Sahiyar

પ્રાણીઓના કમાવેલા ચામડા પર છવાયું વેગન લેધર

By GS Team
17 Aug 20262 mins read
પ્રાણીઓના કમાવેલા ચામડા પર છવાયું વેગન લેધર

રચિતાનો જન્મ શાકાહારી પરિવારમાં થયો હોવાથી તે હમેશાંથી પ્રાણીઓ પ્રત્યે દયાભાવના રાખતી. તેણે બચપણથી પોતાના કુટુંબીજનોને પ્રાણીઓ-પક્ષીઓને ખવડાવતાં-પીવડાવતાં જોયા હતા. કદાચ આ કારણે જે તેણે ક્યારેય કમાવેલા ચામડામાંથી, એટલે કે પ્રાણીઓના ચામડામાંથી બનેલી બેગ અથવા અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. રચિતા કહે છે કે હું ઓરિજિનલ ચામડાની વસ્તુઓ વાપરવાનો વિચાર સુધ્ધાં નથી કરી શકતી.
જ્યારે રચિતાની સખી પ્રિયા પણ કમાવેલા ચામડાની વસ્તુઓ ખરીદવાને બદલે વેગન લેધર, એટલે કે માનવ સર્જિત ચામડામાંથી બનાવેલી બેગ કે અન્ય કોઈ વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે. તે કહે છે કે ખરેખરા ચામડામાંથી બનાવેલી વસ્તુમાં ચોક્કસ પ્રકારની ગંધ આવે છે. જ્યારે વેગન લેધરની બેગમાંથી કોઈ પ્રકારની વાસ નથી આવતી. વળી તે સાફ કરવામાં પણ સહેલી છે અને લાંબા સમય સુધી ટકે છે તે છોગામાં. હું દોઢેક વર્ષથી મારી વેગન બેગ ઉપયોગમાં લઈ રહી છું. મને તેમાં કોઈ ખામી નથી જણાઈ.
જોકે અહીં એવો પ્રશ્ન થવો સહજ છે કે મૂળભૂત લેધર, એટલે કે ચામડામાં અને વેગન લેધરમાં શો ફેર? આના જવાબમાં આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે..,
વેગન લેધર એટલે પ્રાણીઓનું ચામડું નહીં, બલ્કે વૃક્ષમાંથી મેળવેલા પદાર્થો, પ્લાસ્ટિક, ખેત પેદાશો તથા ફૂલોમાંથી નીકળેલા નકામા પદાર્થો, શેરડી તેમ જ અન્ય ફળોની છાલ, કેટલાંક સિન્થેટિક મટિરિયલ, અનાનસના પાન ઇત્યાદિમાંથી બનાવેલું લેધર. તેઓ વધુમાં કહે છે કે આ લેધર પ્રાણીઓના કમાવેલા ચામડામાંથી તૈયાર કરાયેલી વસ્તુઓ કરતાં વધુ ટકે છે. તેની જાળવણી પણ પ્રમાણમાં વધારે સહેલી હોય છે. તેમાંથી કોઈ પ્રકારની ગંધ નથી આવતી. સૌથી મહત્વની વાત એ છે કે વેગન લેધર પ્રાણીઓના ચામડાને ઘણું મળતું આવે છે. આમ છતાં તેમાં વિવિધ પ્રકારની ડિઝાઈન પણ બનાવી શકાય છે.
તેઓ ઉમેરે છે કે પ્રાણીઓનું ચામડું કમાવવામાં પુષ્કળ પાણીની જરૂર પડે છે. સાથે સાથે તે બનાવવામાં રસાયણોનો ઉપયોગ પણ થાય છે. વળી પ્રાણીઓનું ચામડું મર્યાદિત પ્રમાણમાં મળે છે. જ્યારે વેગન લેધરનું ઉત્પાદન મબલખ પ્રમાણમાં કરી શકાય છે.
આજની તારીખમાં ઓરિજિનલ લેધરની બેગ તેમ જ અન્ય વસ્તુઓનો ગર્વભેર ઉપયોગ કરનારી સેલિબ્રિટીઓ પણ વેગન લેધરની આઇટમ્સ તરફ વળી છે. આ કારણે જ એમ માનવામાં આવે છે કે વર્ષ ૨૦૩૦ સુધી વેગન લેધરમાંથી બનતી વસ્તુઓનું માર્કેટ લગભગ ૧૩૧.૪ મિલિયન અમેરિકી ડોલરને આંબી જશે. કહેવાનો અર્થ એ છે કે આ આંકડો વર્તમાન આંકડાં કરતાં નવ ટકા વધારે હશે. વાસ્તવમાં વેગન લેધર ઈકો-ફ્રેન્ડલી અને કોઈપણ પ્રકારની ક્રૂરતા આચર્યા વિના બનાવવામાં આવતું હોવાથી તેનો ઉપયોગ જ હિતાવહ ગણાય.