાની કંપનીઓને ખૂબ જ મોટો ફટકો પડશે. વિશ્વમાં ડિજિટલ સ્વાયત્તતા તરફનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ફ્રાન્સના તાજેતરના નિર્ણય બાદ હવે અનેક દેશો પણ ઓપન-સોર્સ ટેક્નોલોજી તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા જેવા દેશો ભવિષ્યમાં Linux આધારિત સિસ્ટમ તરફ મોટું પગલું ભરી શકે છે.
ફ્રાન્સ દ્વારા મોટો બદલાવ કરતાં નક્કી કરવામાં આવ્યું છે કે હવે તમામ સરકારી સિસ્ટમમાં Microsoft Windowsને બદલે ઓપન-સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ Linuxનો ઉપયોગ કરવામાં આવશે. આ પગલું ફ્રાન્સની અમેરિકન ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. ફ્રાન્સના મંત્રી David Amielએ જણાવ્યું કે આ પરિવર્તન ‘અમારા ડિજિટલ ભવિષ્ય પર ફરીથી નિયંત્રણ મેળવવા અને અમેરિકન ટેક કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટેનો એક પ્રયાસ છે.’ અમેરિકા દ્વારા દુનિયાભરમાં જે પોતાનું કન્ટ્રોલ હોવાની વાત કરવામાં આવી રહી છે એને કારણે દરેક દેશ હવે પોતાની સેફ સાઇડ શોધી રહ્યું છે. ખાસ કરીને ટ્રેડ-વોર શરૂ થાય બાદ દરેક દેશ આત્મનિર્ભર થવા તરફ વળ્યો છે.
ડિજિટલ દુનિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો હેતુ
David Amielએ ભારપૂર્વક જણાવ્યું કે ફ્રાન્સ સરકાર હવે તેના ડેટા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાનું નિયંત્રણ ન હોવાના અભાવને સહન કરી શકતી નથી. Linux તરફ વળવાનો ફ્રાન્સનો આ નિર્ણય તેમના એક મોટા બદલાવનો એક ભાગ છે. ફ્રાન્સ હવે ડિજિટલ દુનિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો હેતુ ધરાવે છે. એટલે કે પોતાના દેશમાં વિકસિત ટેક્નોલોજી અને ક્લાઉડ સેવાઓનો તેઓ હવે ઉપયોગ કરવા માગે છે. આ પગલું અમેરિકામાં Donald Trump પ્રશાસન તરફથી વધતી અસ્થિરતા અને અનિશ્ચિતતા અંગેની ચિંતાઓ વચ્ચે લેવામાં આવ્યું છે. Donald Trump જ્યારથી અમેરિકાની સત્તા પર આવ્યા છે ત્યારથી દુનિયામાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આવતી કાલે શું થશે એ કોઈને ખબર નથી હોતી. આથી દરેક દેશ આત્મનિર્ભર રહેવા તરફ વળી રહ્યું છે.
યુરોપની પાર્લામેન્ટના રસ્તે ફ્રાન્સ
ફ્રાન્સનો Windows છોડવાનો નિર્ણય યુરોપિયન પાર્લામેન્ટના આ મુજબના નિર્ણય બાદ જ લેવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુરોપિયન કમિશનને વિદેશી પ્રોવાઇડર્સ પરની નિર્ભરતા ઘટાડવાના માર્ગો શોધવાનું નક્કી કર્યું છે. યુરોપિયન યુનિયનનો આ નિર્ણય પણ ફ્રાન્સ દ્વારા Microsoft Teamsને બદલે Visio (એક ફ્રાન્સમાં બનાવાયેલું ટૂલ, જે ઓપન-સોર્સ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ વીડિયો મીટિંગ પ્લેટફોર્મ Jitsi પર આધારિત છે) અપનાવવાની યોજના જાહેર કર્યા બાદ લેવામાં આવ્યું હતું. જોકે યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું ત્યાર બાદ ફ્રાન્સ હવે વધુ એક મોટો નિર્ણય લેવા તરફ જઈ રહ્યું છે.
આ પણ વાંચો: Instagramનું નવું ફીચર: હવે 15 મિનિટની અંદર કમેન્ટ એડિટ કરી શકશે યુઝર્સ
Linuxની શરૂઆત ક્યાંથી થશે?
Microsoft Windowsની જગ્યાએ Linuxનો ઉપયોગ કરવાની શરૂઆત ફ્રાન્સની Interministerial Directorate for Digital Affairs (DINUM)માં ઉપયોગમાં લેવાતા મશીનો સાથે શરૂ થશે. ત્યાર બાદ ધીમે-ધીમે દરેક સરકારી સિસ્ટમને બદલી કાઢવામાં આવશે. જોકે આ બદલાવ માટે કોઈ ચોક્કસ સમયરેખા આપવામાં આવી નથી. આ સાથે જ કોના દ્વારા અથવા તો કયા કોન્ટ્રાક્ટરને આ માટે જવાબદારી આપવામાં આવી છે એ વિશે પણ કોઈ માહિતી આપવામાં નથી આવી. ફ્રાન્સ સરકાર મોટી ટેક કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડીને અને તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફરીથી નિયંત્રણ મેળવવાની કોશિશ કરી રહી છે અને એ માટે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.
વિયેતનામ: સાયલન્ટ ટેક પાવરહાઉસ
વિયેતનામ હાલ દુનિયાનો સૌથી ઓછો ચર્ચાતો પરંતુ ઝડપથી આગળ વધતો ટેક દેશોમાંનો એક છે. સરકાર દ્વારા ડિજિટલ સ્વતંત્રતા પર મજબૂત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક ટેક ટેલેન્ટનો ઝડપી વિકાસ અને શિક્ષણ તથા સોફ્ટવેર ડેવલપમેન્ટમાં ભારે રોકાણ તેમને અનોખી સ્થિતિમાં મૂકે છે.
ભવિષ્યમાં વિયેતનામ સરકાર પોતાની સિસ્ટમોને Linux પર શિફ્ટ કરી શકે છે અને સાથે જ પોતાના એપ્સ, ક્લાઉડ અને ટેક પ્લેટફોર્મની સંપૂર્ણ ઇકોસિસ્ટમ પણ વિકસાવી શકે છે.
સાઉથ આફ્રિકા: ખર્ચ અને એક્સેસિબિલિટીને કારણે શિફ્ટ થવાનું પ્લાનિંગ
સાઉથ આફ્રિકા વર્ષોથી ઓપન-સોર્સ ટેક્નોલોજીમાં રસ બતાવી રહ્યું છે, પરંતુ તેનો અભિગમ રાજકીય નહીં પરંતુ પ્રેક્ટિકલ છે. દેશમાં Linux નો ઉપયોગ સરકાર અને શિક્ષણ ક્ષેત્રમાં વધારવાની સંભાવના છે. ખાસ કરીને શાળાઓ અને યુનિવર્સિટીઓમાં ઓપન-સોર્સ અપનાવવાથી ઓછી કિંમતમાં ટેક્નોલોજી ઉપલબ્ધ બની શકે છે અને ભવિષ્યમાં Linux-ફ્રેન્ડલી વર્કફોર્સ તૈયાર થઈ શકે છે.
સાઉથ આફ્રિકા માટે મુખ્ય હેતુ ટેક્નોલોજીને વધુ સસ્તી અને દરેક લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવી બનાવવાનો છે. સાઉથ આફ્રિકા હવે વિદેશી મોંઘા સોફ્ટવેર પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. જોકે મર્યાદિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બજેટની સમસ્યા અને વૈશ્વિક ટેક કંપનીઓ પરની નિર્ભરતા જેવા પડકારો હજુ પણ અડચણરૂપ છે. ભવિષ્યમાં Linux નો ઉપયોગ વધશે, પરંતુ Windows નો સંપૂર્ણ વિકલ્પ બનવાની શક્યતા હાલ પૂરતી ઓછી છે.
બ્રાઝિલ: ધીમે પણ સ્થિર પગલાં
બ્રાઝિલ ફ્રાન્સની જેવી અચાનક જાહેરાત નથી કરી રહ્યું, પરંતુ તેનો માર્ગ સ્પષ્ટ છે. તેઓ હવે ઓપન-સોર્સ અને ટેક્નોલોજી પર પોતાનું નિયંત્રણ હોય એ તરફ વળી રહ્યા છે. બ્રાઝિલ સરકાર Linux અને અન્ય ઓપન-સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ વધારવા, મોંઘા વિદેશી લાયસન્સ ખર્ચ ઘટાડવા અને સ્થાનિક IT ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ખાસ કરીને ડેટા સોવરનેટી માટે બ્રાઝિલ પોતાના ડેટા સેન્ટર્સ, સરકારી ક્લાઉડ સેવાઓ અને દેશની અંદર ડેટા રાખવાની નીતિઓ પર કામ કરી રહ્યું છે. જોકે, પ્રાઇવેટ સેક્ટરમાં અમેરિકન ટેક્નોલોજી પર મોટી નિર્ભરતા, ટેકનિકલ કુશળતાની અછત અને રાજકીય ફેરફારો જેવી સમસ્યાઓ તેની ગતિ ધીમી કરી શકે છે. તેમ છતાં, બ્રાઝિલ ધીમે ધીમે Linux તરફ આગળ વધશે, ખાસ કરીને સરકાર અને જાહેર સેવાઓમાં.


