શ્રાવણ મહિનામાં શિવ-પાર્વતીની આરાધનામાં ઉત્તર-પશ્ચિમ ભારત વચ્ચે 15 દિવસનો તફાવત શા માટે હોય છે?

- ભારતીય પંચાંગના નિષ્ણાતોના કહેવા મુજબ ઉત્તર ભારતમાં મહિનો દર પૂનમે પૂરો થાય છે અને દર અમાસે શરૂ થાય છે : જ્યારે પશ્ચિમ ભારતમાં મહિનો દર અમાસે પૂરો થાય છે અને દર પૂનમે શરૂ થાય છે : પૂનમ (જેને શુક્લ પક્ષ -- સુદ અથવા અજવાળિયું પણ કહેવામાં આવે છે) અને અમાસ (જેને કૃષ્ણ પક્ષ - વદ અથવા અંધારિયું પણ કહેવામાં આવે છે) વચ્ચે પંદર દિવસનો સમયગાળો હોવાથી આ તફાવત રહે છે.
ભારતમાં અમુક ધાર્મિક તહેવારોની અને ઉત્સવોની ઉજવણીમાં શુકલ પક્ષનો અને કૃષ્ણ પક્ષનો તફાવત હોય છે. ઉદાહરણરૂપે હાલ પશ્ચિમ ભારતનાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત આખા દક્ષિણ ભારતનાં કર્ણાટક, આંધ્ર, તામિલનાડુ, કેરલમ વગેરે રાજ્યોમાં દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીજીની આરાધનાના શ્રાવણ મહિનાના પર્વનો પ્રારંભ શ્રાવણ સુદ એકમ(૧) , ૧૩, ઓગસ્ટ, ૨૦૨૬ થી થયો છે.
બીજીબાજુ ઉત્તર ભારતનાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, વગેરે રાજ્યોમાં શ્રાવણ મહિનાનો આરંભ શ્રાવણ વદ એકમ(૧), ગુરુવાર, ૩૦, જુલાઇ , ૨૦૨૬થી શરૂ થઇ ગયો છે.
આ બંને તિથિઓની ગણતરી કરીએ તો સમગ્ર ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની ધાર્મિક ઉજવણી પશ્ચિમ ભારતની સરખામણીએ બરાબર ૧૫ દિવસ વહેલી શરૂ થઇ ગઇ છે. સરળ રીતે સમજીએ તો પંદર દિવસનો તફાવત છે.
હવે સામાન્ય નાગરિકોને અને ખાસ કરીને આજની નવી પેઢીનાં યુવક -યુવતીઓને જિજ્ઞાાસાસભર સવાલ થાય કે ભોળાનાથ અને માતા પાર્વતીના પૂજન -અર્ચનના શ્રાવણ મહિનાની ઉજવણી એક જ દેશમાં જુદી જુદી તિથિએ અને તારીખે કેમ થાય છે ? શ્રાવણ મહિનાની ધાર્મિક ઉજવણી વચ્ચે ૧૫ દિવસનો તફાવત ભલા શા માટે હોય છે ? કોઇ ધાર્મિક કારણો છે ?
- શ્રાવણની ધાર્મિક ઉજવણીમાં ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં ૧૫ દિવસનો તફાવત શા માટે છે ?
આમ તો ભારતમાં તમામ ધાર્મિક તહેવારોની અને ઉત્સવોની ઉજવણીની સમગ્ર વ્યવસ્થા ભારતીય પંચાંગ મુજબ કરવામાં આવી છે. પંચાંગ એટલે તિથિ, વાર, કરણ, યોગ, નક્ષત્ર એવાં પાંચ અંગ . વેદકાળના મહાન કુદરત પ્રેમી અને વૈજ્ઞાાનિક અભિગમ ધરાવતા ઋષિઓએ અને મુઠ્ઠીઉંચેરા ખગોળશાસ્ત્રી --ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે પંચાંગની અદભુત રચના કરીને તેને રોજબરોજના જીવનમાં ઉપયોગી બનાવ્યું છે. તમામ શુભ પ્રસંગોની, તહેવારોની, ઉત્સવોની ઉજવણી શુભ તિથિ અને શુભ મુહૂર્ત સાથે પૂજન --અર્ચન થાય છે.
ભારતીય પંચાંગના નિષ્ણાતોના કહેવા મુજબ ઉત્તર ભારતમાં મહિનો દર પૂનમે પૂરો થાય છે અને દર અમાસે શરૂ થાય છે. જ્યારે પશ્ચિમ ભારતમાં મહિનો દર અમાસે પૂરો થાય છે અને દર પૂનમે શરૂ થાય છે. પૂનમ ( જેને શુક્લ પક્ષ -- સુદ અથવા અજવાળિયું પણ કહેવામાં આવે છે) અને અમાસ( જેને કૃષ્ણ પક્ષ - વદ અથવા અંધારિયું પણ કહેવામાં આવે છે) વચ્ચે પંદર દિવસનો સમયગાળો હોવાથી આ તફાવત રહે છે.
આમ ઉત્તર ભારતમા ં શ્રાવણ મહિનાની ધાર્મિક ઉજવણીની શરૂઆત શ્રાવણ વદ અમાસથી થાય છે અને પૂર્ણાહૂતિ શ્રાવણ સુદ પૂનમે થાય છે. જ્યારે પશ્ચિમ ભારતમાં શ્રાવણનો આરંભ શ્રાવણ સુદ એકમથી થાય છે અને પૂર્ણાહૂતિ શ્રાવણ વદ અમાસે થાય છે. * ઉત્તર ભારતમાં વિક્રમ સંવત : પશ્ચિમ ભારતમાં શાલીવાહન સંવત :
ઉપરાંત, ભારતમાં હજારો વર્ષ પહેલાં રાજાશાહી પરંપરા હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. ઉદાહરણરૂપે આપણા દેશમાં સમ્રાટ અશોક, સમ્રાટ વિક્રમાદિત્ય, સમ્રાટ સમુદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય , શાલીવાહન વગેરે મહાન અને શક્તિશાળી રાજાઓ હતા. આ તમામ રાજાઓએ પોતાના રાજ્યમાં પોતાના નામના ચલણી સિક્કાની પરંપરા શરૂ કરી હતી.
સાથોસાથ પોતાના નામના સંવતની પણ શરૂઆત કરી. સંવત મૂળ સંસ્કૃત શબ્દ સંવત્સર પરથી લેવામાં આવ્યો છે.સંવત્સર એટલે વર્ષ, સાલ. સમયની સચોટ ગણતરી માટે ભારતમાં છેક વેદકાળથી પંચાંગ પરંપરા શરૂ થઇ છે.
સમ્રાટ વિક્રમાદિત્યે ઇ.સ. પૂર્વે ૫૭ માં પોતાના નામની વિક્રમ સંવત શરૂ કરી હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. આમ ભારતમાં વિક્રમ સંવત સૌથી જૂની અને સૌથી પ્રસિદ્ધ ગણાય છે, જે આજે એકવીસમી સદીમાં પણ અખંડ રહી છે. આ જ રીતે શાલીવાહન નામના મહાન રાજાની સ્મૃતિમાં પણ શાલીવાહન સંવતની પરંપરા છે. શાલીવાહન રાજાએ ઇ.સ. પૂર્વે ૭૮ માં તેમના સમયના શક અને શત્રપ રાજાઓને હરાવ્યા હતા. શાલીવાહન રાજાના આ યાદગાર વિજયની સ્મૃતિમાં શાલીવાહન શક સંવતની શરૂઆત થઇ છે. ભારત સરકારે પણ રાષ્ટ્રીય પંચાંગમાં શાલીવાહન શક સંવતનો સમાવેશ કર્યો છે.
ઐતિહાસિક ઉલ્લેખ મુજબ ઉત્તર ભારતમાં વિક્રમ સંવત, જ્યારે પશ્ચિમ ભારતમાં શાલીવાહન શક સંવત પ્રચલીત છે. શાલીવાહન શક સંવત મુજબ મહિનો દર પૂનમે શરૂ થાય છે અને દર અમાસે પૂરો થાય છે. જ્યારે વિક્રમ સંવત મુજબ મહિનાનો પ્રારંભ દર અમાસે થાય છે, જ્યારે મહિનો દર પૂનમે પૂરો થાય છે. મહત્વની બાબત તો એ છે કે વિક્રમ સંવત અથવા વિક્રમ કેલેન્ડર સૂર્યની ગતિવિધિના આધારે તૈયાર થયું છે. - જગદીશચંદ્ર ભટ્ટ




