તુર્કીથી સ્મગલરની સહાયથી ગ્રીસ જવાનું જોખમી હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિરીયાથી તુર્કીની ફલાઈટ 3 કલાક લેટ થયાની ખબર મળતાં જ હું નર્વસ થઈ ગઈ…
સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
ભાગ-3
અમે બે બહેનો સાથે અબ્બાજાનના જૂના ફ્રેન્ડ મુહાન્નદ પણ તુર્કી આવવાના હતા
અમારી સાથે બીજા ઘણાં લોકો પણ આવવાના હશે, તેની મને કલ્પના જ નહોતી
મોમને મારી વાત બરાબર લાગી. તે કહે, સારૃં અત્યારે મુખ્ય વાત તમે બન્ને જણ દેશ બહાર જતા રહો. અમે અહીં રહીશું. તમે ત્યાં સ્થિર થઈ જાવ પછી અમે ત્યાં આવીશું.
આ પછી તો વાત બહુ ઝડપથી આગળ વધતી ગઈ. પાપાએ નબિહના અન્કલ મજીદ, કે જેઓ પણ અમારી સાથે આવવાના હતા, તેમની સાથેય વાત કરી લીધી. યુવાન વયના મજીદને પણ હું એકાદ-બે વખત સામાજિક પ્રસંગોમાં મળી હતી.
એક વેબસાઈટ પરથી મજીદે બધી વિગતો એકઠી કરી લીધી હતી. સિરીયાથી સલામત રીતે બહાર નીકળી જવાનો સૌથી સલામત માર્ગ વિમાન માર્ગે જવાનો છે. વિમાની પ્રવાસ ભલે થોડો મોંઘો પડે, પણ એ એકદમ સુરક્ષિત રસ્તો હતો.
એ સમય એવો હતો કે સિરીયાથી પ્લેન દ્વારા તુર્કી જવા માટે કોઈ વિઝાની આવશ્યકતા નહોતી એટલે તમારી પાસે પુરતા પૈસા હોય તો તમે ઈસ્તનબુલની એર ટિકિટ સરળતાથી ખરીદી શકતા હતા. વન-વે એર ટિકિટ કઢાવવા સામે કોઈ કાયદાનો બાધ નહોતો નડતો. સિરીયા છોડવાનું કામ કોઈ રીતે ગેરકાનૂની નહોતું.
પરંતુ તુર્કી પછીનો પ્રવાસ જોખમી હતો. તુર્કીથી ગ્રીકના એકાદ ટાપુ પર પહોંચવા માટેના દરિયાઈ પ્રવાસ માટે બોટની જરૂર પડે, અને એ માટે કોઈ સ્મગલરની મદદ લેવી પડે. એક વખત અમે ગ્રીસ પહોંચી ગયા, એટલે કે યુરોપમાં પ્રવેશ કરી દઈએ પછી કોઈ ચિંતા નહીં. કારણ ગ્રીસથી જર્મનીનો ૨૫૦૦ કિલોમીટરનો પ્રવાસ અમે બસ, કાર કે ટ્રેનમાં કરી શકીએ.
જોકે હું એટલી બધી ખુશમાં હતી કે ત્યાંથી ૨૫૦૦ કિ.મી. કોઈ ચાલીને જવાનું કહે તો, એટલો લાંબો પ્રવાસ ચાલીને પણ કરી નાંખવાની મારી માનસિક તૈયારી હતી.
પાપાએ જરૂરી નાણાં જોર્ડનથી મોકલી આપતા અમે આગલા બુધવાર એટલે કે તા. ૧૨મી ઓગસ્ટની ઈસ્તનબુલ વાયા બૈરૂતની એર ટિકિટો બુક કરાવી દીધી.
મને લાગ્યું કે હવે અમારૃં જવાનું નિશ્ચિત થઈ ગયું. હવે વાત ચોક્કસ આગળ વધવાની છે. ડેડ સાથે વાત થઈ ગઈ. રસ્તામાં જેમ જેમ પૈસાની જરૂર પડતી જશે તેમ પાપા અમને વેસ્ટર્ન યુનિયન દ્વારા આવશ્યકતા મુજબના પૈસા મોકલતા રહેશે.
ઘટનાઓ એટલી ઝડપથી બની રહી હતી કે અમને આગળ કાંઈ વિચારવાનો સમય જ નહોતો મળતો. દમાસ્કસથી ફલાઈટ પકડવાને હવે એક અઠવાડિયું જ બાકી હતું. રોજ સાંજે અમે અમારા ફ્રેન્ડસ સાથે બહાર જતા અને બધાને ગુડબાય કહેતા હતા. આ કદાચ છેલ્લું ગુડબાય હતું. કારણ અમે એવું માનતા કે ફરી ક્યારેય હવે ફ્રેન્ડસને ફરી નહીં મળી શકીએ અથવા તો મળીશું તો પણ ઘણાં વર્ષો પછી કદાચ મળવાના સંજોગો સર્જાય.
સિરીયામાં ચાલતા આંતરવિગ્રહનો જલ્દી ઉકેલ આવે તેવી કોઈ સંભાવના નહોતી. સિરીયા છોડીને જતા માર્ગમાં મને કાંઈપણ થઈ જાય અથવા તો દમાસ્કસમાં રહેતા મારા ફ્રેન્ડસને કદાચ કાંઈ પણ થવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી. અમે ફ્રેન્ડસ સાથે બેસીને વાત કર્યા પછી છૂટા પડતી વખતે માંડ માંડ ખાળી રાખેલા આંસુઓ વહેતા થતા હતા.
મારા ગાઢ મિત્રો હંદિલ, આલા અને અન્યોથી છૂટા પડવાનું મારા માટે બહુ વસમું થઈ જવાનું હતું. બધા ફ્રેન્ડસે ભેગા મળી મને અમારો એક ગુ્રપ ફોટો મઢાવીને આપ્યો હતો.
મારા દાદી, કાકી,કાકા અને અન્ય સગાઓ વારાફરતી અમને મળવા માટે ઘેર આવતા રહેતા હતા.
મારી મોમ અમારા બન્ને માટે ગરમ કપડાં, બેગ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદી લાવી હતી. હું અને સારા અમારા માટે સરસ મોટી બેકપેક લઈ આવ્યા હતા. અમે નજીકના સગા અને ફ્રેન્ડસનું એક વોટસએપ ગુ્રપ પણ બનાવી દીધું, જેથી એકમેકના સંપર્કમાં રહી શકાય.
અમારા નીકળવાના દિવસે સવારે મોમ પર મજીદનો ફોન આવ્યો કે, ફલાઈટ ત્રણ કલાક લેટ છે.
અમારી ફલાઈટ ત્રણ કલાક વિલંબિત હોવાનું સાંભળી મારૃં હૃદય બે ધબકારા ચુકી ગયું. મને ગભરામણ થવા માંડી કે અમારો જવાનો પ્લાન કેન્સલ તો નહીં થઈ જાય ને ? અથવા તો સિરીયા છોડવાનો પ્લાન લાંબા સમય સુધી પાછો ઠેલાતો રહે તો શું..?
હું ખૂબ જ અધીરી થઈ ગઈ. મને જરાય ધરપત નહોતી થતી. જો કે ઘરમાં હું એકલી જ નહીં, મારી મોમ અને સારા પણ નર્વસ થઈ ગયા હતા.
પ્લેન ત્રણ કલાક મોડું હોવાની માહિતી ડબલ-ચેક કરવા માટે મજીદ અને નબિહ એરપોર્ટ પર વહેલા પહોંચવા માટે ઘેરથી જ વહેલા નીકળવાના હતા.
મેં મોમને કહ્યું હું પણ એ બન્ને સાથે એરપોર્ટ વહેલી જવા ઈચ્છું છું. તું પાછળથી સારાને લઈ એરપોર્ટ આવજે.
મજીદ અને નબિહ મને લેવા માટે મિનિવાનમાં આવી પહોંચ્યા. હું તેમની સાથે વાનમાં બેસી ગઈ, જેમાં બીજા ત્રણ-ચાર જણ હતા.
વાનમાં પાછળ બેઠેલા એક ભાઈ લગભગ ૪૦-૪૫ વર્ષની વયના હતા. તેમને જોઈ મને મારા ડેડની યાદ આવી ગઈ.
વાન ચાલુ થઈ કે તુરત પાછળ બેઠેલા ભાઈએ પોતાનો પરિચય આપતા મને કહ્યું, મારૃં નામ મુહાન્નદ છે. હું તારા અબ્બાજાનનો જૂનો ફ્રેન્ડ છું. પહેલા અમે પડોશમાં જ રહેતા હતા. હું પણ તારી સાથે તુર્કી આવવાનો છું.
એટલું કહી એ અન્કલ મૌન બેસી રહ્યા. અમારી વાન જૂના દમાસ્કસના વિસ્તારોમાં થઈ આગળ વધતી ગઈ. હું બારી બહાર જૂની મસ્જિદો, અને રસ્તા પરની દુકાનો, અને કાફે જોતી રહી. હું સેંકડો વખત આ રસ્તાઓ પરથી પસાર થઈ છું, એ બધી જૂની યાદો મારા મનમાં ચિત્રપટની જેમ પસાર થઈ ગઈ. બધા ફ્રેન્ડસ સાથે ઘણી વખત હસતા-રમતા આ રસ્તાઓ પરથી હું પસાર થઈ ચૂકી છું.
ધીમે ધીમે મકાનો, દુકાનોની સંખ્યા ઘટવા માંડી. અમે હવે એરપોર્ટ રોડ પર આવી ગયા.
એરપોર્ટ આવી ગયું. સૌથી પહેલા હું વાનમાંથી નીચે ઊતરી ગઇ. મારા પછી ઊતરતા લોકોની આંખોમાંથી આંસુ વહેતા જોઇ આશ્ચર્ય અને આઘાતથી હું ચોંકી ઊઠી. મારાથી મોટી ઉંમરના લોકોને મેં ક્યારેય આ રીતે રડતા નથી જોયા.
એરપોર્ટ આવી ગયું. સૌથી પહેલા હું વાનમાંથી નીચે ઊતરી ગઇ. મારા પછી ઊતરતા લોકોની આંખોમાંથી આંસુ વહેતા જોઇ આશ્ચર્ય અને આઘાતથી હું ચોંકી ઊઠી. મારાથી મોટી ઉંમરના લોકોને મેં ક્યારેય આ રીતે રડતા નથી જોયા.
અમારી સાથે બીજા ઘણાં લોકો આવવાના હશે, તેની મને કલ્પના સુધ્ધા નહોતી.
થોડીવાર પછી મોમ, સારા અને શાહીદ પણ એરપોર્ટ પર આવી પહોંચ્યા. મોમે આવીને તુરત મને ગળે લગાવી. તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી ન થાય તેનો મોમ સતત પ્રયાસ કરતી હોવાનું મને સ્પષ્ટ રીતે લાગતું હતું.
શાહીદને જ્યારે ખ્યાલ આવી ગયો કે અમે કાંઇ સ્વિમિંગ કોમ્પિટિશન માટે વિદેશ નથી જતા કે થોડા દિવસોમાં જ પાછા આવી જઇએ; ત્યારે એ સારાને વળગીને મોટેથી રડવા માંડી કે મને પણ સાથે લઇ જાવ.
(ક્રમશ:)









