Sahiyar
ચોમાસામાં ઘર બહાર નીકળો ત્યારે...
By GS Team
11 Aug 20264 mins read

મોનસુનમાં ચારે બાજુ કાદવ, પાણી અને ગંદકી દેખાય છે. તેમ છતાં ઘરમાંથી બહાર આવ- જા તો કરવી જ પડે છે. કેટલીકવાર તો ઘરમાંથી બહાર નીકળતાં જ ઝરમર વરસાદ ચાલુ થઈ જાય છે. જેનાથી કપડાં ગંદા થઈ જાય છે. આવો, જાણીએ કેટલીક એવી વાતો, જેમને ધ્યાનમાં રાખીને મોનસૂનમાં તમારાં કપડાંને ગંદા થતાં બચાવી શકાય છે :
- મોનસૂનમાં આછા લાઈટ રંગનાં કપડાં ન પહેરવાં જોઈએ, કારણે કે તેમની પર કાદવ અને માટીના ડાઘ ખૂબ જ જલદી લાગી જાય છે, જે કપડાં પર ખૂબ ખરાબ લાગે છે અને સહેલાઈથી જતા પણ નથી. જો તમારાં કપડાં પર માટી વગેરેના ડાઘ લાગી જાય તો તે સુકાઈ જાય ત્યારે પહેલા ઘસીને માટી ખંખેરી નાખો, પછી સાબુથી ધોઈ લો. તેનાથી ડાઘ સાફ થઈ જશે.
- જે કપડાંનો રંગ જતો હોય તે પણ મોનસૂનમાં ન પહેરવાં, કારણ કે તે ભીના થયા પછી કપડાંનો રંગ જાય છે અને જો તમે રસ્તામાં છો તો તમારા માટે સંકોચની સ્થિતિ ઊભી થશે.
- સિલ્ક, રેશમી, ટિસ્યૂ કે પછી તે કપડાં, જેને તમે ડ્રાઈક્લીન કરાવો છો, તે પણ વરસાદમાં ન પહેરો, કારણ કે ભીના થયા પછી તે શરીરને ચોંટી જાય છે, જેનાથી તમને મુશ્કેલી થઈ શકે છે. વધારે ઘેરવાળા અને જાડા કાપડના સ્કર્ટ ટોપ, જીન્સ અને સલવારસૂટ વગેરે પણ ન પહેરવાં, કારણ કે તે ભીના થયા પછી જલદી સુકાતા નથી.
પહેરવેશ કેવો પસંદ કરવો - ગોલ્ડન પોલિશવાળી અને આર્ટિફિશિયલ જ્વેલરીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે પાણીમાં ભીંજાય પછી ખરાબ થઈ જાય છે. ચામડાના અને ફેન્સી જૂતાં-ચંપલનો પણ ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ભીંજાયા પછી તે બગડવાનો ડર રહે છે.
- ટેરીકોટ અને એક્રેલિક અને લિઝીવિઝીના ડાર્ક શેડનાં કપડાં પહેરો, કારણ કે તે ભીના થયા પછી શરીરને ચોંટતાં નથી અને તેની પર ડાઘ-ધબ્બા લાગ્યા પછી વધારે ચમકતા નથી. જો તમે નોકરિયાત મહિલા છો તો સિન્થેટિક સાડી સાથે ટૂ બાઈ ટૂ રૂપિયાના બ્લાઉઝના બદલે લિઝીવિઝી કે ટેરીકોટ વિથ કોટન મિક્સ કાપડનું બ્લાઉઝ પહેરો, કારણ કે તે ભીના થયા પછી શરીરને ચોંટતા નથી અને ઝડપથી સુકાઈ પણ જાય છે.
- જો તમે કોલેજ સ્ટુડન્ટ છો તો આ મોસમમાં સ્કર્ટ, ડાંગરી કે બરમૂડાની સાથે કોટન ટીશર્ટ અથવા ટોપ અને નોન ડેનિમ જીન્સ પહેરી શકો છો.
- જ્વેલરી, ચાંદી, સોનાની અથવા ઓક્સિડાઈઝ્ડ જ પહેરવાનું રાખો, કારણ કે તે પલળવાથી પણ બગડશે નહીં.
- ફૂટવેર બનાવતી કંપનીઓ આ મોસમ માટે ખાસ પ્રકારના જૂતા-ચંપલ બનાવે છે, તેથી તેનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી તમારા ફૂટવેર ખરાબ ન થાય અને પગ પણ સલામત રહે.
- મોનસૂનમાં જે પણ કપડાં પહેરો, થોડા ઊંચા જ પહેરો જેથી ચાલતી વખતે તેમાં ભીની માટી કે કાદવ વગેરે ન ચોંટે.
- આ મોસમમાં વોટરપ્રૂફ ઘડિયાળ જ પહેરો. વરસાદમાં જ્યારે પણ બહાર જાઓ ત્યારે બેગમાં નાનકડો નેપ્કિન, ટુવાલના કાપડવાળો રૂમાલ, ટિસ્યૂ પેપર, કાંસકો તેમજ ઓછા વજનના વોટરપ્રૂફ સૌંદર્યપ્રસાધન જ રાખો. ધ્યાન રાખો કે તમારી બેગ સુતરાઉ કે ચામડાની ન હોય, રેક્ઝીન કે નાઈલોનની હોય, નહીં તો બેગ ભીની થવાથી તેમાં મૂકેલો સામાન ખરાબ થઈ જશે.
- આ મોસમમાં બહાર જતી વખતે બેગમાં ફોલ્ડિંગ છત્રી મૂકો, ભલે ને તે સમયે મોસમ સ્વસ્છ કેમ ન હોય.
જ્યારે બાળકો સાથે હોય - જો બાળક નાનું હોય તો તેના ડાયપર, દૂધની બોટલ અને એક જોડી કપડાં જરૂર રાખો.
- જો સાથે મોટું બાળક હોય તો તેને વરસાદમાં પલળતા અટકાવો, કારણ કે પલળવાથી તેને શરદી, ઉધરસ, તાવ પણ આવી શકે છે.
- બાળકને ખુલ્લામાં પડેલી ખાવાપીવાની વસ્તુઓને ખાતા અટકાવો. જો કોઈ વસ્તુ ખાવાની જિદ્દ કરે તો તેને હાઈજીનિક ફૂડ ખાવા આપો.
વરસાદી રાતે એકલા
ક્યારેક મોનસૂનમાં ઓફિસ કે ક્યાંક બીજી જગ્યાએથી ઘરે આવતા જો રાત પડી જાય તો આ વાતો ધ્યાનમાં રાખો.
- જો વધારે મોડું થઈ ગયું હોય તો ઘરમાં ફોન કરીને કોઈને બોલાવી લો અથવા કોઈ બહેનપણી સાથે નીકળો.
- લિફ્ટ આપનાર અપરિચિતોથી બચો. જો તમને એકલા જોઈને કોઈ રોમિયો જબરદસ્તી કરે તો નજીકની પીસીઆર વાનનો સંપર્ક કરો અથવા ૧૦૦ નંબર પર ફોન કરો.
- જો ટેક્સી અથવા રિક્ષામાં મુસાફરી કરી રહ્યાં હો તો તેનો નંબર નોંધીને તેને ઘરના કોઈ મોબાઈલ પર એસએમએસ કરી દો અથવા ઘરે ફોન કરીને જણાવો કે તમે તે જગ્યાએથી ટેક્સી રિક્ષામાં આવી રહ્યા છો.
- હેન્ડ બેગમાં જરૂરી સામાન, નાની ટોર્ચ, નાનકડો ટુવાલ અને કેટલીક જરૂરી દવાઓ જેમ કે શરદી, તાવની દવા સાથે રાખો.
- સૂમસામ રસ્તા પર એકલા જવાનું ટાળો અને જો કોઈ પીછો કરતું હોય તો સામાન્ય રહો. ચહેરા પર ગભરામણના ભાવ ન વર્તાવા દો.









