Get The App

'સરકારની તરફેણ કરો નહીંતર બ્લૉક થશો...', સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ક્રાઇમ બ્રાન્ચે ધમકાવ્યો

સરકારની વિરૂદ્ધમાં નહી અને વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવવા માટે આડકતરી રીતે સમજાવાયા

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
'સરકારની તરફેણ કરો નહીંતર બ્લૉક થશો...', સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ક્રાઇમ બ્રાન્ચે ધમકાવ્યો 1 - image


Gujarat Election and Crime Branch News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ આઇબીએ સોશિયલ મીડિયા પર મુકવામાં આવતી સરકાર વિરૂદ્ધની પોસ્ટ અને તરફેણની પોસ્ટની વિગતો એકઠી કરીને પોલીસને આપી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ ચૂંટણીમાં સરકારની ભૂમિકા હોય તેમ શહેરના કેટલાંક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને બોલાવ્યા હતા અને તેમને સરકારની યોજનાઓ અંગે કામગીરી અનુસંધાનની પોસ્ટ મુકવા તેમજ વિપક્ષ કે સ્થાનિક લોકો દ્વારા દર્શાવવામાં આવતો વિરોધ ન બતાવવા માટે સમજાવટ કરીને આડકતરી રીતે દબાણ ઉભુ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇન્સ્ટાગ્રામ, યુ ટયુબ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રજાના સ્થાનિક પ્રશ્નો અને શાસક પક્ષ દ્વારા કરવામાં ન આવેલી કામગીરી અનુસંધાનમાં મુકવામાં આવતી પોસ્ટના કારણે નકારાત્મક પ્રચાર થઇ શકે તેમ હોવાનો તેમજ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાંક મુદ્દાઓને સ્થાનિક લોકો સમર્થન આપી શકે તેમ હોવાનો રિપોર્ટ ઇન્ટેલિજન્સ બ્યુરોએ આપ્યો હતો.

'સરકારની તરફેણ કરો નહીંતર બ્લૉક થશો...', સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ક્રાઇમ બ્રાન્ચે ધમકાવ્યો 2 - image

જે અનુસંધાનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચૂંટણી અંગે બિન સત્તાવાર કામગીરી સોંપી છે. જેમાં અમદાવાદમાં કામ કરતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને  ક્રાઇમબ્રાન્ચ દ્વારા તેડુ આવ્યું હતું. જેમાં  ક્રાઇમ બ્રાન્ચના કેટલાંક પોલીસ ઇન્સ્પેક્ટરોએ તમામના વ્યક્તગત બોલાવીને તેમના દ્વારા મુકવામાં આવતી પોસ્ટ અંગે રિવ્યુ કરીને સરકારને નુકશાન કરતી પોસ્ટ ન મુકવા માટે દબાણ કરીને આડકતરી રીતે ધમકાવવામાં આવ્યા હતા.

એટલું જ તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે  તેમને સરકારની યોજનાઓ અને અમદાવાદમાં કરેલી કામગીરીની પોસ્ટ તેમના સોશિયલ મીડિયા મુકવા માટે દબાણ કરાયું હતુ. જેમાં વિરોધ કરનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને ત્યાં સુધી ધમકી અપાઇ હતી કે પોલીસ તેમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને યુ ટયુબને સ્ટ્રાઇક આપીને બંધ પણ કરાવી શકે છે. જેથી મોટાભાગના લોકોએ ડરીને પોલીસને વાતને માની હતી.