વેસ્ટ ઝોનની મજબુત ટીમ બનાવવા આવતીકાલે પાંચે વિભાગના કલાકારોની થશે પસંદગી
ભાવનગર, તા. 13 નવેમ્બર 2019, બુધવાર
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના આંતર કોલેજ યુવક મહોત્સવ પાંચ વિભાગમાં યોજાયા બાદ પ્રથમ ત્રણ ક્રમાંકના કલાકારોમાંથી વેસ્ટ ઝોન માટે યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા જનારા કલાકારોના તા.૧૫ના રોજ સિલેક્શન વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના તા. 25 થી 28 સપ્ટેમ્બર-2019 દરમિયાન આંતર કોલેજ યુવક મહોત્સવમાં સાંગીતિક વિભાગ, નાટય વિભાગ, નૃત્ય વિભાગ, લલિતકલા વિભાગ અને સાહિત્ય વિભાગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ અને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવેલ કલાકારોએ આગામી તા. 27 થી 31 ડિસેમ્બર-2019 ઉકા તરસાડિયા યુનિવર્સિટી, બારડોલી, સુરત ખાતે યોજાનાર વેસ્ટઝોન યુવક મહોત્સવ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
પોતાની સંસ્થના ઓળખપત્ર સાથે બિનચૂક ઉપસ્થિત રહેવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભવનોના અધ્યક્ષો, યુનિવર્સિટી સંચાલિત-સંલગ્ન કોલેજોના આચાર્યો અને પી.જી. સેન્ટર અને ડીપ્લોમા કોર્સના કો-ઓર્ડિનેટરોએ તેમની સંસ્થાના વિદ્યાર્થીઓને જાણ કરવી અને પસંદગ સ્થળે તા.15-11ના રોજ હાજર રહેવા જણાવાયું છે.