Get The App

18 વર્ષ સુધી Adobeનું નેતૃત્વ કરનારા શાંતનુ નારાયણ હવે CEO પદ છોડશે, સત્ય નદેલાએ ગણાવ્યા ‘લેજન્ડ’

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
18 વર્ષ સુધી Adobeનું નેતૃત્વ કરનારા શાંતનુ નારાયણ હવે CEO પદ છોડશે, સત્ય નદેલાએ ગણાવ્યા ‘લેજન્ડ’ 1 - image

Adobe CEO Resign: સોફ્ટવેર કંપની એડોબે જાહેરાત કરી છે કે તેમના CEO શાંતનુ નારાયણ પોતાની પદવી છોડી રહ્યા છે. શાંતનુ નારાયણ ડિસેમ્બર 2007થી કંપનીના CEO તરીકે સેવા આપી રહ્યા છે અને લગભગ 18 વર્ષ બાદ તેઓ આ પદને છોડી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસ વચ્ચે એડોબની ભવિષ્યની સ્થિતિ અંગે રોકાણકારોમાં ચિંતા વધી રહી છે અને એ જ સમયે તેમણે કંપનીને પણ વિદાય આપી છે. આ જાહેરાત બાદ માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક સંદેશ શેર કરીને શાંતનુ નારાયણની લીડરશિપ અને તેમના યોગદાનની પ્રશંસા કરી છે.

સત્ય નદેલાએ શાંતનુ નારાયણને ‘લેજન્ડ’ ગણાવ્યા

સત્ય નદેલાએ જણાવ્યું કે શાંતનુ નારાયણે એડોબને વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ સોફ્ટવેર કંપનીઓમાંની એક બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ વિશે X પર સત્ય નદેલાએ લખ્યું કે, ‘શાંતનુ, એડોબમાં તમારા લેજેન્ડરી કાર્યકાળ માટે અભિનંદન! તમે વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ સોફ્ટવેર કંપનીઓમાંની એક ઉભી કરી છે અને ક્રિએટર્સ, આંત્રપ્રેન્યોર્સ અને બ્રાન્ડ્સને ઘણી મદદ મળી રહે એ માટે યોગદાન પૂરું પાડ્યું છે.’ સત્ય નદેલાએ આગળ ઉમેર્યું કે, ‘શાંતનુ નારાયણ, તમારી ફ્રેન્ડશિપ માટે આભાર, તેમ જ માર્ગદર્શક તરીકે અને આપણી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મોટું યોગદાન આપવા માટે પણ આભાર.’

શાંતનુ નારાયણ એડોબ કેમ છોડે છે?

એડોબના જણાવ્યા અનુસાર કંપનીનો નવો CEO નક્કી થાય ત્યાં સુધી શાંતનુ નારાયણ CEO તરીકેની કામગીરી ચાલુ રાખશે અને બોર્ડના અધ્યક્ષ તરીકે પણ પોતાની ભૂમિકા નિભાવશે. હાલમાં AI યુગમાં એડોબની લાંબા ગાળાની વ્યૂહરચના અંગે પ્રશ્નો ઊભા થયા છે. ગૂગલના Nano Banana જેવા AI આધારિત ઈમેજ જનરેશન ટૂલ્સના કારણે વપરાશકર્તાઓ માટે ફોટો એડિટિંગ હવે Photoshop જેવી એપ્સ વિના પણ સરળ બન્યું છે. શાંતનુ નારાયણે કર્મચારીઓને સંદેશ આપતાં જણાવ્યું કે, ‘આ કોઈ વિદાય નથી, પરંતુ વિચાર અને મૂલ્યાંકન કરવાનો સમય છે.’

કંપની પોતાની AI આધારિત પ્રોડક્ટ્સ, જેમ કે Firefly, પર પણ કામ કરી રહી છે. એડોબના જણાવ્યા મુજબ તેના AI-ફર્સ્ટ પ્રોડક્ટ્સને વપરાશકર્તાઓ તરફથી ઝડપથી સ્વીકાર મળી રહ્યો છે અને Firefly જેવી સેવાઓમાંથી આવકમાં છેલ્લા વર્ષ દરમિયાન ત્રણ ગણો વધારો નોંધાયો છે. આ વિશે શાંતનુ નારાયણે કહ્યું કે, ‘AI દ્વારા હવે ક્રિએટિવિટીનું ભવિષ્ય હાલમાં લખાઈ રહ્યું છે. AI દ્વારા હવે નવું વર્કફ્લો અને નવી રીતે પોતાની કળા દેખાડવાની રીત આકાર લઈ રહી છે.’

એડોબમાં શાંતનુ નારાયણની સફર

શાંતનુ નારાયણના કાર્યકાળ દરમિયાન એડોબમાં મોટો વિકાસ થયો છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા આશરે 3,000થી વધીને 30,000થી વધુ થઈ ગઈ છે. આવક $1 અબજથી ઓછી હતી, જે હવે વધીને $25 અબજથી વધુ થઈ છે. એડોબનું Creative Suite સર્જકો માટે સૌથી લોકપ્રિય સોફ્ટવેર પેકેજ બની ગયું, જેમાં Photoshop અને Premiere Pro જેવી એપ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક...

શાંતનુ નારાયણ 1998માં એડોબમાં એન્જિનિયરિંગ ટેકનોલોજી ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર તરીકે જોડાયા હતા. 2005માં તેઓ પ્રેસિડન્ટ અને COO બન્યા અને 2007માં CEO તરીકે નિયુક્ત થયા. 2017માં તેમને બોર્ડના ચેરમેન તરીકે પણ નિમવામાં આવ્યા હતા. એડોબમાં જોડાયા પહેલા તેઓ Apple અને Silicon Graphicsમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંબંધિત ભૂમિકાઓ ભજવી હતી. આ ઉપરાંત તેઓ ફોટો-શેરિંગ સ્ટાર્ટઅપ Pictraના કો-ફાઉન્ડર પણ છે.

એડોબની વેબસાઇટ મુજબ શાંતનુ નારાયણ પાસે પાંચ પેટન્ટ છે. તેમણે Bowling Green State Universityમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. University of California, Berkeleyમાંથી તેમણે MBA અને Osmania Universityમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે.