Sahiyar

જિંદગીની જીત

By GS Team
7 Sep 20263 mins read
જિંદગીની જીત
  • વંદના ગોસ્વામી

ત્વરાનો જન્મ થયો ત્યારે એના ખોળામાં દીકરીને લેતા હષલ બોલ્યો 'લક્ષ્મી આવી છે આપણે આંગણે. કહી એ પત્ની મંજુલાના ખભ્ભે માથું નાખી રડવા લાગ્યો. 'દસ વર્ષે ભગવાને આપણને આ સુખ આપ્યું. પણ બધાં કહે છે ને કે દીકરી જલ્દી મોટી થઇ આપણાંથી દૂર થઇ જશે'
ત્યારે મંજુલા બોલી 'શું તમે પણ હજી તો દીકરી જ્ન્મી છે ત્યાં એ સાસરે ચાલી જવાની હોય એવું બોલો છો ? ને ત્યાં જ એની નજર દીકરીનાં પગ પર પડી. ખુશી અચાનક પીડામાં તબદીલ થઇ ગઈ. નાના નાના પગલાં હતાં, પણ એક પગ બીજા પગથી નાનો જોઇ મંજુલાના પેટમાં ફાળ પડી. એની આંખમાં આંસુનું પૂર આવી જ જશે એવું લાગ્યું. પણ એના પતિ હજી રડતા જ હતાં એ જોઇ એણે જેમ શિવજીએ ગંગાને જટામાં બાંધી દીધી એમ આંસુને રોકીને અંદર જ ઉતારી દીધા. પતિનું પણ દીકરીના પગની ખોટ તરફ ધ્યાન ગયું, એણે પણ પત્ની દુ:ખી ન થાય એટલે આંખ અંદર આંસુનો ડેમ બાંધી દીધો.
પતિને દીકરીની આ દિવ્યાંગતામાંથી બહાર લાવવા બોલી 'શું તમે પણ જુઓ ભગવાન કંઇ ખોટું ન કરે એ જે કરે એ બરોબર જ હોય. તમે કહેતા હતાને કે એ દોડીને દૂર જશે પછી એના એક નાના પગને પક્ડી બોલી 'આ ક્યાં દોડી શકશે ? ' બન્ને જણ દીકરીને આંસુના અભિષેકથી પલાળી દીધી.
ધીમે ધીમે ત્વરા મોટી થવાં લાગી. આમ પણ દીકરીને મોટી થતા ક્યા વાર લાગે ! દીકરી ભણવામાં ખૂબ હોશિયાર. એ વાતનો માતાપેતાનો આનંદ બે ગણો રહેતો. પણ એની પગની તકલીફ્થી બંને દુથખી હતાં. સારામાં સારા ડાકટર બતાવી ચુક્યાં હતા પણ કંઇ ફેર પડતો ન હતો. ડાકટરનું એવું કહેવું હતું કે નોર્મલ પગમાં ખચક છે બાકી કોઇ તક્લીફ નથી. તો પણ મંજુલાને સંતોષ ન થયો એટલે દીકરીને સાજી કરવાના પ્રયત્નો ચાલુ જ હતા. ત્વરાને ચાલવામાં તકલીફ ન પડે માટે એના પગના સ્પેશિયલ બૂટ સિવડાવી આપ્યા હતા. એક દિવસ ત્વરા મમ્મીને કહેતી હતી કે 'મમ્મી અમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે આજે. એમાં હું પણ સ્પર્ધામાં ભાગ લેવાની છું.' ત્યારે મંજુલા દીકરીની પગની ખોટ માટે આજે બીજીવાર આંસુને પી ગઇ. ને કીધું 'હા બેટા તું ચોકકસ ભાગ લેજેે' પછી એ સ્કૂલ ગઇ એટલે એના ક્લાસ ટીચરને કોલ કરી કહ્યું કે 'ત્વરાને સ્પોર્ટ ડેમાં ભાગ લેવો હોય એમાં લેવા દેજો. એને નિરાશ ન કરતાં, ભલે એનો નંબર ન આવે પણ એને ખુશી થશે સ્પર્ધામાં ભાગ લીધાંની.' પછી આખો દિવસ કામમાં પણ જીવ ન લાગ્યો. મોબાઇલમાં રીંગ વાગેને એમ થાય ત્વરાનો સ્કૂલથી ફોન હશે ? એને વાગ્યું તો નહીં હોયને. એ સ્કૂલથી આવે એ પહેલા તો મનમાં કેટલાં વિચારોનાં ઘોડા દોડાવી નાખ્યાં હતાં. પતિને ઓફિસે કોલ કર્યો કે વહેલા આવજો. ત્વરાને આજે બહાર લઇ જશું, આજે પહેલીવાર કોઈ સ્પર્ધામાં ભાગ લીધો છે.
ત્વરા સ્કૂલેથી આવી એની મમ્મીને પગે લાગી જાદુની જપ્પી આપી, એના હાથમાં ટ્રોફી આપતા કહ્યું કે 'હું દોડ સ્પર્ધામાં પ્રથમ આવીે' મંજુલા ચોધાર આંસુએ રડી પડી. ત્વરાએ મમ્મીના આંસુ લૂછી કહ્યું એથી સારા સમાચાર આપું તો દોડ સ્પર્ધા પૂરી થઇ એ સાથે મારા પગમાં ચાલવામાં થોડી તકલીફ હતી એ પણ દૂર થઇ ગઈ… જાણે મંજુલાની દોડ પૂરી થઇ હોય અને એ પોતે જીવનનો મેડલ જીતી હોય એમ ફરી એની આંખમાં ખુશીના વાદળ ઉમટી પડયા.
સમાપન
તમે ધારો કે તમે કરી શક્શો અથવા તમે ધારો કે તમે નહીં કરી શકો. તમે બન્ને રીતે સાચા છો.
-હેનરી ફોર્ડ