Sahiyar

કયું લગ્નજીવન સફળ? પોતાની પસંદગીનું કે માબાપની?

By GS Team
21 Sep 20269 mins read
કયું લગ્નજીવન સફળ? પોતાની પસંદગીનું કે માબાપની?
  • એરેન્જ્ડ મેરેજ
  • લવ મેરેજ
  • લવ મેરેજ એક સાહસ છે, જ્યારે એરેન્જ્ડ મેરેજ એક આયોજન છે. પરંતુ બંનેમાં સમાનતાની ભાવના, પરસ્પર સ્વતંત્રતા અને તન-મનનો સહકાર હોય તો દામ્પત્યબાગ પ્રસન્નતાથી ખીલી ઊઠે છે

પ્રેમલગ્ન અને રૂઢિપસંદગીના લગ્નમાં એક ભેદ રહેવાનો, પ્રેમલગ્નમાં પ્રેમની, આકર્ષણની લાગણી પ્રબળ હોવાની અને લગ્નના નિર્ણયમાં તે મુખ્ય ભાગ ભજવવાની. બુદ્ધિનું એમાં સ્થાન નથી એમ કહેવું નથી. પણ પ્રેમની લાગણીની ઉત્કટતામાં એનું ગૌણ સ્થાન રહેવાનું અગર ઘડીભર બુદ્ધિનું મુખ્ય સ્થાન રહેવાનું, જોકે તેમાં પણ કોઈ રૂપના આકર્ષણને સ્થાન આપે છે તો કોઈ ધનને મહત્ત્વ આપે છે. અને જ્યાં એવું બને છે ત્યાં બુદ્ધિને ગૌણ સ્થાન મળે છે. અને બુદ્ધિ સરખો ઉત્સાહ, પડઘો પાડે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. પરંતુ આવો ભાગ્ય-સુમેળ બહુ ઓછાના નસીબમાં લખાયો હોય છે. અને એવાં પ્રેમલગ્ન વિષે રૂઢિચુસ્તો પણ ખાસ વાંધો ન લે.
પરંતુ બુદ્ધિ લીલી ઝંડી ધરી લાઈન ક્લીઅરનો સિગ્નલ આપતી ન હોય છતાં પ્રેમ એને અવગણી લગ્નની ગાડીને હાંકી મૂકે છે. બુદ્ધિને પ્રેમ અવગણે છે. માટે એને આંધળો કહ્યો છે. બેન્જામિન ડીઝરાઈલે પ્રથમ નજરે પ્રેમને જાદુ જેવો ભ્રામક કહ્યો છે અને તેનું કારણ અજ્ઞાનતા માન્યું છે. એ ભ્રામક હોય કે એમાં પડનારને અજ્ઞાની કહીએ, છતાં પ્રથમ નજરનો પ્રેમ નવી વાત નથી. દુષ્યંત-શકુંતલા અને સાવિત્રીનો પ્રથમ નજરનો પ્રેમ પુરાણોના જાણીતા દાખલા છે. એને ઐતિહાસિક ન માનીએ અને સર્જકની કૃતિઓ માનીએ તો પણ પ્રથમ નજરે પ્રેમની હકીકત પુરાણકાળથી સ્વીકારાઈ છે તેમ એમાંથી ફળીભૂત થાય છે. પ્રથમ નજરનો પ્રેમ માણસો કસોટીએ ચડાવે છે. અને એ કસોટીમાં પાર ઊતરે તેને જ એનું સુખ પ્રાપ્ત થાય છે.
આપણે ત્યાં પ્રેમલગ્ન નવાં છે એટલે તેનો વિરોધ થાય છે. પશ્ચિમમાં એ પદ્ધતિનો સ્વિકાર થયો છે. એટલે તેનો કોઈ વિરોધ નથી કરતું. પણ પ્રેમ લાગણીમાં તણાઈ જઈ બુદ્ધિને ઓછીવગી અવગણીને લગ્નનું સાહસ કરે છે, તે તરફ સાવધાની રાખવાની સૌ સમાજહિતચિંતકો આંગળી ચીંધતા હોય છે. બેન્જામીન ફ્રેંક્લીન સલાહ આપે છે. 'લગ્ન પહેલાં આંખો પૂરેપૂરી ખુલ્લી રાખો અને લગ્ન પછી અર્ધી બંધ રાખો' આ સલાહ ઉત્તમ છે. પરંતુ માણસની સ્થિતિ મોટે ભાગે લગ્ન પહેલાં પ્રેમના લીધે આંખો અર્ધી બંધ હોય છે અને લગ્નની જાગૃતિ આવતા પૂરેપૂરી ખુલ્લી જાય છે.
પ્રેમ આંધળો છે અને બુદ્ધિપ્રતિભા એને ચક્ષુ આપે છે તેમ માની જુવાનોને સુખી થવા સલાહ આપવામાં આવે છે એ જુવાનો સુખી છે, જે પ્રેમના મહેકરૂપથી આનંદની ભરતી અનુભવે છે. પણ એનાથી અંધ બનતા નથી. અને બુદ્ધિથી જોઈ શકે છે! પરંતુ જે પ્રેમમાં અંધ બનતા નથી અને બુદ્ધિથી ચાલે છે તેમને માટે કંઈ સવાલ ઊભો થતો નથી. પરંતુ જુવાન માણસોની કટોકટીનો કાળ પ્રેમમાં પડે તે છે.
જુવાનીને લીધે નવી પેદા થયેલી શારીરિક અને માનસિક લાગણીઓ બુદ્ધિથી વિચારવા તૈયાર હોતી નથી. એ તોફાન-વાવાઝોડું અને ખેંચાણનો કાળ છે. જાતીય વેગ ઉગ્ર હોય તો જે પહેલો છોકરો કે છોકરી અને વાસના જગાડી જાય તેને જ એ સાહસ કરીને પરણી જાય છે. સંવનન અને મધુરજનીનો ભરતીકાળ પૂરો થાય છે ત્યારે માણસના જીવનનાં સાચાં પાંસા દેખાવા માંડે છે.
પ્રેમમાં જાતીય આવેગનું એવું ભારે ખેંચાણ હોય કે એ ક્ષેત્રે પંદર વર્ષથી કાર્ય કરતાં લિમોનારા આઈલ્સને મહિને બે હજાર પત્રો મળે છે. એમાં છોકરીઓનો એક સરખો સાર્વત્રિક અનુભવ છે કે પ્રેમી યુવક એની સામે શરીરસુખની માગણી કરે છે. છોકરી ના પાડે તો એને છોડી દેવાની ધમકી આપે છે. યુવકો એના પગરણ એકાંતમાં મળવાથી શરૂ કરે અને એમાંથી એકાંત ઉપરાંત અંધકારનો તાગડો મેળવે છે અને અંધકાર ભયંકર લાવે છે.
આપણે ત્યાં પણ જે પ્રેમલગ્નો થાય છે તે દંપતીઓ નિખાલસ કબૂલાત કરે તો લગ્નપૂર્વેના જાતીય સંબંધવાળાં અમુક લગ્નો નીકળ્યા વિના ન રહે તેમ આ ક્ષેત્રના અનુભવથી ખાતરીપૂર્વક કહી શકું તેમ છું. અમુક લગ્નો ગર્ભ રહ્યા પછી થયેલાં પણ જાણું છું. કેવળ પ્રેમલગ્નની બાબતમાં જ નહિં પરંતુ પસંદગીની બાબતમાં પણ અમુક કિસ્સામાં એવું બન્યાનું એ પાત્રોએ મને જણાવ્યું છે. રૂઢિલગ્નોમાં પણ પરણનારની પસંદગી સંમિતિનો સ્વીકાર થયો છે એટલે વેવિશાળ પછી એમનો પરિચય વધે તે માટે બંને હળેમળે તેવી છૂટ અપાતી થઈ છે. પ્રેમીઓ કરતાં આ વિવાહિતો એમનું લગ્ન થવાનું તે વિષે વધુ ખાત્રીવાળાં હોય છે. એટલે એમને એકાંત અને અનુકુળતા મળતાં જાતીયસુખની ભોગવવામાં કંઈ અનીતિ માનતાં નથી.
લિયોનારા આઈલ્સ અનુભવ જણાવે છે તેમ છોકરાઓ એમની વહેલી પ્રદિપ્ત થતી જાતીયવૃત્તિને લીધે માગણી મૂકવાની પહેલ કરતા હશે અને ધમકી આપી આક્રમક બનવાની હદે પણ જતા હશે, પરંતુ એ બધી છોકરીને ધમકીને વશ થઈ અનિચ્છાએ આક્રમણનો ભોગ બનવું પડયું હશે તેમ માની લેવું વ્યાજબી નહિ ગણાય. એમનામાં પણ જાતીયવૃત્તિ પડેલી છે એટલે તેમને પણ તે સંતોષવાની લાલસા જાગતી હોય છે.
એક વિવાહ થયેલો યુવક સાસરે ભાવિ પત્નીને મળવા ગયો ત્યારે એ છોકરી ઘરમાં એકલી હતી, અને તેણે જ બારણે સાકળ બંધ કરી યુવકને આગળ વધવા પ્રેર્યો હતો, પરિણામે એને ગર્ભ રહ્યો અને તે કારણે લગ્ન નક્કી થયું હતું તે કરતાં વહેલું લેવું પડયું. લગ્ન પછીના ઓછા સમયે બાળક જન્મતાં યુવકે માબાપ સમક્ષ પૂર્વ ઈતિહાસનો ખુલાસો કરી પત્નીને શંકામાંથી બચાવી લીધી હતી. એ યુવક કાયર નીકળ્યો હોત અને પોતાની સાચી વાત એ લોકોને કહેવા જઈ શકશે નહિ અને કહેશે તો પણ લોકો માનશે નહિ અને પોતાની બદનામી થશે એમ બી જઈને એણે લગ્નની ના પાડી હોત તો છોકરીની શી વલે થાત?
આમ જે પોતે વશ થઈ લગ્ન પહેલાં જાતીય સુખ ભોગવવાની હદ સુધી પહોંચી જાય છે તેમને પૂરેપૂરા અંધ માનવાં જોઈએ અને તેમની બુદ્ધિ એમને જગાડવા પ્રયત્ન કરે તો પણ એ જાગત તેવું ભાગ્યે બનવાનું અને બને તો સામાને દગો કર્યો તેમ જ કહેવાય.
પરંતુ જે પ્રેમીઓ. જાતીયજીવનના સદાચારને વશ થઈ લગ્ન પહેલા શરીરસંબંધથી દૂર રહે છે તે પણ સાહચર્ય સુખ માટે આલિંગન-ચુંબન સુધી તો જાય છે. તેમાં એ સદાચાર ભ્રષ્ટતા માનતા નથી. આમાં નીતિભ્રષ્ટતા ન માનીએ તો પણ જાતીય ઉત્તેજના પેદા થયા વિના રહેતી નથી. આથી એ પણ ઓછાવત્તાં પ્રેમના આંધળાપણામાં વીંટળાયા વિના રહેતાં નથી. એક નાનો વર્ગ એવો પણ રહેવાનો કે જે આલિંગન-ચુંબનથી દૂર રહી ઉત્તેજનામાં ખેંચાયા વિના બુદ્ધિને સાથે લઈ પ્રેમમાં આગળ વધતો હશે, એને માટે કંઈ સવાલ નથી. પણ જે લાગણીમાં ખેંચાઈ બુદ્ધિને અવગણીને સાહસ કરે છે તેવો વર્ગ પ્રેમલગ્નોમાં વિશેષ હોય છે, તેમને રોકવા માટે શું કરવું તે સવાલ છે.
પ્રેમલગ્નમાં ભયસ્થાનો સમાજચિંતકોએ જરૂર ચીંધવા જોઈએ. અને વડીલોએ તે અંગે સંતાનોને માર્ગદર્શન આપવું જોઈએ. પરંતુ એ ઓછુંવત્તુ સાહસ છે તે કારણે એનાં બારણાં જ બંધ કરી દેવાની મનોવૃત્તિ ડહાપણ નથી. મનુષ્યના જીવનમાં સાહસનો ગુણ હોવો જોઈએ. જીવનના બીજા ક્ષેત્રમાં સાહસને જો આવકારવામાં આવતું હોય અને દરેક સાહય સફળતા પ્રાપ્ત કરતું નથી છતાં સાહસના ગુણને વખોડવામાં આવતો નથી. એટલું જ નહિ પણ કરતા જાળ કરોળિયો' એ કવિતા બાળપણમાં વિદ્યાર્થીને શીખવીને પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો પણ સાહસને વળગી રહેવું તેમ બોધપાઠ આપાતો હોય તો એવું જ સાહસ લગ્નમાં પ્રેમને લીધે થતું હોય તો એના પ્રત્યે રચનાત્મક દ્રષ્ટિબિંદુ અપનાવવું જોઈએ.
થોડા સમયે પહેલાં અમદાવાદની કોલેજોનો સમાજિક સર્વે એક પ્રાધ્યાપક તરફથી કરવામાં આવ્યો હતો. તેમાં આજના યુવક-યુવતીઓએ મોટા ભાગે પ્રેમલગ્ન કરતાં માબાપ ગોઠવી આપે તેવાની પસંદગી તરફ વલણ બતાવ્યું હતું. આ ઉપરથી આજનાં યુવકયુવતી પ્રેમલગ્નોની તરફેણ કરતાં નથી તેમ મૂલ્ય તારવી શકાય. પરંતુ આ બુદ્ધિએ આપેલો અભિપ્રાય છે અને બુદ્ધિ હંમેશા પસંદગી તરફ ઢળે છે. પરંતુ એ જ જુવાનોમાં પ્રેમની લાગણી પ્રબળ બને છે. ત્યારે એ બુદ્ધિને સ્વીકારતાં નથી અને માબાપના વિરોધને અવગણી પ્રેમને વશ થઈ પરણી જાય છે. આજે જે પ્રેમલગ્નો થાય છે અને વધતા જાય છે તેમાં કોલેજોમાં કેળવણી લીધેલાં યુવકયુવતીઓ વિશેષ હોય છે.
એ સર્વેને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો જીવનના બીજા ક્ષેત્રે સાહસ ગુણ ગણાય છે, છતાં કેટલાંક શિક્ષિત જુવાનો સાહસ કરવા તૈયાર હોય છે. મોટા સાહસની વાત જવા દઈએ પણ કાયમી ઓછા પગારની નોકરી છોડી વધુ પગારની હંગામી નોકરી લેવાનું સાહસ કરવા કેટલા તૈયાર થાય છે? એ હંગામી નોકરી પણ એકાદ બે વર્ષ પછી કાયમી થવાની હોય છે અને કાયમ થવા માટેની આવડત હોય છે છતાં નવો વહીવટ વિચિત્ર હોય અને પોતાને કાયમી ન કરે તો?
આપણે ત્યાં શિક્ષણ વધે છે પણ એથી વિદ્યાર્થીઓમાં સાહસવૃત્તિ વધે તેમ નહિ કહી શકાય. આ સંજોગોમાં જે વિદ્યાર્થીઓ ભાવિ જીવનમાં સહીસલામતીની વૃત્તિ રાખી સાહસ કરવાના માનસના ન હોય તે લગ્નમાં પસંદગી કરવાની હોય તો સાહસને આવકારતા નથી. તેમ એ સરવેનો અર્થ કરી શકાય. પરંતુ આ પસંદગી જણાવનાર પ્રેમમાં પડે તો એ લાગણીમાં વણાઈ સાહસ ન કરે તેમ માનવાનું નથી.
સાહસ એટલે જ બુદ્ધિપૂર્વકની ગણતરીને ઓછી વત્તી બાજુએ મૂકીને હિંમતપૂર્વકનું પગલું. આમાં હિંમતનો ગુણ જરૂરી છે. માણસમાં બુદ્ધિ ઘણી હોય પણ હિંમત ન હોય તો એ સાહસ ન કરી શકે. અને બુદ્ધિ ઓછી હોય પણ હિંમત હોય તો એ સાહસ કરી શકે છે. માણસમાં બીજા ક્ષેત્રે સાહસ કરવાની હિંમત ન હોય તો પણ પ્રેમની લાગણીના જોરે એનામાં હિંમત આવે છે. અને પ્રેમલગ્નનું સાહસ એ કરે છે. એ સાહસ ન જ કરવું તેમ નકારાત્મક એક તરફી વડીલોના વલણથી આ સાહસ કરનારાં અટકી જવાના નથી. આથી એ સાહસ કરી બેઠેલા અને શી રીતે સફળ કરે તેવું વાતાવરણ આપવું તે રચનાત્મક વલણ છે.
સાચો પ્રેમ હશે તો સફળતાને વરવામાં મુશ્કેલી નહિ આવે. પરંતુ પરસ્પરના આકર્ષણની ભૂમિકા લગ્ન કર્યું હશે તો એ ભૂમિકામાંથી પ્રેમે વિકાસ સાધવો પડશે. લગ્નથી પ્રેમપાત્ર મેળવવાનો હેતુ સરે છે. જો એ જ ભૂમિકાએ લગ્ન પછી દંપતી રહેશે. તો આકર્ષણનો કાળ પૂરો થતાં બંનેને એકબીજાનું મહત્ત્વ ઓછું થઈ જશે. બંનેએ સમાનતાની ભાવના કેળવવી જોઈએ. આકર્ષણ પ્રેમીને પ્રાપ્ત કરવામાં રાચે છે. તો સાચો પ્રેમી સાથીને માટે ત્યાગ કરવા રાચે છે. આકર્ષણ નિમિત્તે ભલે કોઈ લગ્નસાથી જીવનમાં પ્રવેશ્યું હોય, પણ એ પ્રવેશ સુઘડ અને આત્મિક બનાવવો હોય તો સાથીના સ્વરૂપે પ્રેમનું રૂપાંતર થવું જોઈએ. પ્રેમીમાંથી જીવનભર બન્યા પછી સાચી દરેક દિશામાં સહાય બનવું અને તે માટે ત્યાગ કરવો પડે તો તૈયાર છે.
જે પોતાના જીવનસાથીના મનોરથ પૂરા કરવા સહાયક થતાં નથી તે સાચા અર્થમાં જીવનસાથી કહી ન શકાય. જે એ માટે તૈયાર છે તેને જીવનસાથીના આત્મદ્વાર ખુલ્લાં થઈ પ્રેમમાં માણસ આંધળો બને છે અને તે ન દઈ શક્યો હોય તો માફ થઈ શકે, પરંતુ લગ્ન પછી દેખતો થાય છે. એટલે લગ્નજીવનને સુખી કરવા જે પ્રયત્નની જરૂર હોય તે, તેણે કરી છૂટવો જોઈએ. બંનેની વચ્ચે જીવનમૂલ્યોની બાબતમાં એક સરખો આદર્શ હોવો જોઈએ. લગ્ન પહેલાંના રોમેન્ટીક પ્રેમે લગ્ન પછી જીવનમાં સરખો આદર્શ સ્થાપી યથાર્થવાદી તો આકર્ષણની સ્થૂળ ભૂમિકાથી પ્રેમ વિકાસ પણ હાર્દિક બને છે. તો જ લગ્નનું સામાજિક પ્રયોજન સુખી કુટુંબ ફળીભૂત થાય છે. સંતાનનો સંસ્કારપૂર્વકનો ઉછેર અને દંપતીનું સુખ એ લગ્ન સામાજિક હેતુ છે. આ માટે કેવળ બુદ્ધિપૂર્વક સાથીનો જીવન આદર્શ માન્ય રાખવો તે નથી. શરૂઆત ભલે બુદ્ધિપૂર્વકના સ્વીકારથી પણ ધીમે ધીમે સાથીના આદર્શમાં રહેલી ભાવનાઓ પણ પોતાની બની જવી જોઈએ અને અભિમાન પણ પોતાનામાં જાગવું જોઈએ.
સરખા આદર્શનો અર્થ કે બીજામાં સમાઈ જઈ પોતાનું વ્યક્તિત્વ ખોઈ નાખવાનું છે એ કરવાનો નથી. પરંતુ એકને વિદ્યામાં રસ હોય તેની ઉપાસનામાં સાદાઈથી જીવવામાં સુખ છે ત્યારે બીજાને વૈભવી જીવન ગાળવામાં રસ હોય તે માટે વિદ્યાની ઉપાસના જતી કરી જે ધંધો તે બનાવે તેમાં પડવું જોઈએ. તો આ બે જુદાં વહેણનો મેળ ન ખાઈ શકે. એ માટે બંનેએ આદર્શ-ભાવનાથી કે સાથીને સહાયક થઈ સમજથી સ્વીકારવો જોઈએ. આમાં કઈ વ્યક્તિત્વનો લોપ થતો નથી પણ વ્યક્તિત્વ ખીલે છે. જીવનના માર્ગ જ જો બંનેના જુદા હોય તો સાથી અતૂટ નથી, અતૂટ લગ્ન સંબંધને લીધે ટકે તો પણ સાથી સુખદ બનતો નથી અને એકબીજાને સહ બની પોષક બનતો નથી.
બંનેમાં સમાનતાની ભાવના હોય, પરસ્પર સ્વતંત્રતા હોય અને શારીરિક ને માનસિક સાથ હોય તો લગ્નજીવન સુખી નીવડે છે. પ્રેમના સમા આ તરફ ઉપેક્ષા કરી હોય તો લગ્ન પછી વ્યક્તિએ તે સાધવા જાગ્રતિપૂર્વક પ્રયત્ન કરવો. પ્રેમ થયો એટલે બધું સાધ્ય થઈ ગયું એમ પહેલાં માનવું હોય તો લગ્ન પછી એ સમજવું જોઈએ કે આ જીવન આખુ કુરુક્ષેત્ર છે. લગ્નજીવન પણ એમાંથી મુક્ત નથી. પછી રૂઢિની પસંદગીનું લગ્ન હોય કે પ્રેમલગ્ન હોય.
આટલી વિસ્તારથી પ્રેમલગ્નની મીમાંસા પછી છેલ્લે એટલું જ કહેવાનું કે ગમે તે ઉંમરે લગ્ન એ સાહસ છે. અને લગ્ન પછી જો બતાવવામાં આવે તો એ સાહસને સફળ થવાના પૂરેપૂરા સંજોગો છે.