Gujarat

વતનમાં પરિવાર સાથે તહેવારો ઉજવવાની પરંપરાને લીધે પરિવહન ક્ષેત્રને ઘી-કેળા

By GS Team
13 Nov 20232 mins read
This article was originally published on 13 Nov 2023
વતનમાં પરિવાર સાથે તહેવારો ઉજવવાની પરંપરાને લીધે પરિવહન ક્ષેત્રને ઘી-કેળા

- રાજકોટનાં એસટી તંત્રને રૂા. 3 કરોડની કમાણી, ધનતેરસે રેલ્વેને પણ ૧ કરોડની આવક તહેવારોમાં પરિવારજનોને મળવા માટે મુસાફરોનો ઘસારો થતા હાઈ-વે ઉપર વાહનોની ઠેકઠેકાણે કતારોઃ ખાનગી ટુર ઓપરેટરો પણ કમાયા

રાજકોટ : ''નવા વર્ષમાં કુંટુબ સાથે રહેવાની મજા કંઈક ઓર હોય છે.  સૌ નાના-મોટા ભેગા થઈને દિવાળી-નુતનવર્ષનાં તહેવારની ઉજવણી કરીએ, પરસ્પરનો ભાવપ્રેમ જળવાય રહે તે પ્રકારની પરંપરા જાળવી નૂતન વર્ષ ઉજવીએ છીએ.''

સૌરાષ્ટ્રના મુળ વતની એવા અનેક પરિવારોએ દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી વતનમાં કરતાં રાજકોટ એસટી ડિવિઝન, પશ્ચિમ રેલ્વે અને ખાનગી ટુર ઓપરેટરોને ધીંગી કમાણી થઈ હતી.

રાજકોટ એસટી ડિવિઝને દિવાળીના તહેવારોમાં ૧૬૦ એકસ્ટ્રા બસો દોડાવીને માત્ર દિપાવલી પર્વમાં રૂા.૩ કરોડની કમાણી કરી છે. આ દિવસોમાં સુરત-વડોદરા, અમદાવાદ, પંચમહાલ, ગોધરા તરફ જવા ઈચ્છુક મુસાફરોનો ભારે ઘસારો  રહ્યો હતો. કાળી ચૌદશનાં દિવસે સૌથી  વધુ રૂા.૭૦ લાખની આવક થઈ હતી. એસટી તંત્રની તમામ બસોમાં તહેવારો દરમિયાન ભરચકક ટ્રાફિક રહ્યો  હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખાનગી ટુર ઓપરેટરોને પણ દિવાળીના તહેવારો ફળ્યા હોય તે રીતે લાંબા રૂટની તમામ બસોમાં હાઉસફૂલ જોવા મળી હતી. બહારગામ ફરવા ઈચ્છુકની મોટી સંખ્યા હોવાથી ખાનગી ટુર ઓપરેટરોને પણ દિવાળીના તહેવારો ફળ્યા હતા. 

રાજકોટ સ્થિત પશ્ચિમ રેલ્વેના સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં સંખ્યાબંધ પરિવારો પોતાના વતનમાં જવા ઈચ્છુક હોવાને લીધે રેલ્વે તંત્રને પણ તગડી કમાણી થઈ હતી. રેલ્વે ડિવિઝનની ધનતેરસની ચાલુ ટીકીટની એક જ દિવસની જનરલ ટીકીટની આવક એક કરોડ રૂપિયાને આંબી ગઈ હતી. ફેસ્ટીવલ દરમિયાન લોકોને સુગમતા રહે તે માટે પાંચ એકસ્ટ્રા ટ્રેન દોડાવી હતી. જેનો લાભ અનેક મુસાફરોએ લીધો હતો. 

પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવવાની પરંપરા વર્ષોથી યથાવત રહી છે. તહેવારો દરમિયાન અનેક લોકો ખાનગી વાહનો ભાડે કરી ફરવા ઉપડી જતાં હાઈ-વે ઉપર અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તહેવારોમાં પારિવારિક મિલનનાં ભાવસભર પ્રસંગો અવિસ્મરણીય બની રહ્યા હતા.