આવતા વર્ષથી જીમેઇલનું એક ઉપયોગી ફીચર વિદાય લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જાન્યુઆરી, ૨૦૨૭માં જીમેઇલનું એક બહુ ઉપયોગી ફીચર બંધ થશે. જો તમે જીમેઇલનો સાવ સીધોસીદો ઉપયોગ કરતા હશો તો આ ફીચર બંધ થવાથી તમને કોઈ ફેર નહીં પડે પણ તમે જીમેઇલના પાવર યૂઝર હો તો તમને ચોક્કસ આ વાત જાણીને આંચકો લાગશે. જીમેઇલમાં અત્યાર સુધી આપણને એક એવી સગવડ મળતી હતી જેને કારણે આપણે જીમેઇલનો ઉપયોગ કરતા હોઇએ તો પણ તેમાંથી જ અન્ય વ્યક્તિને આપણે યાહૂ, આઉટલૂક કે પોતાના કોઈ ડોમેઇનવાળા ઇમેઇલ આઇડીથી મેઇલ મોકલી શકીએ. આવું જીમેઇલમાંના ‘સેન્ડ એઝ’ નામના ફીચરને કારણે શક્ય બનતું હતું. એ હવે બંધ થશે. સાથોસાથ જીમેઇલના વેબ વર્ઝનમાં થર્ડ પાર્ટી ઇમેઇલ એકાઉન્ટ્સ ઉમેરવાની કે સિંક કરવાની સગવડ પણ બંધ થશે. જોકે આ સગવડ જીમેઇલની મોબાઇલ એપમાં ચાલુ રહેશે. એ જ રીતે ગૂગલ વર્કસ્પેસ એકાઉન્ટમાં પણ ‘સેન્ડ એઝ’ ફીચર મળવાનું ચાલું રહેશે. જો તમારે તમારા પર્સનલ એકાઉન્ટમાં ‘સેન્ડ એઝ’ ફીચરનો લાભ લેવાનું ચાલુ રાખવું હોય તો થંડરબર્ડ કે આઉટલૂક જેવા ડેસ્કટોપ ઇમેઇલ ક્લાયન્ટનો ઉપયોગ કરવો પડશે.




