Saransh

હિમખંડના બેહદ દબાણથી જહાજનો કચ્ચરઘાણ નીકળી ગયો

By GS Team
1 Jul 20265 mins read
TukuTouch Logo
અર્નેસ્ટ શેકલટનની દક્ષિણ ધ્રુવ યાત્રા દરમિયાન વેડેલ સમુદ્રમાં 'એન્ડયુરન્સ' જહાજ બરફના જંગી ચોસલાં વચ્ચે ફસાયું. સપ્ટેમ્બરના અંતમાં તાપમાન -14.1 ડિગ્રી ફેરનહિટ હતું. ઑક્ટોબર 24ના રોજ બરફના ભારે દબાણથી જહાજનું માળખું તૂટવા લાગ્યું. 27 ઑક્ટોબરે -8.5 ડિગ્રી ફેરનહિટ તાપમાનમાં જહાજનો કચ્ચરઘાણ નીકળ્યો, અને ટીમે તેને છોડી દીધું.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમખંડના બેહદ દબાણથી જહાજનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • અર્નેસ્ટ શેકલટનની દક્ષિણ ધુ્રવની સાહસયાત્રા દરમિયાન વેડેલ સમુદ્રમાં
  • સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
  • ભાગ-12
  • જહાજની ચોતરફ બરફના જંગી ચોસલા અને બરફની પાટોનું ભીંસી નાંખતું દબાણ
  • વેડેલ સમુદ્ર એટલે દુનિયાનો અતિ જોખમી અને ખતરનાક સમુદ્ર
    સપ્ટેમ્બરના અંત સુધી તો અમને બરફના પહાડ કે હિમની પાટોનો મોટો કોઇ ખાસ અવરોધ નડયો નહીં. પરંતુ દૂર દૂર અમને કદાચ બરફના દબાણની સમસ્યા સર્જાવાનો અણસાર મળી ગયો 'તો.
    હવે ગ્રીષ્મ ઋતુના પગરણ મંડાઇ રહ્યા હતા અને તે દરમિયાન કોઇ સમસ્યા સર્જાય તો તે માટેની તૈયારીઓ અમે કરવા માંડી હતી.
    તા.૪થી સપ્ટેમ્બરે ટેમ્પરેચર માઇનસ ૧૪.૧ ફેરનહિટ હતું. તા.૭મીએ ટેમ્પરેચરમાં થોડો વધારો થયો. સપ્ટેમ્બરની અધવચ્ચે ડોગ્સ માટેના તાજા માંસના જથ્થામાં ઘટાડો થઇ ગયો હતો. જહાજ આસપાસ હવે સીલ કે પેંગ્વિંન દેખાતા નહોતા. ટૂંકમાં કોઇ જ જળચર પ્રાણી હવે નજરે નહોતા પડતા.
    તા.૨૩મી સપ્ટેમ્બરે જહાજના સ્ટાફના કેટલાક માણસો જહાજની પશ્ચિમે લગભગ સાતેક માઇલની દૂરી પર આવેલા એક જંગી હિમખંડ સુધી જઇ આવ્યા. ત્યાં તેઓ આ બરફના મોટા પહાડ પર ૧૧૦ ફૂટની ઊંચાઇ સુધી ચઢ્યા. આટલી ઊંચાઇએ ચઢ્યા પછી પણ તેમને દૂર સુધી કોઇ જમીન ન દેખાઇ.
    સપ્ટેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન જહાજ આસપાસ બરફની પાટોનું દબાણ વધતું ગયું. બરફના પહાડો પણ જહાજ નજીક આવતા રહેતા હતા.
    તા.૩૦મી સપ્ટેમ્બરનો દિવસ અત્યંત ખરાબ ગયો. બપોરે ત્રણના સુમારે જહાજની આગલી ડાબી બાજુએ જંગી હિમખંડનું દબાણ જબરદસ્ત વધી ગયું. અત્યાર સુધી અમે મહેસૂસ કરેલા દબાણ પૈકી આજનું દબાણ અતિશય વધારે ખરાબ હતું.
    જહાજના ડક ધુ્રજી ઉઠયા, લાકડાના બીમ વાંકા વળી ગયા અને જહાજના કેટલાક થાંભલા કડડભૂસ થઇ ગયા. કોઇપણ ''ઇમરજન્સી'' સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા મેં બધાને આદેશ આપ્યા. આ બધી ઊથલપાથલ જોઇ સ્લેજ ગાડીના ડોગ્સ પણ ગભરાઇ ગયા. સાવધાનીમાં તેમના બધાના કાન સરવા થઇ ગયા.
    ચોતરફ બરફના પહાડ અને પાટોના અતિશય જંગી દબાણ વચ્ચે અમારૃં જહાજ શટલકોકની જેમ આમથી તેમ ફંગોળાતું રહ્યું. આટલી કપરી અને ચિંતાજનક સ્થિતિમાં પણ ''એન્ડયુરન્સ'' જહાજ ભારે ઝીંક ઝીલતું રહ્યું. લગભગ ૧૦ લાખ ટન જેટલા ''હેવી પ્રેશર'' વચ્ચેથી માર્ગ કરતું અમારૃં જહાજ હેમખેમ બહાર નીકળી ગયું. બધાના મનમાં બચી ગયાનો હાશકારો વર્તાયો.
    અમે હવે વેડેલ સમુદ્રની પશ્ચિમી સાઈડ તરફ જઈ રહ્યા હતા. આ જળમાર્ગમાં સૌથી વધારે પ્રમાણમાં મોટા મોટા હિમખંડોનો અવરોધ અમારી સામે આવવાનો હતો.
    વિશ્વના સૌથી વધારે ખતરનાક ગણાતા વેડેલ સમુદ્રનો (Weddell Sea) આ અત્યંત જોખમી જળ વિસ્તાર ગણાતો હતો. અહીં ભારે ઝંઝાવાતી પવનોના કારણે જળ પ્રવાહની ગતિ પણ અતિ તેજ હતી, જેમાં બરફની જંગી પાટો કે ચોસલા દરિયાઈ પ્રવાહમાં ચોતરફ ફંગોળાઈ ભારે દબાણ ઊભું કરતા હતા.
    અહીં અમારી સામે સૌથી ગંભીર પ્રશ્ન એ હતો કે આ તોફાની દરિયો અમને હજી વધારે જોખમી જળ વિસ્તારમાં ઢસડી જાય તે પહેલાં બરફ વચ્ચેથી માર્ગ કરીને અમારૃં જહાજ ઝડપથી સલામત જળ વિસ્તારમાં જઈ શકશે કે નહીં? ઓકટોબર મહિનો અમે બધાએ આ ચિંતામાં જ પસાર કર્યો. વચ્ચે વચ્ચે જહાજ પરનું દબાણ થોડું ઓછું થવાથી અમને થોડી રાહત થતી હતી.
    તાપમાન માઈનસ ૨૪.૫ ડિગ્રી ફેરનહિટ જેટલું નીચું ઊતરી ગયું હતું. ગાત્રો ગાળી નાંખે તેવી ભયંકર ઠંડીમાં દરિયાઈ બરફ વધારેને વધારે થીજી જવાથી તેની જાડાઈ મહત્તમ થઈ ગઈ હતી.
    જોકે તા. ૧૦મી ઓકટોબરે તાપમાન વધીને પ્લસ ૨૯.૮ ડિગ્રી ફેરનહિટ થઈ ગયું. જહાજ પર જામેલો બરફ થોડો થોડો પીગળતા ડેકસ પરથી પાણીના ટીપા ટપકવા શરૂ થયા હતા. ઊપરના ડેક પરથી તો બધો જ બરફ પીગળી ચૂક્યો હતો.
    આગળના સંખ્યાબંધ દિવસો સુધી તો તાપમાન સરખામણીમાં ઊંચું રહ્યું.
    તા.૧૪મીએ દક્ષિણ પશ્ચિમી પવનોએ ઝંઝાવાતનું સ્વરૂપ પકડયું અને ટેમ્પરેચર ઘટીને માઈનસ ૧ ડિગ્રી થઈ ગયું. દરિયામાં જાણે પવનનું નહીં પણ બરફનું તોફાન સર્જાયું. તા. ૧૮મી ઓકટોબરની બપોરે જહાજની બંને બાજુએ દરિયાઈ જળમાં તરતા મોટા હિમખંડો જહાજની સાવ જ નજીક આવી જતા જહાજની બંને બાજુએ બરફનું દબાણ પુષ્કળ વધી ગયું.
    જહાજ અતિશય હાલક ડોલક થતા ડેક પરની ચીજ-વસ્તુઓ ધડાકાભેર નીચે ગબડવા માંડી, દરિયાઈ મોજામાં જહાજની ઉછળકુદ વધવાથી સ્લેજ ગાડીના ડોગ્સે પણ ગભરાઈને ભસાભસ શરૂ કર્યૂં. થોડીવાર તો અમને એવું જ લાગ્યું કે ગમે તે ઘડીએ આ જહાજ કદાચ ઊંધુ થઈ જશે…
    પણ સદ્નશીબે આવું કાંઈ ન થયું. ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી ગઈ. રાત્રે આઠ વાગ્યે જહાજ સ્થિર થઈ ગયું. તા. ૧૯મીએ સવારે આકાશ વાદળછાયું હતું અને વચ્ચે વચ્ચે બરફ વર્ષા પણ થતી હતી. પણ ટેમ્પરેચર +૧૨ ડિગ્રી ફેરનહિટ હતું.
    તા.૨૪ ઓકટોબરે જે કાંઈ બન્યું તે 'Endurance' જહાજના અંતના આરંભ સમાન હતું. શિયાળો પુરો થઈ ગયો હોવાથી હવે અહીં વેડેલ સમુદ્રમાં લગભગ ૨૨ કલાકનો દિવસ થઈ ગયો'તો.
    આખો દિવસ બરફના ચોસલા જહાજ નજીક આવતા રહેતા હતા. ચોતરફથી અમારા જહાજને બરફની પાટો કે ચોસલા અને બરફના ડુંગરોએ ઘેરી લીધું હતું. ચારેબાજુએથી જહાજ પર ભયંકર દબાણ વધી ગયું હતું.
    બરફના આ ચોતરફના દબાણથી જહાજ ભયંકર રીતે હાલક ડોલક થવા માંડયું. તા. ૨૫મીની સવારે આકાશ ખૂબ વાદળછાયું થયું અને ભારે ધુમ્મસથી આગળનું કાંઈ દેખાતું નહોતું.
    ઢળતી સાંજે ૭ વાગે આસપાસના બરફની વિશાળ પાટોનું દબાણ એટલુ વધી ગયું કે આગળથી છેક પાછળના ભાગ સુધી જહાજ મચકોડાઈ ગયું, લાકડાના બીમ વાંકા વળી ગયા અને જહાજનું આખું માળખું તૂટવા લાગ્યું હતું.
    લાખ્ખો ટન વજનના બરફના જંગી ચોસલાના અસહ્ય દબાણ સામે નાનકડું 'ઈહગેચિહબી' જહાજ ક્યાં સુધી ઝીંક ઝીલી શકે?
    નીચેના ભાગમાં તૂટેલા જહાજમાંથી દરિયાઈ જળ અંદર ધસી રહ્યું'તું. રાત્રે ૯ વાગે મેં જીવનરક્ષક હોડીઓ, ખાદ્ય સામગ્રી, સ્લેજ ગાડીઓ અને ડોગ્સને જહાજમાંથી નીચે ઊતારવા માટે ખલાસીઓને આદેશ આપ્યો.
    છેવટે એ કમનશીબ દિવસ આવી ગયો…બુધવારને તા. ૨૭ ઓકટોબર, એ દિવસનું ટેમ્પરેચર માઈનસ ૮.૫ ડિગ્રી ફેરનહિટ હતું. અમારા જહાજનો અંતિમ દિવસ આવી ગયો હતો.
    બરફના દબાણથી જહાજ એટલી હદે કચડાઈને દબાઈ ગયું હતું કે કોઈ પણ રીતે હવે તેનું સમારકામ થઈ શકે તેમજ નહોતું.
    જહાજનો પુરેપુરો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સાંજે ૫ વાગે મેં તમામ સ્ટાફને જહાજ છોડીને નીચે બરફ પર ઊતરી જવાની સૂચના આપી.
    એ પછી અર્નેસ્ટ શેકલટનની ટીમ કઈ રીતે આગળ વધી, દક્ષિણ ધુ્રવની સફર પુરી કરી કે નહીં? તેની જીવ સટોસટની વાત હજી બહુ લાંબી છે…થ્રિલર જેવી વાત આ કોલમમાં પુરેપુરી સમાવાય તેવી નથી…

(સંપૂર્ણ)