Saransh

સરહદ ક્રોસ કઈ રીતે કરવી : દરિયાઈ માર્ગે કે ચાલીને

By GS Team
29 Jul 20265 mins read
TukuTouch Logo
ઈસ્તનબુલથી ગ્રીસ જવા માટે, સ્મગલરના વચેટિયાએ બે વિકલ્પો આપ્યા: દરિયાઈ માર્ગે અથવા ચાલતા સરહદ પાર કરીને. દરિયાઈ માર્ગે બોટ ડૂબવાનું જોખમ હતું, જ્યારે સરહદ પાર કરતા પકડાઈ જવાથી સૈનિકો ગોળી મારી શકે કે મારપીટ કરી શકે. શાહીદે સારાને રડતા-રડતા ન જવાની વિનંતી કરી. બૈરૂત એરપોર્ટ પર અપમાનજનક વર્તન અને ઈસ્તનબુલમાં લાઈફ જેકેટ ચોરીની ચેતવણી જેવી ઘટનાઓ બની.

Summarized by AI; it may make mistakes. Check important info

સરહદ ક્રોસ કઈ રીતે કરવી : દરિયાઈ માર્ગે કે ચાલીને
  • ઈસ્તનબુલથી ગ્રીસ પહોંચવા માટે સ્મગલરના વચેટિયાએ અમને બે વિકલ્પ સૂચવ્યા
  • સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
  • ભાગ-૪
  • દરિયાઈ માર્ગે જવામાં મોટું જોખમ : હોડી ડૂબે તો બધા એક સાથે મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય
  • સરહદ ક્રોસ કરવાનું જોખમ પકડાઈ જાવ તો સૈનિકો ગોળીએ ઉડાવી દે કે પછી બેરહમ મારપીટ કરે

શાહીદે રડતા રડતા સારાને કહ્યું પ્લીઝ તું ન જઇશ અથવા મને તારી સાથે લઇ જા..
સારાએ તેના બરડે ને માથે હાથ ફેરવતા કહ્યું, રડ ના. તું રડવાનું બંધ કર. તેની આંખોમાંથી આંસુ લુછતા સારાએ તેને આશ્વાસન આપતા ઉમેર્યૂં, થોડા વખતમાં જ આપણે બધા પાછા સાથે થઇ જઇશું. તું, હું, મોમ અને યુસરા બધા બીજા દેશમાં ભેગા થઇશું. માત્ર થોડા જ દિવસો કે થોડા અઠવાડિયામાં જરૂરથી આપણે બધા ભેગા થઇ જઇશું. બેબી હવે રડ ના.
સમય થતાં હું અને સારા, મોમ-શાહીદને છોડી સિક્યુરિટી ચેક માટે આગળ વધી ગયા.
અમારા વિમાને સિરીયન હવાઇ સીમા છોડી કે તુરત અમારી સાથે અપમાનજનક વર્તાવ શરૂ થઇ ગયો.
બૈરૂતના એરપોર્ટ પર અમે ઈસ્તનબુલના પ્લેન માટે રાહ જોતા હતા ત્યાં અમને બેસવા માટેની કોઇ વ્યવસ્થા નહોતી કે ખાવા માટે પણ કશું મળતું નહોતું. બેસવા માટેની કોઇ વ્યવસ્થા નહીં હોવાથી અમારે ફલોર પર બેસી જવું પડયું. એરપોર્ટ પર આવતા-જતા લેબેનિસ પ્રવાસીઓ અમારી સામે બૂરી નજરે જોતા રહેતા હતા. અમારી પાસે પૈસા, કપડા કે રહેવા માટે ઘર સુધ્ધા ન હોય, અમે જાણે ભિખારી હોઇએ એવી તુચ્છ નજર અમારા પર નાંખી બધા અમારી નજીકથી પસાર થતા હતા.
બૈરૂતથી ઈસ્તનબુલની બે કલાકની ફલાઇટ દરમિયાન પણ અમને અપમાનિત કરવાનો સિલસિલો યથાવત રહ્યો હતો, અને સૌથી વધારે અપમાન તો પ્લેને ઊતરાણ શરૂ કર્યૂં તે વેળા કરાયું.
ઈસ્તનબુલ એરપોર્ટ પર ઊતરાણ માટે વિમાને ઊંચાઇ પરથી નીચે ઉતરવાનું શરૂ કર્યૂં તે વખતે લેબેનિસ એર હોસ્ટેસે ઇન્ટરકોમ પર અગત્યની એનાઉન્સમેન્ટ શરૂ કરી : પ્લીઝ ખાસ નોંધ લેશો કે વિમાનમાંથી કોઇ પ્રવાસી લાઇફ જેકેટ ચોરી જતા પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તમે વિમાનમાંથી નીચે ઊતરતા હશો તે વેળા સિક્યુરિટી સ્ટાફ તમારી હેન્ડબેગ અને અન્ય સામાન ચેક કરશે.
આ એનાઉન્સમેન્ટ સાંભળી મેં સારા તરફ જોયું. તેના ચહેરા પર પણ આઘાત અને આશ્ચર્યના ભાવ દેખાતા હતા. એર હોસ્ટેસની આ વિચિત્ર એનાઉન્સમેન્ટ સાંભળી તેની આંખો પણ ચાર થઇ ગઇ હતી.
(આ એનાઉન્સમેન્ટ એટલા માટે કરાતી હશે કે સિરીયા છોડી ઈસ્તનબુલ આવતા સિરીયનો અહીંથી પછી દાણચોરોને પૈસા આપી બોટમાં દરિયાઇ માર્ગે ગ્રીસના કોઇ ટાપુ પર જતા રહે છે. એટલે બોટમાં લાઇફ જેકેટની કદાચ જરૂર પડે તેવા આશયથી ક્યારેક પ્રવાસીઓ પ્લેનમાંથી લાઇફ જેકેટ સંતાડીને લઇ જતા હોવાની આશંકાથી એર હોસ્ટેસે આવી એનાઉન્સમેન્ટ કરી હશે. દાણચોરો વધારે પૈસા કમાવાની લાલચમાં ક્ષમતા કરતા વધારે સિરીયનોને બોટમાં બેસાડતા હતા અને બોટમાં પુરતી સંખ્યામાં લાઇફ જેકેટ તેઓ રાખતા નથી.)
એરપોર્ટ પર અમને લેવા માટે એક વચેટિયો માણસ કાર લઇને આવ્યો હતો. તે અમને એક એપાર્ટમેન્ટમાં મુકી ગયો, અને આજની રાત ત્યાં સુઇ રહેવાની વ્યવસ્થા કરીને જતો જતો કહીને ગયો કે આગળના પ્રવાસની વાત કરવા કાલે ફરી મળીશું.
બીજે દિવસે સવારે એ આવ્યો અને ઈસ્તનબુલથી આગળની મુસાફરી વિશે વાત કરતાં તેણે કહ્યું કે હવે તમારી પાસે બે વિકલ્પ છે.: (૧) અહીંથી આપણે દરિયાઇ માર્ગે કે (૨) ચાલતા યુરોપ પહોંચી શકીએ તેમ છે.
ચાલતા જવાનો વિકલ્પ ઓછો ખર્ચાળ /ઓછો મોંઘો છે. સ્મગલરને આપણે પૈસા આપીએ એટલે તે આપણને તેના વાહનમાં ઉત્તરમાં તુર્કી-બલ્ગેરિઆની સરહદ સુધી મુકી જાય. ત્યાંથી આપણે પગે ચાલતા આગળ વધવાનું એટલે બે દિવસે આપણે બલ્ગેરિઆ પહોંચીએ. પણ સરહદ પર કોઇની સલામતીનું કશું જ ઠેકાણું નહીં.
દક્ષિણ ગ્રીક સરહદ પર ઊભી કરાયેલી ઊંચી ફેન્સિંગ એટલે કે સાદી ભાષામાં કહીએ તો સરહદ પર જે ઊંચી વાડ ગ્રીક સરકારે ઊભી કરી હતી એટલી જ ઊંચાઇની વાડ બલ્ગેરિઅન લશ્કરે પણ ઊભી કરી હતી. સરહદનો આખો વિસ્તાર પહાડી પ્રદેશ છે, અને ઊંચા-નીચા પર્વતીય રસ્તા પર ચોવીસેય કલાક બલ્ગેરિઅન સરહદ સલામતી દળના સૈનિકોનું પેટ્રોલિંગ હોય છે. લોકોમાં એવી ચર્ચા છે કે સરહદ પાસેથી કોઇ પકડાય તો, એ પછી બાળક હોય કે મહિલા, વૃધ્ધ હોય કે માંદુ માણસ, ગમે તે હોય સૈનિકો એની બરાબરની પીટાઇ કરે છે.
એવી અફવા પણ સાંભળી છે કે આ સૈનિકો ક્યારેક આવા લોકોના હાથ-પગ ભાંગી નાંખી ગાઢ જંગલમાં છોડી આવતા હતા…! પણ જો તમે નશીબદાર હોય તો સૈનિકો તમને મારઝૂડ કરવાના બદલે તમારો મોબાઈલ, તમારી પાસેના પૈસા કે પછી તમારો પાસપોર્ટ પણ પડાવી લે.
પેલો વચેટિયો માણસ આ બધુ બોલતો જતો હતો અને અમે બધા ચૂપચાપ તેને સાંભળતા હતા અમને તેની આ વાત ડરામણી લાગી.
વચેટિયાએ વાત આગળ વધારતા કહ્યું,'' યુરોપ જવાનો બીજો વિકલ્પ દરિયાઈ માર્ગ છે. સ્મગલરોની બોટમાં તુર્કીના દરિયા કિનારાથી બેસીને ગ્રીકના એકાદ ટાપુ પર પહોંચવાનું આ માટે સૌથી પહેલા અમારે અહીં ઈસ્તમ્બુલમાં એકાદ સ્મગલરનો સંપર્ક કરવો પડશે, જે તમને બધાને ગ્રીસ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપે. આ દાણચોર અહીંથી તમને બસમાં બેસાડી પહેલા તો નજીકના એકાદ દરિયા કિનારા સુધી લઈ જશે. ત્યાં બીજા પણ ઘણાં લોકો ગ્રીસ જવાની બોટની રાહ જોતા બેઠા હશે.
દરિયાઈ માર્ગે જવાનું વધારે ખર્ચાળ/મોંઘું છે…એક વ્યક્તિના ૧૫૦૦ ડોલર ચુકવવા પડે છે. આટલું કહી વચેટિયાએ વાત પુરીને પછી અમારા બધાનો અભિપ્રાય પુછયો કે દરિયાઈ માર્ગે જવા કેટલા લોકો તૈયાર છે ?
વચેટિયાનો પ્રશ્ન સાંભળી અમારા ગુ્રપમાં ભાગલા પડી ગયા.
એહમદની ઈચ્છા દરિયાઈ માર્ગે જવાની નહોતી. ૧૫૦૦ ડોલર જેવી મોટી રકમ ખર્ચી નાંખવા માટે તેનો જીવ ચાલતો નહોતો. વળી અન્ય ઘણાં સિરીયનોની જેમ તેને સમુદ્રમાં ડૂબી જવાનો પણ ડર લાગતો હતો. મજીદ, નબિહ અને મુહાન્નદને પણ દરિયાઈ માર્ગે જવાનો વિકલ્પ ખાસ પસંદ ન પડયો. માત્ર સારા અને હું, અમે બન્ને બહેનો સ્વિમિંગમાં એકસપર્ટ હોવાથી અમને દરિયાઈ માર્ગે ગ્રીસ જવામાં કોઈ વાંધો નહોતો.
બીજા બધા થોડો વખત દરિયામાં આમ-તેમ હાથ-પગ હલાવી બચવા માટે ફાંફાં મારી શકે, પરંતુ લાઈફ જેકેટસ વગર તેમના બચવાની કોઈ સંભાવના નહોતી. બધાને દરિયાનો જબરો ડર હતો.

(ક્રમશ:)