બજારમાં ઊભરી રહેલા હરીફોને ઓળખવામાં ગાફેલ ના રહો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્ટ્રેટેજિના સચોટ અમલીકરણની સાથોસાથ બીજો મહત્વનો મુદ્દો..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-૩
- નવી ટેકનોલોજીના સહારે અણધારી દિશામાંથી પણ હરીફ ઊભા થઈ શકે છે..
- ઝડપથી બદલાતા આ સમયમાં પરિવર્તનનો પવન પણ બહુ જ જોરથી ફૂંકાય છે
વધારામાં કંપનીએ અગત્યની અને જરૂરી સામગ્રીની જ ઈન્વેન્ટરી રાખવાની પધ્ધતિ અપનાવી. તેના સ્ટોરમાં ખૂબ જ થોડા પાર્ટસ રખાતા હતા. કસ્ટમર્સના ઓર્ડર મુજબના જરૂરી પાર્ટસના કંપની ઓર્ડર મુકતી હોવાથી ઈન્વેન્ટરી કોસ્ટ ઘણી ઓછી થઈ ગઈ અને કંપનીના સ્ટોરમાં પાર્ટસનો ખડકલો થતો અટકી ગયો.
ડાયરેકટ સેલ્સ અને બિલ્ડ-ટુ-ઓર્ડરનો માઈકલ ડેલનો અભિગમ, એ કાંઈ રિટેલર્સને બાયપાસ કરવાની કેવળ માર્કેટિંગ ટેકટિક નહોતી, પરંતુ ડેલની બિઝનેસ સ્ટ્રેટેજિના હાર્દ સમાન એ અભિગમ હતો.
પર્સનલ કોમ્પ્યુટર્સ (PC) ના ઉત્પાદન ક્ષેત્રે પ્રતિસ્પર્ધી કંપની કોમ્પેક, માઈકલ ડેલની કંપની ડેલ ટેકનોલોજીસ કરતાં સાઈઝ અને માર્કેટ શેરમાં ઘણી આગળ હોવા છતાં વર્ષ ૨૦૦૧ માં કોમ્પેકને પાછળ પાડી દઈ ડેલ કંપની વિશ્વમાં P.C. ઉત્પાદન ક્ષેત્રે નંબર વન બની ગઈ હતી. નવેમ્બર ૨૦૦૧ માં ડેલ કંપનીએ તેનો માર્કેટ શેર ૨૦ ટકાથી ડબલ કરી ૪૦ ટકા કરી દેવાનો લક્ષ્યાંક રાખ્યો હતો…
ંકોઈપણ કંપની જે કન્ઝયુમર્સને સીધું વેચાણ કરતી હોય તેને સ્વાભાવિક રીતે જ કેટલાક ફાયદા મળતા હોય છે જેમ કે, ઉત્પાદનના ભાવ પર કંપનીનો કન્ટ્રોલ રહે છે, રિટેલર્સની બાદબાકી થઈ જાય છે અને કંપનીના સેલ્સમેનો કેવળ પોતાની કંપનીના ઉત્પાદનોનું સીધું અને સચોટ વેચાણ કરવામાં મચી પડતા હોય છે.
પણ આ કાંઈ ડેલની કોઈ સિક્રેટ ફોર્મ્યૂલા નહોતી. અન્ય કેટલીક કંપનીઓ પણ ડાયરેકટ સેલ્સ કરતી હોવા છતાં ડેલ જેટલી સફળતા કેમ નથી મેળવી શકતી ?
ડેલની વ્યૂહરચનાના હાર્દરૂપ બીજા ત્રણેક પોઈન્ટસ પણ અન્ય કંપનીઓએ ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે-એક તો Build to order, બીજુ પ્લાનિંગનું ખૂબ જ ઉત્તમ રીતે અમલીકરણ અને ત્રીજુ ઉત્પાદન ખર્ચ પર સતત ઝીણી નજરે ધ્યાન રાખવું. આના સરવાળારૂપે માઈકલ ડેલે, મોટી પ્રતિસ્પર્ધી કંપનીને બીજા નંબરે ધકેલી દેવામાં જવલંત સફળતા મેળવી.
છેલ્લો એક અગત્યનો મુદ્દો એ છે કે ડેલ કંપનીએ છેક ૧૯૯૬ ની સાલથી ઓનલાઈન કોમ્પ્યુટર્સ વેચવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે પાંચેક વર્ષમાં, વર્ષ ૨૦૦૧ સુધીમાં ઓનલાઈન સેલનું ડેલ કોમ્પ્યુટર્સનું વેચાણ પ્રતિદિન ૧૦ લાખ ડોલરે પહોંચી ગયું હતું.
વર્ષ ૨૦૦૧ માં ટેક માર્કેટ ખૂબ ટફ હતું. છતાં ડેલ ટેકનોલોજીએ તેના કોમ્પ્યુટર્સના ભાવમાં ઘણો ઘટાડો કરતા તેના ગ્લોબલ માર્કેટ શેરમાં ઓર વધારો નોંધાયો હતો.
ડેલની આ સ્ટ્રેટેજિ કે બિઝનેસ મોડલ સફળ થવા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદનના દરેક તબક્કે સ્ટ્રેટેેજિનું અમલીકરણ અત્યંત ચોકસાઈ અને ચીવટાઈથી કરાતું હતું.
તે સમયગાળામાં ડેલ કંપનીમાં કામ કરી ચૂકેલા એક મેન્યુફેકચરિંગ એક્ઝિક્યૂટિવના કહેવા મુજબ, અત્યાર સુધીની મારી કારકિર્દીમાં જોયેલી મેન્યુફેકટરિંગ સિસ્ટમની સરખામણીમાં ડેલ કંપનીની સિસ્ટમ સૌથી શ્રેષ્ઠ મેન્યુફેકચરિંગ સિસ્ટમ છે.''
બિઝનેસમાં પ્લાનિંગના સચોટ અમલીકરણની સાથોસાથ હરીફ કે પ્રતિસ્પર્ધી કંપનીઓ પર ચાંપતી નજર રાખવાની આજના સ્પર્ધાત્મક બિઝનેસ માહોલમાં અતિ આવશ્યક છે. અમુક વખત એવી વિકટ સ્થિતિ સર્જાય છે કે કેટલાક બિઝનેસમેન બજારમાં ઊભા થઇ રહેલા નવા હરીફોને ઓળખવામાં, સમજવામાં કાં તો ગાફેલ રહે છે કે પછી તદ્દન નવા ક્ષેત્રમાંથી ઊભી થઇ રહેલી સ્પર્ધાને ઓળખવામાં થાપ ખાઇ જાય છે.
સૌથી જાણીતો દાખલો મોબાઇલ કેમેરાનો છે.
કોડક કેમેરા રોલ્સની એક જમાનામાં બોલબાલા હતી. સર્વત્ર કોડક કેમેરા રોલની જ માંગ રહેતી હતી. માર્કેટનો ૭૫ ટકા શેર તેની પાસે રહેતો હતો.
કોડકની એક વ્યૂહરચના તો અદભૂત હતી. કોડક કંપની સસ્તા કેમેરા પણ વેચતી હતી. અમુક કેમેરાની કીંમત માત્ર એક ડોલર જેટલી નીચી હતી. છતાં કોડકને કોઇ નુકસાન એટલા માટે નહોતું કે આ કેમેરામાં ફિલ્મ રોલ કોડકનો જ વપરાતો હતો અને કંપની આ રોલના વેચાણમાંથી નફો રળી લેતી હતી.
પણ ડિજિટલ ટેકનોલોજી આવતા જ કોડકનું બજાર બહુ ઝડપથી કડડભૂસ થઇ ગયું. મોબાઇલ કેમેરા તેમનો કટ્ટર હરીફ બની જશે, એવી તેમને ગંધ સુધ્ધા નહીં આવી હોય અગર તેમને ગંધ આવી હશે, તો તેની સામે કાઉન્ટર કઇ રીતે કરવું તેની સ્ટ્રેટેજિ વિચારવામાં કે ઘડવામાં તેઓ નિષ્ફળ નીવડયા.
મોબાઇલના પગલે સ્વિસના કાંડા ઘડિયાળોનું બજાર પણ સાવ જ ગગડી ગયું. અગાઉના જમાનામાં ટાઇમ જોવા માટે કાંડા ઘડિયાળ જરૂરી બની ગયું હતું. તે પછી કાંડા ઘડિયાળમાં પણ નવી નવી ડિઝાઇન આવતા મોંઘા રિસ્ટ-વોચ સ્ટેટસ સિમ્બોલ અને ફેશન સ્ટેટમેન્ટ બની ગયા હતા.
મોબાઇલે આ ઉદ્યોગની પણ પડતી કરી નાંખી. હવે આપણા દેશમાં તો મોટાભાગનાએ કાંડા ઘડિયાળ પહેરવાનું જ બંધ કરી દીધું છે.
બજારમાં જૂના પ્રતિસ્પર્ધી ઉપરાંત ઝડપથી બદલાતા સમયમાં પરિવર્તનનો પવન બહુ જોરથી ફૂંકાય છે. નવા સંશોધનો અને નવી નવી ટેકનોલોજી, જૂના પ્રોડકટનું બજાર રાતોરાત તોડી નાંખે છે.
જો તમારા બિઝનેસને વિકટ સ્થિતિ/સંજોગો વચ્ચે પણ ચાલુ રાખવો હોય, આગળ વધારવો હોય તો તમારે તમારા પ્લાનિંગના અમલીકરણમાં ખાસ ધ્યાન આપવું પડશે.
તમામ ક્ષેત્રે ઝડપી પરિવર્તનોના આ ફાસ્ટ યુગમાં જો તમારે તમારા બિઝનેસમાં મહત્વનો ફેરફાર કરવો હશે તો, બિઝનેસ સ્ટ્રેટેજિના સચોટ અમલીકરણ વિના બીજો કોઈ વિકલ્પ નથી.
અને કોઈપણ સચોટ અમલીકરણનો વિષય કાંઈ રોકેટ સાયન્સ જેવો અઘરો સબજેક્ટ નથી.
તમે કંપનીના માલિક હોય કે કંપનીના એક ડિપાર્ટમેન્ટના હેડ હોય, કે પછી કંપનીના જનરલ મેનેજર હોય ત્યારે "Discipline of Execution"માં માસ્ટરી મેળવવી જ પડશે, તો જ તમે બિઝનેસ લીડર તરીકે વિશ્વસનીયતા પ્રાપ્ત કરી શકશો. આ મુદ્દે તમારી જાણકારી અને સમજદારી તમને બીજાની સરખામણીએ નિઃશંકપણે અત્યંત ઉપયોગી થઈ પડશે.
કોઈ એક બિઝનેસ અને તેના પ્રતિસ્પર્ધી વચ્ચેનો મોટો તફાવત બિઝનેસ સ્ટ્રેટેજિ કે પ્લાનિંગના અમલીકરણમાં રહેલો છે.
સ્ટ્રેટેજિનું સચોટ રીતે અમલીકરણ કરી શકે તેવા બિઝનેસ લીડર્સની પસંદગી કરવાનું પરંપરાગત ચીલાચાલુ ઈન્ટરવ્યૂથી ના થઈ શકે. પસંદગી કઈ રીતે કરવી તેની પણ લેખકે પુસ્તકમાં રૂપરેખા આપી છે.
(ક્રમશઃ)




