Sahiyar

શ્રાદ્ધ ન કરવાથી શું થાય?

By GS Team
28 Sep 20264 mins read
શ્રાદ્ધ ન કરવાથી શું થાય?
  • શ્રાદ્ધની મહત્તા સમજો

શ્રાદ્ધ કહીએ એટલે ઘણા લોકોનાં મનમાં 'અશાસ્ત્રીય કર્મકાંડ' એવી ભૂલભરેલી છાપ છે. કેટલાક જણ 'શ્રાદ્ધ કરવા કરતાં ગરીબોને અન્નદાન અથવા એકાદ નિશાળને સહાય કરો' એમ સુઝાડે છે! એવું કરવું એટલે 'એકાદ રોગી પર શસ્ત્રક્રિયા કરવાને બદલે અમે ગરીબોને અન્નદાન કરીશું. શાળાને દાન આપીશું' એવું કહેવા બરાબર છે. શ્રાદ્ધ કરવું એ ધર્મપાલન કરવાનો જ એક ભાગ છે.
શ્રાદ્ધનું મહત્ત્વ : કળિયુગમાં મોટા ભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં જકડાઈ ગયા હોય છે. તેથી મૃત્યુ પછી આવી વ્યક્તિઓનો લિંગદેહ અતૃપ્ત રહે છે. આ અતૃપ્ત મર્ત્યુલોકમાં અટવાય છે. મર્ત્યલોક એ ભૂલોક અને ભુવલોકની વચ્ચે છે. અતૃપ્ત પૂર્વજોની ઇચ્છા-આકાંક્ષા શ્રાદ્ધવિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવી આપવી એ શ્રાદ્ધ કરવા પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ છે. પિતરો માટે શ્રાદ્ધ ન કરવાથી તેમની ઇચ્છા અતૃપ્ત રહેવાથી તેમ જ આવી વાસના ધરાવતા પિતર અનિષ્ટ શક્તિઓના તાબામાં જઈને તેમના દાસ (ગુલામ) બન્યા હોવાથી અનિષ્ટ શક્તિઓએ પિતરોનો ઉપયોગ કરીને કુટુંબીજનોને ત્રાસ આપવાની શક્યતા વધારે હોય છે. નીચે આપ્યા પ્રમાણે કેટલાક પ્રકારના ત્રાસ પૂર્વજોને કારણે થાય છે - ઘરમાં સતત ઝઘડો થવો, એકબીજા સાથે અણબનાવ, નોકરી ન મળવી, ઘરમાં પૈસો ન ટકવો, એકાદને ગંભીર માંદગી થવી, સર્વ પરિસ્થિતિ અનુકૂળ હોવા છતાં વિવાહ ન થવો, પતિ-પત્નીનું ન બનવું, ગર્ભધારણ ન થવો, ગર્ભપાત થવો, મતિમંદ કે વિકલાંગ સંતાન નીપજવું અને કુટુંબમાંના એકાદને વ્યસન લાગવું.
શ્રાદ્ધ કોણે કરવું : શ્રાદ્ધવિધિ પોતે કરવાની હોય છે. તે પોતાને કરતાં આવડતું નથી એટલે આપણે બ્રાહ્મણ પાસે કરાવીએ છીએ. હવે શ્રાદ્ધ કરનાર બ્રાહ્મણો પણ મળતા નથી. આને માટે ઉપાય એટલે શ્રાદ્ધ-સંકલ્પવિધિની પોથીઓ મળે છે. તે લાવીને પ્રત્યેકે શ્રાદ્ધ-સંકલ્પવિધિ પાઠ કરવો.
પૂર્વજોનાં સ્પંદનો અને તેમના સૌથી નજીકના વારસાદારોનાં સ્પંદનો એમાં ઘણું સાધર્મ્ય હોય છે. એકાદ સૂક્ષ્મદેહ વેદના અનુભવતો હોય ત્યારે તે ત્રાસનાં સ્પંદનો તેમનો સૌથી નજીકનો વારસદાર પણ અનુભવતો હોય છે. આને કારણે જ શ્રાદ્ધપક્ષાદી પિતરોને માટે કરવામાં આવનારી વિધિ દિકરાએ કરવાની હોય છે. દિકરાનાં સ્પંદનો અને પિતરોનાં સ્પંદનો એક સરખાં જ હોવાથી શ્રાદ્ધતર્પણ સમયે દિકરાએ આપેલું તર્પણ પિતરોને ગ્રહણ કરવું સહેલું પડે છે.
શ્રાદ્ધવિધિ અમુક એક વ્યક્તિ કરી શકતી નથી એટલે કરી નહીં એવું કોઈને પણ કહેવાની તક ન આપનારો હિંદુ ધર્મ!
છોકરો (જનોઈ ન લીધી હોય તો પણ), છોકરી, પૌત્ર, પ્રપૌત્ર, પત્ની, સંપઢિયમાં ભાગીદાર રહેલી છોકરીનો છોકરો, સગો ભાઈ, ભાઈનો છોકરો, કાકાના છોકારો, પિતા, માતા, વહુ, મોટી અને નાની બહેનના છોકરા, મામા, સપિંડ (સાત પેઢી સુધીના કુળના કોઈ પણ), સમાનોદક (સાત પેઢી પછીના ગોત્રના કોઈ પણ), શિષ્ય, ઉપાધ્યાય, મિત્ર, જમાઈ ક્રમથી પહેલા નહીં હોય તો બીજાએ શ્રાદ્ધ કરવું. એકત્ર કુટુંબમાં કર્તા વડીલ પુરુષ (કુટુંબમાં ઉંમરમાં મોટા અથવા બધાના ભરણપોષણની જવાબદારી રહેલી વ્યક્તિ) એ શ્રાદ્ધ કરવા. છૂટા થયા પછી દરેકે સ્વતંત્ર શ્રાદ્ધ કરવું. પ્રત્યેક મૃત વ્યક્તિ માટે શ્રાદ્ધ કરાય અને તેને સદ્ગતિ મળે એવી પદ્ધતિ હિંદુ ધર્મે તૈયાર કરી છે.
શ્રાદ્ધ ક્યારે કરવું ?
૧) સામાન્યપણે દર વર્ષે મનુષ્યના મરવાની તિથિને દિવસે (અંગ્રેજી તારીખ અનુસાર નહીં, હિન્દુ પંચાંગ પ્રમાણેની તિથિએ) શ્રાદ્ધ કરવું. મૃત્યુતિથિ ખબર ન હોય, પણ ફક્ત મહિનો ખબર હોય એવે સમયે તે મહિનાના અમાસના દિવસે શ્રાદ્ધ કરવું.
૨) મૃત્યુતિથિ અને મહિનો બંને ખબર ન હોય તો મહા અથવા માગશર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું.
૩) નિશ્ચિત મૃત્યુતિથિ ખબર ન હોય, મૃત્યુની બાતમી મળેલા દિવસે શ્રાદ્ધ કરવું.
૪) પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું જોઈએ. તે ઉદકથી એટલે પિતરોને તર્પણ કરીને પણ કરી શકાય છે.
૫) પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું અશક્ય હોય તો દર્શશ્રાદ્ધ કરવું. એનાથી નિત્ય શ્રાદ્ધની સિદ્ધિ થાય છે. દર્શ એટલે અમાસ. દર્શશ્રાદ્ધ એટલે દર મહિનાના અમાસના દિવસે કરવાનું શ્રાદ્ધ.
૬) દર મહિને દર્શશ્રાદ્ધ કરવું અશક્ય હોય, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાના અમાસના દિવસે તો કરવું જ.
૭) દર્શશ્રાદ્ધ ચૈત્ર ભાદરવો અને આસો મહિનાના અમાસના દિવસે કરવું શક્ય ન હોય તો ભાદરવા મહિનાના પિતૃપક્ષમાં મહાલય શ્રાદ્ધ તો અવશ્ય કરવું. તે પણ અશક્ય હોય તો ભાદરવો મહિનાના અમાસના દિવસે (સર્વપિતૃ અમાસને દિવસે) તો શ્રાદ્ધ કરવું જ.
શ્રાદ્ધ માટેની યોગ્ય જગ્યા કઈ ?
૧) દક્ષિણ બાજુએ ઊતરતી એવી જગા શ્રાદ્ધ માટે સારી હોય છે.
૨) ગાયના છાણથી લીપેલી તેમ જ કીડા વગેરે પ્રાણી અને અપવિત્ર વસ્તુઓ વિનાની ભૂમિ શ્રાદ્ધ માટે સારી હોય છે.
૩) જે જગ્યા કોઈ પણ વ્યક્તિની માલિકીની ન હોય એવાં ઠેકાણાં એટલે વનો, પર્વત, નદીઓ, તીર્થો, મોટાં સરોવરો, દેવાલયો એ ઠેકાણે શ્રાદ્ધ કરવામાં વાંધો નથી.
શ્રાદ્ધ માટે લાગનારાં ઉપકરણો
સર્વસાધારણ ઉપકરણો (શ્રાદ્ધદ્રવ્યો) આસન, ત્રણ થાળીઓ, લોટો, આચમની-પંચપાત્ર, દર્ભ, સફેદ ઉન, વસ્ત્ર, ધોતિયું, જનોઈની જેડ, પંચો, શાલ, ચાદર, સફેદ ગંધ, ઘસેલું ગોપીચંદન, કાજળ અથવા સુરમા, કપૂર, ધૂપ, દીપ, સુવાસિક સફેદ ફૂલો, માકા (ભાંગરો), તુલસી, સોપારી, અગસ્તીનાં પાન, નાગરવેલનાં ડીંટા સાથેનાં પાન, સાતુ, વ્રીહી (ન સડેલા ચોખા) યવ (જવ), ઉડદ, ઘઉં, સાવ, મગ અને રાઈ, મધ, છૂટા પૈસા, ભસ્મ, કેળાનાં પાન અથવા મોહાની પત્રાવળી, કેળાના દડિયા, તૈયાર થયેલી રસોઈ, ઘી અને સમય અનુસાર દક્ષિણા.
શ્રાદ્ધની વિધિ અને ભોજન માટે વાપરવાનાં વાસણો
યોગ્ય વાસણો : સ્વચ્છ ધોયેલાં તેમ જ સોના, રૂપા, કાંસાનાં અને માટીનાં નવાં વાસણો. પ્રસંગે અન્ન મૂૂકવા અને પીરસવા લાકડાનાં વાસણો ઉત્તમ છે.
અયોગ વાસણો : શ્રાદ્ધને સમયે લોખંડનાં, સ્ટીલનાં અથવા કોઈ પણ તૂૂટેલાં વાસણો અને શાસ્ત્રો પિતરોની નજરે પડે નહીં એનું ધ્યાન રાખવું. લોખંડનાં દર્શનથી પિતર પાછા ફરી જાય છે.