ગોલ્ડમેન બેન્કના બોર્ડમાંથી રજત ગુપ્તાની વિદાય

ગોલ્ડમેનના CEO પણ રજત ગુપ્તા બોર્ડની ચૂંટણીમાંથી ખસી જાય તેમ ઈચ્છતા હતા
અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં રજત ગુપ્તા વિરૂદ્ધ ન્યૂઝ સ્ટોરી છપાઈ
હું હતાશ થઇ ગયો. મને કેમ કોઇ કશી માહિતી નથી આપતું ? ગોલ્ડમેનની લિગલ ટીમ, ગોલ્ડમેનના CEO લોઇડ બ્લેન્કફેઇન કે જહોન બ્રિઆન, આ એકેય તરફથી મને કોઇ માહિતી મળતી નહોતી.
વર્ષ ૨૦૧૦ના માર્ચમાં હું મારા પરિવાર સાથે ફલોરિડા ટૂંકુ વેકેશન ગાળવા ગયો હતો, તે વેળા મારા લોયર તરફથી મને ફોન કોલ આવ્યો કે, ''ગોલ્ડમેનના લોયરે અમને એક વાતની તમને જાણ કરવાની કહી છે.
''કઇ વાતની જાણ તમારે મને કરવાની છે?'' મેં સવાલ કર્યો ''એ લોકોએ અમને કહ્યું છે કે ગોલ્ડમેનના ડિરેકટર બોર્ડની ચૂંટણીમાં જો તમે ઊભા રહેશો તો રાજરત્નમ કેસમાં તમારી સામે થયેલા આક્ષેપોની વાત એ લોકો બોર્ડ સમક્ષ જાહેર કરી દેશે.''
મેં સામો સવાલ કર્યો કે, ગોલ્ડમેને જે આંતરિક તપાસ કરાવી હતી તેનું શું પરિણામ આવ્યું ? શું ગોલ્ડમેનનું બોર્ડ મને દોષિત માને છે ? પણ મારા લોયર પાસે આ બે સવાલના જવાબ નહોતા.
હું એ રાત્રે જ ન્યૂયોર્ક પાછો જવાનો હતો. કારણ બીજા દિવસે ગોલ્ડમેનની બોર્ડ મીટિંગ હતી. મારી પાસે વિચારવાનો સમય બહુ ઓછો હતો. ગોલ્ડમેનના આખા બોર્ડને મારા વિરૂધ્ધના આક્ષેપોની જાણ થઇ જાય તો મારી પ્રતિષ્ઠાનું શું ? રાજરત્નમના ઇન્સાઇડર ટ્રેડિંગના કિસ્સામાં મારૂં નામ પણ હોવાની વાત બધાને ખબર પડે તો મારી આબરૂ ધૂળધાણી થઇ જાય. એટલે મારી પાસે એક જ વિકલ્પ હતો - બોર્ડની ચૂંટણીમાંથી ખસી જઇને ફરી ચૂંટણી ના લડવી.
પણ બીજી બાજુ મને એવો પણ વિચાર આવતો હતો કે મેં કશું ખોટુ કર્યૂં જ નથી તો પછી મારે શા માટે ઝુકી જઇને ચૂંટણીમાંથી પીછેહઠ કરવી જોઇએ ?
એ રાત્રે ડ્રિન્ક માટે જહોન બ્રિઆનને મળ્યો ત્યારે મેં તેમની સલાહ પૂછી કે મારે શું કરવું જોઇએ ?
તેમણે મને સલાહ આપી કે, તમારે ચૂંટણીમાંથી ખસી જવું જોઇએ. ગોલ્ડમેનની આંતરિક તપાસના ન્યૂઝ જાહેર થઇ જાય તો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનું નિશ્ચિત છે. બીજું એ કે જે કંપનીને હવે તમારામાં વિશ્વાસ જ નથી રહ્યો, તેની સાથે તમે શા માટે જોડાઇ રહેવાનું પસંદ કરો છો ?
તા.૫ માર્ચ, ૨૦૧૦ ની ગોલ્ડમેન બોર્ડની મીટિંગ મારા માટે છેલ્લી હતી. ગોલ્ડમેનના CEO લોઇડ બ્લેન્કફેને પણ હું ગોલ્ડમેનની ચૂંટણી ના લડું એમ સ્પષ્ટતાપૂર્વક જણાવી દીધું હતું.
CEO બ્લેન્કફેેેને મને ખાતરી આપી હતી કે બોર્ડની ચૂંટણીમાંથી તમારા હટી જવા પાછળનું કારણ ગુપ્ત જ રખાશે અમે કોઇને કહીશું નહીં.
આથી બોર્ડ મીટિંગમાં મેં સહજરીતે જાહેરાત કરી કે મેં બહુ વર્ષો બોર્ડમાં કામ કર્યું છે. હવે હું સ્વેચ્છાએ જવા માંગુ છું. ફિલોસોફિકલ ટોનમાં મેં આ વાત કરતા બોર્ડના બીજા સભ્યો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. CEO બ્લેન્કફેઇને જાણે પોતે પરાણે બોલવું પડતું હોય એવા સ્વરમાં મારી સેવાઓ બદલ મારો આભાર માન્યો અને આમ ગોલ્ડમેનના બોર્ડની મારી મુદતનો અંત આવી ગયો.
પણ આશ્ચર્યની વાત મને પછીથી ખબર પડી કે બોર્ડ મીટિંગમાંથી હું જેવો બહાર નીકળ્યો કે તુરત CEO બ્લેન્કફેઇને તેમણે પોતે જ મને આપેલા વચનનો ભંગ કર્યો. બોર્ડની ચૂંટણીમાંથી હું કેમ ખસી ગયો તે પાછળનું કારણ તેમણે જ બધાને કહી દીધું, અને તેમણે મને આ વાત ગુપ્ત રાખવાની આપેલી ખાતરીનો ભંગ કરી દીધો. હવે મને પસ્તાવો થયો. ગોલ્ડમેનના CEO લોઇડ બ્લેન્કફેને અગાઉ મને કરેલી વાત મારે માનવા જેવી જ નહોતી.
તે વખતે લોઇડે મને એમ કહ્યું હતું કે જો તમે બોર્ડની ચૂંટણીમાંથી નહીં હટી જાવ તો તમારા વિરૂધ્ધના આક્ષેપોની બધી જ વાત હું બોર્ડ મેમ્બર્સને કહી દઇશ. એ વખતે મારે લોઇડની આ ધમકીથી ગભરાયા વગર એને કહેવાની જરૂર હતી કે ભલે તમે બોર્ડ મેમ્બર્સને મારા વિરૂધ્ધના આક્ષેપોની વાત કરી દેજો. ગોલ્ડમેનના બોર્ડની ચૂંટણીમાંથી હું હટી ગયો છતાં CEO લોઇડે બોર્ડ મેમ્બર્સને મારા વિરૂધ્ધના આક્ષેપોની વાત તો લીક કરી જ દીધી, જે તેમણે નહોતી કરવી જોઈતી.
આ મીટિંગના એકાદ મહિના પછી એપ્રિલમાં હું મુંબઇ ગયો. અમેરિકામાં મારા વિરૂધ્ધની ખોટી અફવા અને આક્ષેપોના પ્રદુષિત માહોલમાંથી થોડો વખત અળગા થવાના આશયથી મુંબઇ જવાનો મેં પ્લાન ગોઠવ્યો હતો.
મુંબઇ એરપોર્ટ પર પ્લેનમાંથી ઊતર્યા પછી મેં મારો મોબાઇલ સ્વીચ ઓન કરતા તેમાં 'વોલ સ્ટ્રીટ જર્નલ'ની એક મહિલા રિપોર્ટરનો વોઇસમેલ સાંભળવા મળ્યો: ગોલ્ડમેન સાક્સ વિશે તમે રાજ રત્નમને 'ટીપ્સ' (અગત્યની બાતમી) આપી હોવાના આક્ષેપ અંગે તમારા વિરૂધ્ધ તપાસ ચાલી રહી છે, અને અમે આવતીકાલના અમારા અખબારમાં આ વિશે 'ન્યૂઝ સ્ટોરી' છાપવાના છે.''
મારે જો આ ન્યૂઝ અંગે કોઇ કોમેન્ટ કરવી હોય તો અમુક સમય મર્યાદામાં ફોન કરવાનું કહી એ લેડી રિપોર્ટરે એનો નંબર પણ આપ્યો હતો. પણ મેં એનો આ મેસેજ બહુ મોડો જોયો. મારી કોમેન્ટ લખાવાની સમય મર્યાદા જતી રહી હતી. અમેરિકામાં 'વોલસ્ટ્રીટ જર્નલ' અખબારમાં મારા વિરૂધ્ધની ન્યૂઝ સ્ટોરી છપાવા માટે જતી પણ રહી હશે, એટલે હવે મારે એ લેડી રિપોર્ટરને અત્યારે ફોન કરવાનો કોઈ અર્થ નહોતો.
બીજા દિવસે મેં જોયું તો 'વોલસ્ટ્રીટ જર્નલ' માં પહેલા પાને હેડલાઇન હતી: 'ગોલ્ડમેનના ડિરેક્ટર વિરૂધ્ધ તપાસ''.
અમેરિકાના મોર્નિંગ ન્યૂઝ પેપરમાં પહેલા પાને મોટા અક્ષરે મારા વિરૂધ્ધના આ સમાચાર વાંચીને ચિંતામાં પડી ગયેલા મારા સંખ્યાબંધ મિત્રો અને સહકાર્યકરોના મને ઇ-મલ અને વોઇસમેલ આવવા માંડયા.
વોલ સ્ટ્રીટ જર્નલના એ ન્યૂઝ આર્ટિકલમાં કોઇ નક્કર નવી વાત નહોતી લખાઇ. મેં જે વાતો સાંભળી હતી, એ બધી ગોળગોળ વાતો જ વોલ સ્ટ્રીટ જર્નલની લેડી રિપોર્ટરે લખી હતી, વળી એ આર્ટિકલની માહિતી તેને કયાંથી મળી કે કોણે આ માહિતી તેને આપી તે વિશે કાંઇ ફોડ પાડીને લખાયું નહોતું. એટલે આ આર્ટિકલની માહિતી તેને કોણે આપી તેની મને ક્યારેય ખબર પડવાની નહોતી.
પણ આના પરથી મને એ વિચાર આવ્યો કે અમેરિકાના સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ કમિશન (જીઈભ) કે ત્યાંનું ન્યાય ખાતું જન માનસમાં (મારા વિરૂધ્ધ) શંકાના બીજ રોપવા માંગતુ હોય તો આનાથી સારો બીજો કોઇ રસ્તો નથી. અર્થાત એકાદ પ્રતિષ્ઠિત અખબારમાં કોઈના વિરૂદ્ધ ન્યૂઝ આર્ટિકલ પ્રસિદ્ધ કરાવી દે, એટલે એ વ્યક્તિ વિરૂદ્ધ ઘણાં વાંચકો પૂર્વગ્રંથિ બાંધી દે.
વર્ષ-૨૦૦૮ ની મંદીના કારણે અમેરિકામાં પરિસ્થિતિ એવી સર્જાઇ હતી કે સેંકડો અમેરિકનો તેમની હોમ લોનના હપ્તા નહીં ભરી શકવાથી બેન્કોએ તેમના ગીરવે મુકેલા ઘરોનો કબ્જો લઇ લીધો હતો. વળી મંદીના કારણે ઘણાં બધાએ નોકરીઓ ગુમાવવાની નોબત આવી પડી હતી. અમેરિકાના હજારો પરિવારો આર્થિક સંકડામણમાં મુકાઇ ગયા હતા.
આવા લોકોને તેમનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું. આમ અમેરિકાની આવી આર્થિક કટોકટી માટે સ્વાભાવિક રીતે જ અમેરિકનો ફાઇનાન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને જવાબદાર ગણે અને ફાઇનાન્સ ક્ષેત્રના જવાબદાર લોકોને એની શિક્ષા મળવી જોઈએ, એવું અમેરિકનોના મગજમાં ઠસાવવાનું જરાય અઘરૂં કામ નહોતું.
વર્ષ ૨૦૦૮ માં અમેરિકાના ફાઇનાન્સ ક્ષેત્રમાં જે ગોટાળાં બહાર આવ્યા અને મંદીનો માહોલ છવાઇ ગયો તે વિશે અમેરિકન સમાજના બુધ્ધિજીવીઓ શું માને છે/ શું વિચારે છે તે વિશે તેમનો અભિગમ જાણવા માટે વર્ષ ૨૦૦૯ માં એક સર્વે હાથ ધરાયો હતો.




