પાંપણ શા માટે પટપટે છે ?

મારી જાણ બહાર, આપોઆપ, પાંપણ શા માટે પટપટે છે ? વિદ્વાન, ગુનેગાર, ડરેલા રાજકારણી કે પિંજરામાં જુઠ્ઠા સાક્ષી કે ટી.વી. પર સમાચાર સંભળાવનારની પાંપણો સમય અને સ્થિતિ પ્રમાણે શા માટે વધારે કે ઓછી પટપટે છે ?પાંચ મિનિટમાં પાંપણ કેટલી વાર પટપટે ?
'' આજે મારી આંખ બહુ ફરકે છે. કંઇક નવાજૂની થવાની છે '' એવું અંધશ્રધ્ધાથી ઘણા બોલે છે. તમને ખબર છે કે દિવસ યા એક મિનિટમાં કેટલી વાર તમે પાંપણ પટપટાવો છો ? શા માટે પાંપણો કાબૂ બહાર પોતાની રીતે જ પટપટયા કરે છે ?
આપણી આસપાસના વિશ્વ સાથે આપણને ઓડકાર કરતી આંખોના રક્ષણ માટે કુદરતે નાકની બાજુમાં કપાળ નીચે હાડકાંની બે બેખોલ આપી છે. જુદાં જુદાં હાડકાં, ચરબીનું કવચ બખોલમાં નાજુક આંખોનું રક્ષણ કરે છે. છતાં આંખોને નુકસાન થઇ શકે છે. ધૂળ, ધૂમાડો, પવનના સૂસવાટામાં ઊડતી ચીજો-રજકણ, બળતરા ઊઠે તેવો વાયુ કે કોઇક મુક્કો મારે તો આંખોને નુકસાન થઇ શકે છે. આપણને વિશ્વ નિહાળવામાં મદદ કરવાની (કોઇ પણ વસ્તુના પ્રકાશને કેમેરાની માફક અંદર લઇ આપણને તેનું દર્શન કરાવતી) આંખની કુલ સપાટીનો દશમો ભાગ એટલે કે કીકી અને ડોળો પાંપણ છતાં ખુલ્લાં જ રહે છે. આંખના આ દેખાતા ભાગ અને વાતાવરણ વચ્ચે રક્ષણનું કોઇ આવરણ જ નથી. કીકી અને ડોળાનું એકમાત્ર રક્ષણ પાંપણ છે.
માણસ દિવસમાં સરેરાશ કેટલી વાર પાંપણ પટપટાવતો હશે ? ડોળાને સાફ સૂથરો ચોખ્ખો ડોળો રાખવા માણસ દિવસમાં પંદર હજાર વાર પાંપણો પટપટાવે છે. તેના પર જે ચામડી છે તેમાં પાંપણની ચામડી પાતળી છે. આંખ પટપટાવો ત્યારે સેકન્ડથી દશમા ભાગના સમય પૂરતી પાંપણ બંધ થાય છે. એટલી વારમાં પાંપણ ડોળાને આંસુ જેવા પ્રવાહીથી વીછળીને ધોઇ નાખે છે. મિનિટે માત્ર એક કે બે વાર પાંપણ બંધ કરે તો ચાલે એટલું આ કામ છે. પરંતુ જરૂર કરતાં વધારે વખત-મિનિટે પંદર વાર પાંપણ પટપટતી રહે છે.
અઢારમી-ઓગણીસમી સદીના વૈજ્ઞાાનિકોએ પાંપણ શા માટે પટપટે છે એના પર વિચાર જ નહોતો કર્યો. પાંપણ કુદરતી રીતે જ પટપટે છે એમ માની લીધેલું. આ ક્રિયા પર પહેલોવહેલો વિચાર સન ૧૮૯૫માં થયો. વાંચતાં વાંચતાં આંખોને થાક લાગે છે માટે પાંપણો પટપટે છે એવું સૂચન થયું. સન ૧૯૨૭માં એડિનબર્ગ યુનિવર્સિટી ખાતે એરિક પોન્ડર અને ડબલ્યુ આર. કેનેડી નામના સંશોધકોએ અનેક માણસોનું નિરીક્ષણ કરી નક્કી કર્યું કે, '' અરબસ્તાનના રણમાં ડોળા પરથી આંસુ જેવું પ્રવાહી જલદી સુકાઇ જાય માટે પાંપણો રણમાં વધારે ફરકે અને ધોધમાર વરસાદ પડતો હોય તો ડાળોને ધોવાની જરૂર ન પડે માટે ઓછી ફરકે એવું નથી. રણમાં કે જંગલમાં માણસ પાંપણ પટપટાવતો જ રહે છે.
આ બન્ને સંશોધકોને એવું પણ જણાયું કે માણસ કેવું કામ કરે છે તેના પર આંખો કેટલીવાર ફરકશે તેનો આધાર છે. દાખલા તરીકે સતત ડ્રોઇંગ દોરનારની આંખો ઓછી ફરકે છે. તેમણે એવું પણ નિરીક્ષણ કર્યું કે આરામ કર્યો હોય કે કરતો હોય તેવા માણસની પાંપણ ઓછી પટપટે છે. અને થાક લાગ્યો હોય તેમની વધારે પટપટે છે. ત્યાર બાદ વૈજ્ઞાાનિકોને થયું કે મગજ અને પટપટાટ વચ્ચે સંબંધ છે. જો માણસ ઉશ્કેરાયેલો હોય, ખીજવાયો હોય કે બોલતો હોય તો આંખો વારંવાર પટપટે છે.
પાંપણો કંઇઅમસ્તી જ પટપટતી નથી એવું હવે વધારે ને વધારે તારણ પરથી જણાઇ રહ્યું છે. મિનિટે કેટલીવાર પાંપણ પટપટે છે તે માપીને આ ક્રિયા અને મગજ વચ્ચે સંબંધ છે તે નક્કી થયું છે. જે રીતે ઇલેકટ્રો કાર્ડિયોગ્રામ પરથી હૃદયની સ્થિતિ મપાય છે તે જ રીતે મનો અને મગજ ચિકિત્સકો માણસ કેટલો જાગૃત કે કંટાળો અનુભવે છે તે પાંપણના પટપટાટ માપીને નક્કી કરી રહ્યા છે. આ મોજણી એવું બતાવે છે કે જ્યારે પાંપણ પટપટે છે ત્યારે તે વિપળ પૂરતા આપણે જોતા બંધ થઇ જઇએ છીએ. આંખને સાફ કરવાના કામ ઉપરાંત લાઉડ સ્પીકર પરથી મોટેથી અવાજ આવતો હોય ત્યારે કે માણસ ગુસ્સે થાય ત્યારે કે કોઇ ધમકી આપે ત્યારે હૃદયના ધબકારાની જેમ જ નિયમિત પાંપણ વધારે પટપટવા માંડે છે. હવે વૈજ્ઞાાનિકો કેમેરા. ઇન્ફ્રારેડલાઇટ અને ઇલેકટ્રોડ વાપરીને પાંપણના પટપટાટ અને આંખની અંદરના જ્ઞાાનતંતુઓ અને સ્નાયુઓ તથા તે સમયે મગજમાં કેવી પ્રક્રિયા ચાલે છે તેનો અતિસૂક્ષ્મ અભ્યાસ કરી રહ્યા છે. નવલકથા વાંચતી વખતે માણસ મિનિટે છવખત પાંપણ પટપટાવે છે. કોઇ સાથે વાતચીત કરતી વખતે માણસ આનાથી બમણી વાર પટપટાવે છે. માણસ જેટલો જાગૃતઅને સચેત એટલી પાંપણો ઓછી પટપટે છે. વિમાનમાં પાયલોટની આંખ વારંવાર ફરકતી નથી જ્યારે કોકપીટમાં તેના સાથીની પાંપણો વધારે પટપટશે. સંરક્ષણ અર્થે ઊડતા લશ્કરી વિમાન-ચાલકોની પાંપણ તો લગભગ નહીંવત જ પટપટશે. ટ્રાફીક જામ હોય ત્યારે વાહન ચાલકની પાંપણ વધારે પટપટશે. હાઇ-વે ઉપર સડસડાટ જવાનું હોય ત્યારે એ જ ડ્રાઇવરની પાંપણ ઓછી પટપટે. જો કોઇ વાહનને ઓવર-ટેક કરવાનું હશે તો ડ્રાઇવર આગળ ચાલતા વાહનનું એકીટશેે ધ્યાન રાખશે.
એક પ્રયોગમાં માણસને સતત ચાલીસ મિનિટ સુધી ઘડિયાળ વગરના ઓરડામાં બેસાડી રાખવામાં આવ્યો હતો. કોઇ જ પ્રવૃત્તિ વગર માત્ર ખુરશીમાં બેઠાં બેઠાં પાંચ-દસ મિનિટમાં જ માણસ આ પ્રયોગમાં એટલો કંટાળવા માંડતો હતો કે તેનો પાંપણનો પટપટાટ ત્રીસ ટકા વધી ગયો હતો. કારણ શું ? મગજને જ્યારે જ્યારે તેને મળતી માહિતી કામ વગરની લાગે છે ત્યારે ત્યારે તે આરામ ફરમાવે છે અને પાંપણો તેટલી વાર આંખ ઉપર વધારે બિડાયેલી રહે છે. અજાણ ભય અને આંખની આ ક્રિયા સાથે સંબંધ છે. સાવ શીખાઉ સાયકલ, કાર, હેલીકોપ્ટર ચલાવનારાઓની આંખ તાલીમ આપનાર કરતાં વધારે ફરકે છે. કોર્ટમાં સાક્ષીના પાંજરામાં ઊભા રહેલાને વકીલ જો અકળાવનારા સવાલ કરે તો તેની પાંપણ ઝડપથી પટપટવા માંડે છે. જાણીતી વ્યક્તિઓ અને દોસ્તો વચ્ચે સવાલોના જવાબ આપતાં આંખ બિલકુલ ઓછી ફરકશે.જો ઇન્ટરવ્યૂમાં અજાણ્યાની સામે જવાબ આપવાનો આવશે તો આંખો એકદમ ફરકવા માંડશે. પાંપણ પટપટાવનાર ગભરાટમાં છે એવું દર્શકોને બિલકુલ માલૂમ ન પડે એટલા માટે જ ટી.વી. ઉપર સમાચાર વાંચનારને આંખો વારંવાર નહીં પટપટાવવાની સૂચના આપવામાં આવે છે. કરોડો દર્શકો સામેસમાચાર આપનાર અત્યંત શાંત અને જવાબદાર છે તેવું લાગવું જરૂરી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખરીચાર્ડ નિકસનને જ્યારે જ્યારે પત્રકારો કે સેનેટરો તરફથી અકળાવનારા સવાલોનો મારો થતો હતો ત્યારે તેઓ એકદમ ઝડપથી પાંપણો પટપટાવતાં હતાં.પાંપણોનો આ પટપટાટ અને માણસ જે દહેશત, ડર કે બીક સેવે છે તેની વચ્ચે સીધો સંબંધ છે. સ્મૃતિ એટલે કે યાદશક્તિ અને આ ક્રિયા વચ્ચે પણ સંબંધ છે. જો તમે સેક્રેટરીને ફલાણા ફલાણા કાગળ ક્યાં છે એમ પૂછવા માંડશો તો તેની આંખો ફરકવા વચ્ચેનો સમય લંબાતો જશે. મગજને બે શબ્દો કરતાં છ શબ્દો યાદ રાખવામાં તેટલો વધારે સમય લાગે છે. જો તમે વિદેશી ભાષા વાંચશો તો માંડ બે અક્ષરો કે શબ્દો વચ્ચે આંખ સ્થિર થવા માંડશે. આનો અર્થ એવો થયો કે આંખ જે ક્ષણે ફરકીને પાંપણ બંધ થાય છે તે ક્ષણે મગજને વધારે નવી માહિતીની જરૂર નથી એવું પણ ફલિત થાય છે.
જ્યારે જ્યારે નિર્ણય કરવાનો આવે છે ત્યારે માણસના મગજને બને એટલી વધારે માહિતીની જરૂર પડે છે. જો નિર્ણય દૂરોગામી અસર કરનારો હશે તો મગજ હજુ કંઇક વધારે માહિતી આવશે તેની રાહ જોયા કરશે. જ્યારે મગજને એવું લાગે કે હવે કોઇ નવી ઉપયોગી માહિતી આવવાની શક્યતા નથી ત્યારે નિર્ણયકર્તાની પાંપણને બંધ થવાનો ઓર્ડર કરશે. વાંચતી વખતે વાક્યના અઁતે કે પ્રકરણ કે નવલકથાને અંતે અથવાતો વાંચેલું નહીં સમજાવતાં આંખો પટપટશે. આંખનું ફરકવું એ મગજને મળતો એક પ્રકારનો વિરામ છે. આંખો ફરકે છે ત્યારે આલ્ફા કિરણોમાં વધારો થાય છે. એવું વૈજ્ઞાાનિકોને લાગ્યું છે, જે સૂચવે છે કે પાંપણો પટપટે છે તે ક્ષણો મગજની વિરામની પળો હોય છે.
પાંપણોનો પટપટાટ માણસની બુદ્ધિશક્તિની પણ એક પારાશીશી છે. જો કોઇ વ્યક્તિ કોયડા ઉકેલતી વખતે પાંપણઓછી પટપટાવે તો એનો અર્થ એવો થયો કે ઉકેલ અર્થે અનેક વિકલ્પોની હારમાળા તે ક્ષણે તેના મગજમાં ચાલી રહી છે. બીજી કોઇ વ્યક્તિ આ જ કોયડાના ઉકેલ માટે પાંપણો વધારે પટપટાવે તો એનો અર્થ એવો થયો કે સમસ્યાની દરેક પળે એનું મગજ થોડો આરામ ચાહે છે. જમીન ઉપર વિમાન ઉતારતી વખતે પાયલોટની આંખો ગણતરીની સેકન્ડમાં નીચે શું શું છે તેનો ક્યાસ ઝપાટાબંધ મગજમાં ભરી દેવા પાંપણ પટપટાવ્યા વગર જોયા કરતો હોય છે.
તમારી પાંપણો આટલું વાંચતાં વાંચતાં કેટલી વાર પટપટી ?




