Sahiyar

આપણે હવે ઈશ્વરને પણ છેતરવા માંડયા છીએ...!

By GS Team
7 Sep 20266 mins read
આપણે હવે ઈશ્વરને પણ છેતરવા માંડયા છીએ...!
  • આ કડવી વાસ્તવિકતા છે કે આપણે કેવા પ્રકારની નવી પેઢી તૈયાર કરી રહ્યા છીએ? જ્યાં સંસ્કારોમાં ઈશ્વર સાથે જ છેતરપિંડી શીખવવામાં આવતી હોય, એ સમાજમાં ભ્રષ્ટાચાર, બેઈમાની અને વિશ્વાસઘાત સિવાય બીજું શું પાંગરવાનું હતું? જો માણસ પોતાના આરાધ્ય દેવ સામે જ પ્રમાણિક ન રહી શકતો હોય, તો એ દુનિયાના કોઈ સંબંધમાં, વેપારમાં કે દેશ પ્રત્યે ક્યારેય વફાદાર રહી શકવાનો નથી.

તાજેતરમાં મારા મંદિરમાં હું ભગવાનની સેવા માટે ગયો હતો. ત્યાં શ્રદ્ધાળુઓ આવતા હતા, મસ્તક નમાવતા હતા અને યથાશક્તિ ભેટ દાનપેટીમાં નાખતા હતા. લગભગ અઠવાડિયાના અંતે જ્યારે આ દાનપેટી ખાલી કરી અને તેમાં રહેલી રકમની ગણતરી કરી ત્યારે સૌથી મોટો આઘાત લાગ્યો. રકમના આંકડાથી નહીં પણ તે જે સ્વરૂપે આવી હતી તેને જોઈને આઘાત લાગ્યો. દાનપેટીમાંથી ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની ફાટેલી, જર્જરીત થઈ ગયેલી ઘણી ચલણી નોટો મળી. તેનો હિસાબ કર્યો તો ચાર આંકડામાં તેનું ટોટલ થયું. ઈશ્વર સામે હાથ જોડીને ગાડી, બંગલા, નોકરી, વિદેશમાં સ્થાયી થવાનું, સંતાનોને સેટ કરી આપવાનું અને બીજું કંઈક કેટલું આપણે માગતા હોઈએ છીએ.. ઈશ્વરને આપવાનું આવે ત્યારે ફાટેલી નોટો… શું આપણે ઈશ્વરને પણ છેતરવા લાગ્યા છીએ… આપણામાં એટલી પણ નૈતિકતા નથી રહી કે જે પરમતત્ત્વ સામે આપણે હાથ જોડીને ઊભા છીએ તેની સાથે જ રમત કરીને આપણે નીકળી જઈએ છીએ.
મંદિરના ગર્ભગૃહ સામે હાથ જોડીને ઊભેલો માણસ જ્યારે આંખો મીંચે છે, ત્યારે એના ચહેરા પર અપાર શ્રદ્ધા, ત્યાગ અને સમર્પણનો ભાવ હોય છે. ઘણી વખત આ ભાવ એવી રીતે ધારણ કરવામાં આવે છે, કે સાક્ષાત દેવતા પણ ક્ષણવાર માટે આશ્ચર્યમાં મુકાઈ જાય. માણસની જેવી આંખો ખૂલે છે અને હાથ ખિસ્સામાં જાય છે, કે તરત જ સદીઓ જૂની મેલી માનસિકતા બહાર આવીને ઊભી રહી જાય છે. ખિસ્સામાં પડેલી કડકડતી પાંચસો કે બે હજારની નોટો સાચવીને, આંગળીઓ એવા ખૂણાને ફંફોસે છે જ્યાં સેલોટેપ ચોંટાડેલી, ખૂણો તૂટી ગયેલી, શાકભાજીવાળા કે રિક્ષાવાળાએ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હોય તેવી ૧૦, ૨૦ કે ૫૦ની ગંધાતી-ચીંથરેહાલ નોટ છુપાયેલી હોય. અત્યંત ચાલાકીપૂર્વક એ કાગળનો કચરો દાનપેટીના સાંકડા કાણામાં સરકાવી દેવામાં આવે છે અને આ માણસ છાતી ફુલાવીને બહાર નીકળે છે કે 'મેં આજે પ્રભુને દાન આપ્યું!' આ માત્ર એક ફાટેલી નોટ પધરાવવાની સાદી ઘટના નથી; આ આપણા આખા સમાજની સડી ગયેલી ધામકતા, ખોખલી નૈતિકતા અને ઈશ્વર સાથે પણ છેતરપિંડી કરવાની નિર્લજ્જ વૃત્તિનો જીવતો જાગતો પુરાવો છે.
જે નોટથી એક કપ ચા કે પાનનું બીડું નથી મળતું, જે નોટ સામાન્ય લારીવાળો પણ મોં મચકોડીને ગ્રાહકના મોડા પર પાછી ફેંકે છે, એ નોટ આપણે ત્રિલોકના નાથના ચરણોમાં પધરાવી આવીએ છીએ. આ કઈ જાતની શ્રદ્ધા છે? શું મંદિર એટલે નકામી ચીજવસ્તુઓ પધરાવવાનું કચરાપાત્ર છે? આપણી માનસિકતા એટલી હદે પતિત થઈ ચૂકી છે કે જે વસ્તુ સમાજના સૌથી છેલ્લા માણસ દ્વારા નકારાઈ ગઈ છે, તેને આપણે ઈશ્વરના માથે ઠોકી બેસાડીએ છીએ. અહીં સવાલ રૂપિયાના મૂલ્યનો નથી; ૧૦ રૂપિયા આપો કે ૧૦ લાખ, ઈશ્વરને તમારા ધનની લાલચ નથી. પણ સવાલ એ દાન પાછળ રહેલી બદદાનત અને ધૃણાસ્પદ ચાલાકીનો છે. આપણે મનોમન એવું માની લીધું છે કે 'દાનપેટીમાં કોણ જોવા બેઠું છે? અંદર નાખી દીધું એટલે આપણું કામ પૂરું અને નકામી નોટ પણ વટાવાઈ ગઈ!' આ વિચાર જ સાબિત કરે છે કે આપણી નજરમાં ઈશ્વર સર્વવ્યાપી કે સર્વજ્ઞા નથી.
જેના દરબારમાં ઊભા રહીને આપણે અરબોની માગણી કરીએ છીએ અને તેની જ સામે ચાર આનાની છેતરપિંડી કરવા લાગીએ છીએ. આ એક વરવી સોદાબાજી શરૂ થઈ ગઈ છે. મંદિરમાં જઈને આપણે ઈશ્વર સામે જે લિસ્ટ ખોલીને ઊભા રહીએ છીએ તે ક્યારેય જોયું છે? દિકરા-દીકરીને અમેરિકા કે કેનેડાના વિઝા મળી જાય. શહેરમાં મોટો બંગલો અને લક્ઝરી ગાડી આવી જાય. ધંધામાં કરોડોનો નફો થાય અને ઇન્કમટેક્સની રેડ ન પડે. શરીરમાં કોઈ રોગ ન આવે અને સમાજમાં વટ પડે. આપણી માગણીઓનું લિસ્ટ અનંત છે. આપણે પરમાત્મા પાસે અબજો રૂપિયાનું સામ્રાજ્ય, દીર્ઘાયુષ્ય અને તમામ ભૌતિક સુખોની ભીખ માગીએ છીએ. પણ જ્યારે એ અનંત શક્તિ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો વારો આવે છે, ત્યારે આપણી ઔકાત ફાટેલી દસ-વીસ રૂપિયાની નોટ પર આવીને અટકી જાય છે. આ ભક્તિ નથી, આ એકતરફી, નિર્લજ્જ અને હલકી કક્ષાની સોદાબાજી છે. સંસારના કોઈ સામાન્ય વેપારી સાથે પણ આવી છેતરપિંડી કરવાની આપણી હિંમત નથી ચાલતી, કારણ કે ત્યાં પકડાઈ જવાનો અને અપમાનિત થવાનો ડર હોય છે. ઈશ્વર મૂંગો છે, એ તાત્કાલિક દાનપેટીમાંથી ફાટેલી નોટ બહાર નીકળીને તમારો કલર પકડવાનો નથી, એટલે આપણે તેની સાથે ખુલ્લેઆમ દગાખોરી કરીએ છીએ.
આપણી સંસ્કૃતિમાં ભક્તિનું સર્વોચ્ચ શિખર શબરીના એઠાં બોર હતાં. શબરીએ બોર ચાખીને એટલા માટે આપ્યાં હતાં કે પ્રભુ રામને કોઈ ખાટું બોર ન આવી જાય. એમાં સમર્પણ હતું, પ્રેમ હતો, સર્વસ્વ લૂંટાવી દેવાનો શુદ્ધ ભાવ હતો. સુદામા જ્યારે કૃષ્ણ પાસે ગયા ત્યારે ફાટેલી પોટલીમાં તાંદુલ લઈ ગયા હતા, કારણ કે એ ગરીબ બ્રાહ્મણ પાસે બીજું કશું જ નહોતું; છતાં એ તાંદુલમાં પ્રેમની પરાકાષ્ઠા હતી. આજે આપણી પાસે ગાડીઓ છે, સોનાના દાગીના છે, બેંક બેલેન્સ છે અને વૈભવી જીવન છે. છતાં દાનપેટીમાં ફાટેલી નોટ જાય છે. આ શબરીનો ભાવ નથી, આ સુદામાની લાચારી નથી; આ સમૃદ્ધ માણસની આંતરિક ગરીબી અને કંગાળિયત છે. આપણી તિજોરીઓ છલકાઈ રહી છે પણ આપણાં હૃદય સડી ગયાં છે. જે સમાજ પોતાના ઈશ્વરને જર્જરિત કાગળિયાં ધરે છે, એ સમાજના આત્માની સ્થિતિ પણ એ ફાટેલી નોટો જેવી જ ચીંથરેહાલ થઈ ચૂકી છે.
આપણે એવા દંભી બની ગયા છીએ કે બહારથી ધામકતાનો દેખાડો કરવો ખૂબ ગમે છે. ગળામાં માળાઓ, કપાળમાં મોટાં તિલકો, લાખો રૂપિયાના ખર્ચે થતાં માતાજીના ગરબા કે કથા-સપ્તાહો અને તેમાં અપાતા વટભેર દાન… પણ જ્યાં કોઈ જોનારું નથી, જ્યાં ફક્ત પોતાનો અંતરાત્મા અને ઈશ્વર બે જ હાજર છે, ત્યાં માણસ પોતાનું અસલી, વરવું રૂપ બતાવી દે છે. દાનપેટી એ વ્યક્તિના ગુપ્ત ચરિત્રની કસોટી છે. જાહેર મંચ પરથી નામ બોલાવીને અપાતું દાન અહંકારનું પોષણ કરે છે, જ્યારે દાનપેટીમાં અજ્ઞાાત રીતે મુકાતું ધન તમારા સાચા સમર્પણનું માપદંડ છે. અઠવાડિયાના અંતે જ્યારે દાનપેટીમાંથી હજારો રૂપિયાની ફાટેલી નોટો નીકળે, ત્યારે એ સાબિત થાય છે કે મંદિરમાં આવનારા મોટાભાગના લોકો ભક્ત નહીં પણ ધર્મના નામે કચરો નિકાલ કરનારી હલકી વૃત્તિ લઈને આવ્યા હતા.
આપણે ભૂલી જઈએ છીએ કે જે શક્તિએ આ બ્રહ્માંડ રચ્યું છે, જેણે આપણને શ્વાસ, શરીર, બુદ્ધિ અને સંપત્તિ આપી છે, એને છેતરવાની મૂર્ખતા આપણે કરી રહ્યા છીએ. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે : પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ। (મને પાંદડું, ફૂલ, ફળ કે માત્ર જળ પણ જો કોઈ શુદ્ધ ભક્તિભાવથી અર્પણ કરે તો હું તેનો સ્વીકાર કરું છું.)
ઈશ્વરે ક્યારેય સોનામહોરો કે કરોડો રૂપિયાની માગણી કરી જ નથી. જો ખિસ્સામાં પૈસા ન હોય તો ખાલી હાથે જાઓ, બે હાથ જોડીને આંખમાંથી બે ટીપાં પાડી દો, એ પણ તેને સ્વીકાર્ય છે. ખિસ્સામાં કડકડતી નોટો હોવા છતાં, જાણીજોઈને દગાબાજીના ઇરાદાથી ફેંકી દેવા જેવી નોટ ઈશ્વરના ચરણોમાં પધરાવવી એ ભક્તિ નથી, સાક્ષાત્ પાપ છે. એ તમારા ઈશ્વરનું, તમારા પોતાના વિશ્વાસનું અને માનવતાનું અપમાન છે.
આ કડવી વાસ્તવિકતા છે કે આપણે કેવા પ્રકારની નવી પેઢી તૈયાર કરી રહ્યા છીએ? જે સંસ્કારોમાં ઈશ્વર સાથે જ છેતરપિંડી શીખવવામાં આવતી હોય, એ સમાજમાં ભ્રષ્ટાચાર, બેઈમાની અને વિશ્વાસઘાત સિવાય બીજું શું પાંગરવાનું હતું? જો માણસ પોતાના આરાધ્ય દેવ સામે જ પ્રમાણિક ન રહી શકતો હોય, તો એ દુનિયાના કોઈ સંબંધમાં, વેપારમાં કે દેશ પ્રત્યે ક્યારેય વફાદાર રહી શકવાનો નથી.
મંદિરમાં જતાં પહેલાં દરેક વ્યક્તિએ પોતાના અંતરાત્માને ઢંઢોળવાની જરૂર છે. જો પ્રભુને આપવા માટે શુદ્ધ ભાવ અને પ્રમાણિકતા ન હોય, તો દાનપેટી તરફ હાથ લંબાવવાનું બંધ કરવું જોઈએ. ખાલી હાથે ઊભા રહેવું એ ફાટેલા મન અને ફાટેલી નોટો સાથે ઊભા રહેવા કરતાં હજાર ગણું શ્રેષ્ઠ છે. ઈશ્વરને તમારી કાગળની નોટોની જરૂર નથી, પણ તમારી દાનતની જરૂર છે. અને જેની દાનતમાં જ ખોટ હોય, એની કોઈ પ્રાર્થના ક્યારેય વૈકુંઠ સુધી પહોંચતી નથી.